મુખરજી રાની (જ. 21 માર્ચ 1978, મુંબઈ) : જાણીતી અભિનેત્રી. તેમના પિતા, રામ મુખરજી, ભૂતપૂર્વ ફિલ્મદિગ્દર્શક અને ફિલ્માલય સ્ટુડિયોના સ્થાપકોમાંના એક હતા. તેમનાં માતા કૃષ્ણા મુખરજી ભૂતપૂર્વ પાર્શ્વગાયિકા છે. તેમના મોટા ભાઈ, રાજા મુખરજી, એક ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક છે. તેમનાં માસી દેબશ્રી રૉય એક બંગાળી અભિનેત્રી છે અને તેમના પિતૃપક્ષી કાજોલ એક હિન્દી ફિલ્મઅભિનેત્રી અને તેમનાં સમકાલીન છે. અન્ય એક પિતૃપક્ષી અયાન મુખરજી એક પટકથાલેખક અને ફિલ્મદિગ્દર્શક છે. તેમનાં માતાપિતા અને તેમના મોટા ભાગના સંબંધીઓ ભારતીય ફિલ્મઉદ્યોગના સભ્યો હોવા છતાં, રાનીને ફિલ્મમાં કારકિર્દી બનાવવામાં રસ નહોતો. તેમણે કહેલું, ‘ઘરે પહેલાંથી જ ઘણી બધી અભિનેત્રીઓ હતી અને હું કોઈ અલગ બનવા માંગતી હતી’.

રાની મુખરજી
રાની મુખરજીએ મુંબઈની જુહુમાં આવેલી માણેકજી કૂપર હાઈસ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું અને એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાંથી ગૃહવિજ્ઞાન(હોમ સાયન્સ)માં સ્નાતક થયાં. તેઓ એક તાલીમ પામેલી ઓડિસી નૃત્યાંગના છે અને તેઓ દસમા ધોરણમાં હતાં ત્યારથી નૃત્ય શીખવાનું શરૂ કરેલું. વાર્ષિક પરંપરાના ભાગ રૂપે, રાની પરિવાર સાથે દર વર્ષે સાંતાક્રુઝના ઉપનગરીય વિસ્તારમાં દુર્ગા પૂજાનો તહેવાર ઊજવે છે.
રાની મુખરજીએ કિશોરાવસ્થામાં તેના પિતા રામ મુખરજીની બંગાળી ભાષાની ફિલ્મ ‘બિયેર ફૂલ’માં 1996માં સૌપ્રથમ વાર અભિનય કરેલો. એ જ વર્ષમાં એની એક હિન્દી ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ રજૂઆત પામી. ફિલ્મોમાં અભિનય કરતાં પહેલાં રાનીએ રોશન તનેજાની અભિનય સંસ્થામાં તાલીમ લીધી હતી. ‘રાજા કી આયેગી બારાત’માં રાનીએ એક બળાત્કાર પીડિતાનું પાત્ર ભજવ્યું હતું જેને તેના બળાત્કારી સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.
આ ફિલ્મ જોકે વ્યાવસાયિક નિષ્ફળ રહી હતી, પણ રાનીના અભિનયની નોંધ લેવાઈ હતી અને વાર્ષિક સ્ક્રીન ઍવૉર્ડ સમારોહમાં ખાસ માન્યતા ટ્રૉફી મળી હતી. પ્રથમ ફિલ્મ જ વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં રાનીએ તેનો કૉલેજનો અભ્યાસ ફરી શરૂ કરેલો. પણ પિતરાઈ બહેન કાજોલની સફળતાથી પ્રેરાઈને ફરી ફિલ્મોમાં પૂર્ણ સમયની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
રાની મુખરજીને ઍકશન ફિલ્મ ‘ગુલામ’ સાથે પ્રથમ વ્યાપારી સફળતા મળી. આ ફિલ્મનું એક ગીત ‘એ કયા બોલતી તૂ’ બહુ પ્રચલિત થયેલું હતું. એ જ વર્ષે રજૂ થયેલી અન્ય એક ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’(1998)ને મોટી સફળતા મળવાથી રાની એક સ્ટાર બની જાય છે. 2002માં સર્જાયેલી યશ રાજ ફિલ્મ્સની ‘સાથિયા’ એક મહત્ત્વના વળાંક સમી રહી.
રાનીએ ઘણી વ્યાપારી રીતે સફળ રોમૅન્ટિક ફિલ્મોમાં અભિનય કરીને પોતાને સ્થાપિત કર્યાં, જેમાં ‘ચલતે ચલતે’ (2003), ‘હમ તુમ’, ‘વીર-ઝારા’ (બંને 2004), અને ‘કભી અલવિદા ના કહેના’ (2006), અને ક્રાઇમ કૉમેડી ‘બંટી ઔર બબલી’(2005)નો સમાવેશ થાય છે.
‘યુવા’(2004)માં એક દુર્વ્યવહારિત પત્ની અને ‘બ્લૅક’(2005)માં એક બહેરા અને અંધ મહિલાની ભૂમિકા ભજવવા બદલ તેમણે ખૂબ પ્રશંસા મેળવી. 2007થી 2010ના ગાળામાં રજૂ થયેલી રાનીની ફિલ્મો નિષ્ફળ રહી, પણ 2011માં રાનીએ જીવનચરિત્રાત્મક થ્રિલર ‘નો વન કિલ્ડ જેસિકા’માં એક ઉદ્ધત પત્રકારની ભૂમિકા ભજવી ત્યારે ફરી સફળતા પ્રાપ્ત કરી. આ ઉપરાંત થ્રિલર ફિલ્મો ‘તલાશ’ (2012), ‘મર્દાની’ (2014) અને ‘મર્દાની-2’ (2019) સફળતા પામી. કૉમેડી-ડ્રામા ‘હિચકી’ (2018) રાનીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ તરીકે ઊભરી આવી. આ ઉપરાંત ‘શ્રીમતી ચેટર્જી વર્સિસ નૉર્વે’ (2023) માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે.
રાની મુખરજીએ અત્યાર સુધીમાં 55 જેટલી ફિલ્મોમાં અભિનય કરેલો છે. આ ઉપરાંત 4 ટેલિવિઝન સિરિયલો, 3 દસ્તાવજી (ડૉક્યુમેન્ટરી) ફિલ્મો અને એક મ્યુઝિક વીડિયોમાં અભિનય કરેલો છે. આ ઉપરાંત તેણીએ કૉન્સર્ટ ટૂર અને સ્ટેજ શોમાં પણ ભાગ લીધો છે.
રાની મુખરજી માનવતાવાદી કાર્યો સાથે સંકળયેલાં છે અને બાળકો અને મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. રાનીએ ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યાં છે. આ દંપતીને એક પુત્રી છે.
રાની મુખરજીને આઠ ફિલ્મફેર પુરસ્કારો મળ્યા છે. ‘કુછ કુછ હોતા હૈ’ (1998), ‘યુવા’ (2004) અને ‘નો વન કિલ્ડ જેસિકા’ (2011) ફિલ્મોમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર, ‘હમ તુમ’ (2004) અને ‘બ્લૅક’ (2005) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર અને ‘સાથિયા’ (2002), ‘બ્લૅક’ (2005), અને ‘શ્રીમતી ચેટર્જી વર્સિસ નૉર્વે’ (2023) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલો છે.
અભિજિત વ્યાસ
