પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન)

January, 1998

પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન) (. 7 નવેમ્બર 1907, તરસાળી; . 2 જાન્યુઆરી 1988, વડોદરા) : ગુજરાતના એક આત્મધર્મી સંત. ‘દાદા ભગવાન’ તરીકે જાણીતા થયેલા આ સંતનું વતન ભાદરણ. માતાનું નામ ઝવેરબહેન. નાનપણથી જ અત્યંત વિચક્ષણ અને પરોપકારી હોવાથી સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતા. શાળામાં નાનામાં નાની રકમ અને સર્વમાં અવિભાજ્ય રૂપે રહેલી રકમ શોધવાના લઘુતમ સાધારણ અવયવના દાખલાના જવાબમાં તેમણે ભગવાનનું અસ્તિત્વ શોધી કાઢ્યું. નોકરી ન કરવી પડે તે માટે તેઓ જાણી જોઈને મૅટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા. જીવમાત્રની સ્વતંત્રતા જાળવીને તેઓ પોતે પણ સ્વતંત્ર રહેવા માગતા હતા. સોળમે વર્ષે હીરાબા સાથે લગ્ન થયાં. ધંધો કૉન્ટ્રેક્ટરનો. આઘુંપાછું કર્યા વિના ઘણું કમાયા; તેમ છતાં સ્થાવર-જંગમમાં તેમણે પોતાની પાસે રાતી પાઈ પણ ન રાખી.

તેમણે સ્વામિનારાયણ, વૈષ્ણવ અને જૈન-ધર્મનું તથા કબીર, અખો ભગત, અને શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તકોનું ઊંડું અધ્યયન કરેલું; પરંતુ તેથી તેમને તૃપ્તિ ન થઈ. શ્રીમદ્ના ગ્રંથો વાંચ્યા પછી બાવીસમે વર્ષે તેમની આત્માની ખોજ શરૂ થઈ, જે પૂરી થઈ છેક 1958માં. તે વર્ષે જુલાઈ માસમાં સૂરતના સ્ટેશને આખા બ્રહ્માંડનું દર્શન જ્ઞાનમાં ઝળક્યું. માનવજીવનને સ્પર્શતા અસંખ્ય પણ અગત્યના મૂળભૂત પ્રશ્નોના ફોડ ખુલ્લા થયા. ત્યારબાદ ગામેગામ, દેશવિદેશ પરિભ્રમણ કરીને તેમણે મુમુક્ષુઓને સત્સંગ અને સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યાં. લાખથી પણ વધુ પુણ્યાત્માઓએ આ અલૌકિક જ્ઞાનનો લાભ લીધો છે.

અંબાલાલ મૂળજીભાઈ પટેલ

અમદાવાદમાં ચાલતા તેમના સત્સંગ કેન્દ્રે અત્યાર સુધી તેમની વિચારસરણી પર પ્રકાશ પાડતું 9200થી પણ અધિક પાનાં ભરાય એટલું વિપુલ સાહિત્ય ચાળીસેક પુસ્તકો દ્વારા પ્રસિદ્ધ કર્યું છે. ‘દાદા વાણી’ તથા ‘અક્રમ વિજ્ઞાન’ નામનાં બે સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે. આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરી, દાદાના આત્મધર્મના જ્ઞાનનો પ્રસાર કરનારા એમના શિષ્યોનો – આપ્તપુત્રોનો મુકામ સિગોદ ગામે ‘સંયમધામ’માં છે. દાદા ભગવાને કામરેજ ગામે એક ત્રિમૂર્તિ મંદિર પણ બંધાવ્યું છે. અડાલજ પાસે પણ આવું એક ત્રિદેવ મંદિર આવેલું છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી