પટેલ, અમૃતા (. 13 નવેમ્બર 1943, નવી દિલ્હી) : ભારતના ડેરીક્ષેત્રમાં ‘ઑપરેશન ફ્લડ’ નામથી જાણીતા બનેલા ડેરી વિકાસ-કાર્યક્રમને મૂર્તરૂપ આપનાર કર્મયોગિની તથા નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)નાં ચૅરપર્સન (2005). પિતા હીરુભાઈ (એચ. એમ. પટેલ) વરિષ્ઠ આઇ.સી.એસ. અધિકારી હોવા ઉપરાંત આઝાદી પછી કેન્દ્રના નાણાખાતામાં પ્રિન્સિપલ ફાઇનાન્સ સેક્રેટરી અને નિવૃત્તિ બાદ મોરારજી દેસાઈના મંત્રીમંડળમાં શરૂઆતમાં નાણાપ્રધાન તથા ત્યાર બાદ થોડાક સમય માટે ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા હતા. માતાનું નામ સવિતાબહેન. અમૃતા પટેલનું ઉચ્ચશિક્ષણ પ્રથમ મુંબઈની મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન બૉમ્બે વેટરનરી કૉલેજમાં થયું હતું, જ્યાંથી તેમણે બૅચલર ઑવ્ વેટરનરી સાયન્સ ઍન્ડ ઍનિમલ હસ્બન્ડ્રી(B.V.Sc. & A.H.)ની પદવી 1965માં વિશેષ યોગ્યતા સાથે (Honours) પ્રાપ્ત કર્યા બાદ ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશન(FAO)ની ફેલોશિપ હેઠળ ઇંગ્લૅન્ડની ઍબરડીન ખાતેની રૉવેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઑક્ટોબર, 1966થી માર્ચ, 1968 દરમિયાન પશુઆહાર વિષય અંગેની ઉચ્ચ કક્ષાની તાલીમ લીધી હતી. તે પૂર્વે મુંબઈ યુનિવર્સિટીની વેટરનરી સાયન્સની સ્નાતકની પદવી મેળવ્યા બાદ 1965માં ખેડા જિલ્લાના આણંદ ખાતે કાર્યરત ‘અમૂલ’માં તેઓ પશુઆહાર વિભાગમાં જોડાયાં હતાં (1965-71).

1965-2005ના ચાર દાયકા દરમિયાન તેઓ સતત ઊંચા પદ પર, વધારે જવાબદારી સાથે બઢતી મેળવતાં રહ્યાં, દા. ત., 196571 દરમિયાન ‘અમૂલ’માં પશુઆહાર અધિકારીથી માંડીને વર્ષ 2005માં એન.ડી.ડી.બી.ના ચૅરપર્સન પણ બન્યાં હતાં. ઑક્ટોબર, 1971માં તેઓ નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)માં મૅનેજમેન્ટ ઍન્ડ મૅનપાવર ડેવલપમેન્ટ ડિવિઝનમાં પ્રૉજેક્ટ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયાં હતાં (1971-72). નવેમ્બર, 1972થી ડિસેમ્બર, 1974 દરમિયાન દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ડેરી કૉંગ્રેસ(1974)નાં આસિસ્ટન્ટ ડિરેક્ટર (જુલાઈ, 1973 માર્ચ, 1975 તે જ પરિષદનાં સેક્રેટરી જનરલ); માર્ચ, 1975થી ઑગસ્ટ, 1979 સુધી ગુજરાતના આણંદ ખાતે એન.ડી.ડી.બી.નાં વહીવટી અને વાણિજ્યવિભાગનાં ડિરેક્ટર; ઑગસ્ટ, 1976થી ફેબ્રુઆરી, 1980 સુધી તે જ સંસ્થાના દિલ્હી ખાતેના પ્રાદેશિક કાર્યાલયમાં ડિરેક્ટર; માર્ચ, 1980થી ફેબ્રુઆરી, 1983 સુધી તે જ સંસ્થામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા સાથોસાથ ઇન્ડિયન ડેરી કૉર્પોરેશન(IDC)નાં પ્રાદેશિક વડાં; ડિસેમ્બર, 1986માં એન.ડી.ડી.બી.નાં સેક્રેટરી (CO); સપ્ટેમ્બર, 1988માં તેનાં મૅનેજિંગ ડિરેક્ટર (ઑપરેશન્સ); જૂન, 1989થી સપ્ટેમ્બર, 1990 સુધી ડેરી-વિકાસ અંગેના ટૅક્નૉલૉજી મિશનનાં ડિરેક્ટર અને સાથોસાથ ભારત સરકારના કૃષિમંત્રાલયમાં વધારાનાં સચિવ; સપ્ટેમ્બર, 1990માં એન.ડી.ડી.બી.નાં મૅનેજિંગ ડિરેક્ટર અને નવેમ્બર, 1998થી 2014 સુધી એન.ડી.ડી.બી.નાં ચૅરપર્સન રહ્યાં હતાં.

