ઠાકુર, અનુરાગ સિંહ (જ. 24 ઑક્ટોબર 1974, હમીરપુર, હિમાચલ પ્રદેશ) : રાજકારણી, ક્રિકેટર, લશ્કરી અધિકારી અને સાંસદ.

તેઓ યુવાન વયે સાંસદ બન્યા અને ઉત્તમ કામગીરી કરી. તેમની માતા શિલાદેવી. પિતા પ્રેમકુમાર ધુમલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા. અનુરાગ સિંહનું શાળેય શિક્ષણ જલંધરની દયાનંદ મૉડલ સિનિયર સેકંડરી સ્કૂલમાં થયું અને જલંધરની દોઆબા કૉલેજમાંથી સ્નાતક થયા.

અનુરાગ સિંહ ઠાકુર

તેઓ બાળપણથી જ રમતના શોખીન. 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. પટિયાલામાં ઇંગ્લૅન્ડ સામેની અન્ડર-19 ટીમમાં તેમની પસંદગી થઈ. તેઓ ઉત્તર ઝોન અન્ડર-19 ટીમના કપ્તાન હતા. તેમના કપ્તાનપદ હેઠળ ટીમે ઑલ ઇન્ડિયા ચૅમ્પિયનશિપ જીતી હતી. 25 વર્ષની ઉંમરે હિમાચલ પ્રદેશ ઍસોસિયેશનના સૌથી યુવાન પ્રમુખ બન્યા. તેમણે પ્રમુખ તરીકે ધર્મશાળા ઉપરાંત હિમાચલ પ્રદેશના પાંચ સ્ટેડિયમના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. 2001માં તેઓ ભારતીય જુનિયર ક્રિકેટર ટીમોની પસંદગી કરનાર સૌથી યુવા પસંદગીકાર બન્યા. તેઓ હિમાચલ પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ હતા ત્યારે જમ્મુ અને કાશ્મીરની ટીમ સામે રણજીટ્રૉફી મૅચ રમ્યા હતા. તેઓ 22 મે, 2016ના રોજ બોર્ડ ઑવ્ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા(BCCI)ના 33મા પ્રમુખ બન્યા, પરંતુ પ્રમુખ તરીકેની તેમની નિમણૂકનો વિવાદ થતાં સુપ્રીમ કોર્ટના આદેશથી તેમણે 2 જાન્યુઆરી, 2017ના રોજ પ્રમુખપદ છોડવું પડ્યું હતું.

તેમણે તેર વર્ષની ઉંમરે પિતાની અટક ધૂમલનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો હતો. 27 નવેમ્બર, 2002ના રોજ હિમાચલ પ્રદેશના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી ગુલાબસિંહ ઠાકુરની પુત્રી શેફાલી સાથે લગ્ન કર્યાં.

તેઓ મે, 2008માં પ્રથમ વખત હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા વિસ્તારની પેટાચૂંટણી લડ્યા અને જીત્યા. તેઓ 14મીથી 18મી લોકસભામાં સાંસદ તરીકે સતત ચૂંટાયા છે. તેઓ 2011થી 2016 સુધી ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેઓ ભારત સરકારના મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા. તેમણે 31 મે, 2019થી 7 જુલાઈ, 2021 સુધી નાણાં અને કૉર્પોરેટ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીયમંત્રી તરીકે કાર્ય કર્યું. એ પછી 7 જુલાઈ, 2021થી 10 જૂન, 2024 સુધી રમતગમત અને યુવા બાબતોના મંત્રી તેમજ માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી તરીકે કાર્ય કર્યું.

2001માં તેઓ ટેરિટોરિયલ આર્મીમાં કૅપ્ટન બન્યા. 29 જુલાઈ, 2016માં 124 શીખ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટપદે ટેરિયોરિયલ આર્મીમાં કમિશન્ડ ઑફિસર તરીકે નિયુક્ત થયા. કમિશન્ડ ઑફિસર તરીકે જોડાનારા તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ બન્યા. 19 જાન્યુઆરી, 2019ના રોજ તેમને સંસદરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ સંસદરત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનારા ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ બન્યા.

તેમણે અનેક સંસ્થાઓમાં અને સમિતિઓમાં ઉત્તમ કામગીરી બજાવી છે. તેઓ હિમાચલ પ્રદેશ રાઇફલ ઍસોસિયેશનના પ્રમુખ, હિમાચલ પ્રદેશ ઑલિમ્પિક ઍસોસિયેશનના મંત્રી, સંસદમાં કોલસા, ખાણ અને સ્ટીલ અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ, જાહેર હિસાબ સમિતિના સભ્ય, આઈ.ટી. અંગેની સંસદીય સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષ, 16મી લોકસભાના મુખ્ય દંડક હતા. તેઓ મુખ્ય દંડક પદ પર નિયુક્ત થનારા સૌથી યુવા સાંસદ છે. FICCI ભારત–જર્મન અને ભારત–યુ.એસ. સંસદસભ્યોની ફોરમના અધ્યક્ષ તરીકે તેમણે કાર્ય કર્યું છે. તેઓ તેજસ્વી અને લોકપ્રિય સાંસદ છે.

અનિલ રાવલ