ઋગ્વિધાન : શ્રૌત કે ગૃહ્ય કલ્પમાં ઉક્ત કર્મો સિવાયનાં કામ્યકર્મોમાં પ્રયોજવાનાં ઋક્સંહિતાનાં સૂક્ત, વર્ગ, મંત્ર, મંત્રચરણ આદિના વિનિયોગનું નિરૂપણ કરતો ગ્રંથ.
ઋષ્યાદિ અનુક્રમણીઓના રચયિતા શૌનકની એ કૃતિ છે. તેમાં કુલ 506 શ્લોકો છે. ગ્રંથમાં ‘ઇત્યાહ…. શૌનક:’ જેવા શબ્દપ્રયોગો છે તેથી જણાય છે કે ઋગ્વિધાનના મૂળ શૌનકોક્ત પાઠનું સમયાંતરે પુન: સંપાદન થયું હશે. આમ છતાં ગ્રંથનું વર્ણ્ય વસ્તુ મહદંશે મૂળ રચના અનુસારનું લાગે છે. આ પ્રકારના મંત્રપ્રયોગો અનુવૈદિક કાળમાં વિકસ્યા હોવાનું અનુમાન થાય છે. પ્રયોગોમાં નિર્દિષ્ટ સૂક્ત મંત્રાદિનો નિર્દેશ, ઋક્સંહિતાના અષ્ટક અધ્યાયવર્ગ મંત્રના વિભાગીકરણ અનુસાર કરાયો છે, પણ તેમાં સંહિતાનો નિયતક્રમ જળવાયો નથી. વિષયવર્ણનમાં પણ ચોક્કસ ક્રમ જણાતો નથી. ગ્રંથમાં મંત્રપ્રયોગનું પ્રયોજન, જપસંખ્યા, જપાંગ હોમ, પ્રયોગ માટેનું ઉપયુક્ત સ્થાન, સમય આદિ વિગતો કહેવાઈ છે. ગ્રંથારંભે ગાયત્રીમંત્રનું માહાત્મ્ય કહેવાયું છે અને અન્ય કોઈ પણ મંત્રના અનુષ્ઠાનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે અને ગાયત્રી-અનુષ્ઠાનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ગાયત્રી-અનુષ્ઠાનને પ્રથમ આવશ્યક ગણ્યું છે. ગાયત્રી-અનુષ્ઠાનમાં એક લક્ષ કે ઓછામાં ઓછા ત્રીસ હજાર મંત્રજપ, ત્રિમધુ વડે દશાંશ હોમ, એટલું અવશ્ય કર્તવ્ય કહ્યું છે. પ્રયોગોમાં પ્રયોજાતા સૂક્ત કરતાં વર્ગ, વર્ગ કરતાં મંત્ર, મંત્ર કરતાં મંત્રપાદના અનુષ્ઠાનને ઉત્તરોત્તર શતગુણ ફળ આપનાર કહ્યું છે. વળી વિશેષમાં કહ્યું છે કે મંત્રાર્થના જ્ઞાનપૂર્વક તેમનું અનુષ્ઠાન કરવામાં આવે તો તે અનુષ્ઠાન કરનાર માટે ચિંતામણિ, સ્વર્ગંગા, કામધેનુ કે કલ્પવૃક્ષ સમું ફળદાયી બને છે. અનુષ્ઠાન કર્યા પછી તેનો અંગભૂત હોમ, પિતૃતર્પણ, અભિષેક વગેરે વિધિ કર્યા પછી જ અનુષ્ઠાન પૂર્ણ થયું ગણાય.
ગ્રંથના આરંભના દશ શ્લોકોમાં આટલી પ્રસ્તાવના કર્યા પછી વિવિધ અનુષ્ઠાનોનું નિરૂપણ શરૂ થાય છે. અહીં વિગતો સંહિતાક્રમમાં નથી. જોકે કેટલેક સ્થળે આકસ્મિક રીતે જ અષ્ટક અધ્યાય આદિનો ક્રમ જળવાયો જણાય છે. વિષયવર્ણનના આરંભે જ સંહિતાના બીજા અષ્ટકના છઠ્ઠા અધ્યાયના તેરમા વર્ગ(મંડળ 2-14ના भरतेन्दाय सोमम। આદિ આરંભના છ મંત્રો)ના પ્રયોગનું વિધાન છે. આ વર્ગના અનુષ્ઠાનથી વર્તમાન કે પૂર્વજન્મમાં કરેલ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. આ પછી તરત જ ‘मित्रो जनान यातयति’ એ અષ્ટક 3-4-5 વર્ગ(મંડળ 3-59ના પ્રથમ પાંચ મંત્રો)નો ઉલ્લેખ છે અને ત્યારપછી ‘सूर्यो नो दिवस्पातु’ એ અષ્ટક 8-8-16(મંડળ 10-158 પૂરું)નો ઉલ્લેખ છે. આમ લગભગ સર્વત્ર સંહિતાક્રમ જળવાયો નથી.
ઋગ્વિધાનની પ્રસ્તાવનાના 10 સિવાયના 483 શ્લોકોમાં 375 જેટલાં મંત્રાનુષ્ઠાનો દર્શાવ્યાં છે. અનુષ્ઠાનોનાં જે વિવિધ ફળ બતાવ્યાં છે તેમાં પ્રાયશ્ચિત્ત, અનિષ્ટનિવારણ, ઇષ્ટપ્રાપ્તિ, રોગનિવારણ, વિદ્યાવિભવાદિની પ્રાપ્તિ, વશીકરણ, મહાપાતકદોષનું અપાકરણ, નિત્ય નૈમિત્તિક કર્મોમાં થતા દોષોનું નિવારણ, પશુપક્ષીની હત્યા, માનવહત્યા આદિનાં પાપોનું અપાકરણ, સ્ત્રીસંગ, વિધવાગમન, સુરાપાન, અભક્ષ્યભક્ષણ આદિ દોષોનું નિવારણ, યતિહત્યાના પાપનું નિવારણ, પિતૃઓના દુર્મરણજનિત દોષની નિવૃત્તિ, કુષ્ઠરોગ કુક્ષિશૂલ આદિ રોગોની નિવૃત્તિ, અલભ્ય વસ્તુની પ્રાપ્તિ, નરકપાતનિવૃત્તિ, આદિ ફળની પ્રાપ્તિ, મનસ્તુષ્ટિ, બંધનમુક્તિ, મૃત્યુનિવારણ, સ્વર્ગાદિલોકની પ્રાપ્તિ આદિનો નિર્દેશ છે. બ્રહ્મચારીવ્રતભંગ જેવું કે તાંબૂલભક્ષણ, વેદનિંદા આદિ ક્ષુદ્ર પાપો, સ્ત્રીત્યાગ, રાજસેવામાં થયેલી ક્ષતિ આદિ દોષોની નિવૃત્તિ, ક્ષેત્રાપહારજનિત પાપની નિવૃત્તિ, દુ:સ્વપ્નનિવારણ, કીર્તિલાભ, રાક્ષસ કિન્નર ગંધર્વ આદિની કૃપાપ્રાપ્તિ, બાલગ્રહપીડાનિવૃત્તિ આદિ ફલપ્રાપ્તિનું નિરૂપણ છે.
ઋગ્વિધાનમાં પ્રયોગવૈવિધ્યની જેમ પ્રયોગવૈચિત્ર્ય પણ છે. એક પ્રયોગમાં જળમાં ઊભા રહી અકારાદિ ક્રમથી હકારાન્ત પર્યન્તની ઋચાઓનો પાઠ કરવાનું વિધાન છે. અહીં તે તે વર્ણથી આરંભાતી અમુક નિશ્ચિત ઋચાઓના નિર્દેશ નથી તેથી યર્દચ્છાપ્રાપ્ત ગમે તે ઋચાનો પાઠ કરવાનું પ્રાપ્ત થાય.
અનુષ્ઠાન માટે યોગ્ય સ્થાન અને સમય પણ નિર્દિષ્ટ કરાયાં છે. જળમાં રહી જપ કરવો, શિવલિંગનો સ્પર્શ કરી જપ કરવો, પીપળા નીચે જપ કરવો, વિષ્ણુમૂર્તિ પાસે જપ કરવો આદિ સ્થાનનિર્દેશો છે. તે જ પ્રમાણે ફાલ્ગુન માસમાં જપ કરવો, ભોજન કર્યા પછી તરત જપ કરવો, રૌદ્રકાળમાં જપ કરવો, પુણ્યકાલે જપ કરવો, શયન પહેલાં જપ કરવો, નિદ્રાત્યાગ પછી જપ કરવો આદિ અનુષ્ઠાનકાલના નિર્દેશો પણ છે.
આ પ્રકારની અનુષ્ઠાનપદ્ધતિ ઠીક ઠીક પ્રાચીન જણાય છે. સામવિધાન બ્રાહ્મણમાં સામમંત્રોના આ પ્રકારના પ્રયોગોનું નિરૂપણ છે. કૌશિકસૂત્રમાં અથર્વમંત્રોના અનેક પ્રયોગોનો નિર્દેશ છે.
નટવરલાલ યાજ્ઞિક