પટેલ, અહમદ (. 21 ઑગસ્ટ, 1949, પિરામણ, અંકલેશ્વર, ગુજરાત; અ. 25 નવેમ્બર, 2020, નવી દિલ્હી) :  આઠ વાર લોકસભાના સાંસદ, પીઢ રાજકારણી. ‘સોનિયા ગાંધીની જમણી અને ડાબી આંખ’ ગણાતા અહમદ પટેલનું પૂરું નામ અહમદભાઈ મુહમ્મદભાઈ પટેલ હતું. ગાંધી પરિવારના વફાદાર ગણાતા અહમદ પટેલ ઉર્ફે ‘એપી’ કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે બે દાયકા સુધી કામ કર્યું હતું. પટેલે ભારતની સંસદમાં આઠ વાર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પડદા પાછળ રાજકીય વ્યૂહરચનામાં કુશળ ગણાતા હતા.

અહમદ પટેલ

કૃષિ મુસ્લિમ પરિવારમાં જન્મ. પિતા મુહમ્મદ ઇશાકજી પટેલ અને માતા હવાબહેન મુહમ્મદભાઈનું ત્રીજું સંતાન. પિતા સામાજિક કાર્યકર્તા હતા અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની યુવા પાંખ યૂથ કૉંગ્રેસના આગેવાન હતા.

પટેલે ભરૂચની શ્રી જયેન્દ્ર પુરી આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાંથી વિજ્ઞાન શાખામાં સ્નાતકની અને પછી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી કૃષિવિજ્ઞાન શાખામાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. વ્યવસાયે કૃષિશાસ્ત્રી પટેલે 1976માં ભરૂચ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી લડીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. કટોકટીમાં ઇન્દિરા ગાંધીને સાથ આપીને ગાંધી પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. આ જ કારણસર કટોકટી દૂર થયા પછી ઇન્દિરા ગાંધીએ જ તેમને 1977માં લોકસભાની છઠ્ઠી ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકે ઉમેદવાર બનવા આગ્રહ કર્યો હતો. કટોકટીમાં કૉંગ્રેસવિરોધી લહેર હોવા છતાં આશ્ચર્યજનક રીતે પટેલનો ભરૂચ બેઠક પરથી વિજય થયો હતો અને પહેલી વાર સાંસદ બન્યા હતા. ત્યાર બાદ 1980 અને 1984માં લોકસભાની સાતમી અને આઠમી ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી જ તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1985માં રાજીવ ગાંધીએ તેમને સંસદીય સચિવની ભૂમિકા સુપરત કરી હતી. સાંસદ તરીકે તેમણે 1987માં સરદાર સરોવર પ્રોજેક્ટ પર નજર રાખવા નર્મદા વ્યવસ્થાપન સત્તામંડળની રચના કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

1990ના દાયકાની મધ્યમાં ગુજરાત કૉંગ્રેસમાં આંતરિક રાજકારણમાં મતભેદો સર્જાવાથી અહમદ પટેલને 1986થી 1988 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 1989ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી પરાજય થયા પછી 1993માં કૉંગ્રેસે રાજ્યસભામાં સાંસદ બનાવ્યા હતા. ત્યારબાદ પાંચ વાર તેમણે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

રાજીવ ગાંધીના મૃત્યુ પછી તેઓ સોનિયા ગાંધીના રાજકીય સચિવ બન્યા હતા. તેઓ ‘કૉંગ્રેસના ક્રાઇસિસ મૅનેજર’ તરીકે પણ પ્રસિદ્ધ હતા. દેશમાં 1991થી 2014 સુધી ગઠબંધન સરકારોના યુગમાં તેઓ દેશમાં લગભગ તમામ પ્રાદેશિક રાજકીય પક્ષોના આગેવાનો સાથે સારો સંબંધ ધરાવતા હતા. આ જ કારણસર યુપીએ-1 અને યુપીએ-2ની મનમોહન સિંઘની સરકારમાં તેઓ કૅબિનેટમાં સ્થાન ધરાવતા ન હોવા છતાં તેમનો દબદબો હતો. વળી ગઠબંધનમાં તમામ પ્રાદેશિક પક્ષો સાથે સુમેળયુક્ત સંબંધો જાળવવાની ભૂમિકા પણ પટેલે સારી રીતે અદા કરી હતી. 2જી સ્પેક્ટ્રમનું કથિત કૌભાંડ હોય કે પછી ભારત-અમેરિકા પરમાણુ સંધિમાં ડાબેરી પક્ષોના ગઠબંધનમાંથી બહાર નીકળવાનો રાજકીય કટોકટીનો પ્રસંગ હોય –  અહમદ પટેલે સરકારને બચાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. જોકે ડાબેરીઓના અવિશ્વાસના પ્રસ્તાવ સામે કેશ ફોર વોટ કૌભાંડમાં તેમનું નામ સંકળાયેલું હતું. પરંતુ સંસદીય પૅનલની તપાસમાં તેમની સામે આરોપો સાબિત થયા નહોતા.

1990ના દાયકામાં કાયમ માટે દિલ્હીમાં કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થયા પછી પણ ગુજરાતમાં કૉંગ્રેસ પર તેમનું વર્ચસ્વ જળવાઈ રહ્યું હતું. આ જ કારણસર ગુજરાતમાં પ્રાદેશિક રાજકીય નેતૃત્વ મૃતપ્રાયઃ હાલતમાં પહોંચી ગયું હોવાનું પણ કેટલાક રાજકીય સમીક્ષકો માને છે.

નવેમ્બર, 2020ના રોજ કોવિડ-19નો ભોગ બન્યા પછી તેમને નવી દિલ્હીમાં મેદાંતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. પછી તેમના મૃતદેહને તેમના મૂળ વતન લાવીને દફન કરવામાં આવ્યો હતો.

કેયૂર કોટક