ઉપર ઉલ્લેખિત સમગ્ર ગાળામાં (1965-2005) તેમણે અન્ય ઘણી આનુષંગિક જવાબદારીઓ પણ વહન કરી છે; જેમાં દિલ્હી ખાતેની મધર ડેરીના સંચાલક મંડળનાં ચૅરપર્સન; ઇન્ડિયન નૅશનલ કમિટી ઑવ્ ધ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનનાં પ્રેસિડેન્ટ; આણંદ ખાતેની ‘ઇરમા’(IRMA)ના સંચાલક મંડળનાં સભ્ય; મુંબઈના સર સોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનાં સભ્ય; હિમાચલ પ્રદેશ સરકારના આયોજન મંડળનાં સભ્ય; છત્તીસગઢ રાજ્ય ઇકૉનૉમિક એડ્વાઇઝરી કાઉન્સિલનાં સભ્ય; ગુજરાતના વલ્લભ વિદ્યાનગર ખાતેનાં એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગના સંચાલક મંડળનાં સભ્ય; ત્રિભુવનદાસ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી વગેરેનો સમાવેશ થાય છે. આવી જવાબદારીઓવાળાં પદોની કુલ સંખ્યા તેત્રીસ જેટલી થાય છે.

અમૃતા પટેલ

અમૃતા પટેલને ડેરીક્ષેત્રના વ્યવસ્થાપન અને સંચાલનની તેમની ઉજ્જ્વળ કારકિર્દી માટે અત્યાર સુધી અનેક ઍવૉર્ડો અને માનમરતબાથી નવાજવામાં આવ્યાં છે; જેમાં મુખ્ય છે : ઇન્ડિયન ડેરી ઍસોસિયેશનની ફેલોશિપ; ‘કૃષિમિત્ર ઍવૉર્ડ’, જે વર્લ્ડ ઍગ્રિકલ્ચરલ ફૅર મેમૉરિયલ ફાર્મર્સ વેલ્ફેર ટ્રસ્ટ સોસાયટી દ્વારા એનાયત થાય છે; કોરામાન્ડેલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા ‘ડૉ. નૉર્મન બોરલૉગ ઍવૉર્ડ’; ‘ફ્યુએલ ઇન્જેક્શન એન્જિનિયરિંગ કંપની (FIE) ફાઉન્ડેશન નૅશનલ ઍવૉર્ડ 1993’; ‘સહકારિતા બંધુ ઍવૉર્ડ’ જે ઇફકો (IFFCO) દ્વારા વર્ષ 1995-96 માટે એનાયત થયો હતો; વર્લ્ડ ડેરી એક્સ્પો ઇનકૉર્પોરેટેડ, મેડિસન, વિસ્કૉન્સિન, અમેરિકા દ્વારા વર્ષ 1997 માટે ‘ઇન્ટરનેશનલ પર્સન ઑવ્ ધી ઇયર ઍવૉર્ડ’; એક્સએલઆરઆઇ (XLRI), જમશેદપુર દ્વારા ‘એક્સએલઆર ફેલો ઇન મૅનેજમેન્ટ ઍવૉર્ડ’; ‘જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી ઍવૉર્ડ 1999-2000’, જે ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશન દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો; 1995-96 વર્ષ માટેનો ‘ડૉ. કુરિયન ઍવૉર્ડ’, જે ઇન્ડિયન ડેરી ઍસોસિયેશન દ્વારા એનાયત થયો હતો; ‘વીમેન્સ એચીવર્સ ઍવૉર્ડ’, જે ઑલ ઇન્ડિયા વીમેન્સ કૉન્ફરન્સની દિલ્હી વીમેન્સ લીગ દ્વારા એનાયત થયો હતો અને ભારત સરકાર દ્વારા વર્ષ 2001માં ‘પદ્મભૂષણ’નો ખિતાબ. મહેન્દ્ર સમૃદ્ધિ કૃષિ શિરોમણી સન્માન (લાઇફટાઈમ એચિવમેન્ટ ઍવૉર્ડ 2016). આ ઉપરાંત દેશની ચાર યુનિવર્સિટીઓ ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅક્નૉલૉજી, કાનપુર; ગુજરાત ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, બનાસકાંઠા; તમિળનાડુ વેટરનરી ઍન્ડ ઍનિમલ સાયન્સ, ચેન્નાઈ તથા નૅશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Deemed University) એ તેમને ડૉક્ટરેટની માનદ પદવીથી સન્માન્યાં છે.

અમૃતા પટેલની ડેરી-વ્યવસ્થાપન અને સંચાલનક્ષેત્રની કુનેહ અને સૂઝને કારણે ભારતે દૂધ-ઉત્પાદનના ક્ષેત્રમાં સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે; એટલું જ નહિ, પરંતુ વિશ્વમાં દૂધનું સર્વાધિક ઉત્પાદન કરનાર દેશ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમના કાર્યની બીજી લાક્ષણિકતા એ છે કે તેમના થકી દેશમાં ડેરી-ક્ષેત્રે સહકારી ધોરણે દૂધ-ઉત્પાદન-માળખાનો પાયો સજ્જડ રીતે નાંખવામાં આવ્યો છે. આ માળખા દ્વારા 80,000 ગામડાંઓમાં સહકારી સોસાયટીઓની રચના થઈ છે અને તેના સભ્યોની સંખ્યા લગભગ એક કરોડ જેટલી છે. તેમાં 22 રાજ્યોને આવરી લેતા 173 જિલ્લાસંઘો સંલગ્ન છે. આમ ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ને સફળ બનાવવામાં અમૃતા પટેલનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે