દુર્ગાચરણ, રણબીર

August, 2025

દુર્ગાચરણ, રણબીર (જ. 1 માર્ચ 1951, કાનગુરુ, ઓડિશા) : ઓડિસી નૃત્યના ખ્યાતિપ્રાપ્ત પ્રતિભાશાળી નૃત્યકાર અને લોકપ્રિય ગુરુ.

વર્ષો સુધી સતત અભ્યાસ અને ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલ શિક્ષણને ઊંડાણપૂર્વક આત્મસાત્ કરીને ઓડિસી નૃત્યશૈલીના સંવર્ધન અને પ્રસાર માટે તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ માટે તેમને 2025માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.  બાળપણથી જ તેમને સંગીત અને નૃત્યમાં રુચિ હતી. તેમણે પોતાનું નૃત્યશિક્ષણ ત્રણ વિખ્યાત ગુરુજનો – દેવપ્રસાદ દાસજી, પંકજચરણ દાસજી અને કેલુચરણ મહાપાત્રજી જેવા દિગ્ગજો પાસેથી મેળવ્યું હતું. ગુરુ દેવપ્રસાદ દાસજી પાસેથી નાટ્યમય અભિવ્યક્તિ અને રંગમંચ પર દૃશ્યાત્મક રજૂઆત તેમણે શીખી. તેમના નૃત્ય-જીવનની શરૂઆત ‘નૃત્યાયન’થી થઈ. તે સમયે સદીઓથી ચાલ્યા આવતા સામાજિક દમનના કારણે આ નૃત્યશૈલી લુપ્ત થવાના આરે હતી. ગુરુ દેવપ્રસાદ દાસજીની શૈલીને અનુસરીને દુર્ગાચરણ રણબીરે પોતાની કળાને વધુ નિખાર આપ્યો. પરંપરા અને નવીનતાને સાથે જોડીને વિશ્વભરના પ્રેક્ષકોને મોહિત કર્યા. ગુરુ પંકજચરણ દાસજી પાસેથી તેમણે ભક્તિભાવથી ભરપૂર મંડપશૈલી અને નૃત્યનાં મૂળભૂત તત્ત્વો શીખ્યા. જ્યારે પદ્મવિભૂષણ કેલુચરણ મહાપાત્ર પાસેથી લય, ભંગ શીખી તકનીકી પરિપૂર્ણતા પ્રાપ્ત કરી. ગુરુ-શિષ્ય પરંપરાનું ગૌરવ જાળવતાં તેમણે ઓડિસી નૃત્યમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી. તેમણે નૃત્યમાં રામાયણ, મહાભારત, તથા જગન્નાથ સંસ્કૃતિના વિવિધ પ્રસંગોને જીવિત કર્યા છે. ઘણી વાર ભારતીય પુરાણો અને ઉપનિષદોને આધારે નૃત્યનાટિકાઓ જેવી કે ‘શિવ- સ્તુતિ’, ‘ગીતગોવિંદ’, ‘કૃષ્ણલીલા’, ‘સીતાહરણ’, ‘નંદીનૃત્ય’, ‘શબ્દસૃષ્ટિ’, ‘શ્રી ગૌરી’ જેવી પ્રસ્તુતિઓ દ્વારા તેમણે ઓડિસી નૃત્યમાં નવા આયામો સર કર્યા છે. તેમણે નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને વૈશ્વિક મંચ પર રજૂ કર્યા છે. અમેરિકા, યુરોપ, ઇંગ્લૅન્ડ, જાપાન, ફ્રાન્સ, ચીન, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં નૃત્ય પ્રસ્તુતિઓ આપી છે. દુર્ગાચરણ રણબીરજી માત્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત નૃત્યકાર જ નહીં પણ પ્રતિષ્ઠિત ગુરુ પણ છે. ‘દિગંતર’ નામની ઓડિસી નૃત્ય સંસ્થાના તેઓ સ્થાપક છે. તેમની 40 વર્ષોથી પણ  વધુ નૃત્યની તાલીમ દ્વારા ઘણા પ્રતિભાશાળી નૃત્યકારો તૈયાર કર્યા છે. જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. તેમના જીવનનું મુખ્ય ધ્યેય ઓડિસી નૃત્યશૈલીને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું રહ્યું છે.

દુર્ગાચરણ રણબીર

રણબીરજીને તેમની પ્રતિભા તથા સંસ્કૃતિને સમર્પિત ભાવના માટે વિવેચકોની પ્રશંસા મળી છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક પુરસ્કારોથી પણ તેઓ સન્માનિત થયા છે. 2025ના પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત તેમને ઓડિશા રાજ્ય સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, કેન્દ્રીય સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, કલારત્ન ઍવૉર્ડ, દૂરદર્શન અને ICCR દ્વારા શ્રેષ્ઠ કૉરિયૉગ્રાફર અને ઉત્તમ ગુરુ તરીકેનું સન્માન મળ્યું છે. તેઓ આજે પણ અનોખી ઊર્જા અને ઉત્સાહથી કાર્યરત છે. ઓડિસી નૃત્યની પરંપરાને જીવંત રાખવી અને વિશ્વસ્તરે ઉમદા છાપ ઊભી કરવી એ તેમનો ઉદ્દેશ છે. ‘નૃત્ય એ માત્ર કલા નથી પણ આત્માની અનુભૂતિ છે.’ તેમ માનનારા દુર્ગાચરણ રણબીરજીનું નામ ઓડિસી નૃત્યજગતમાં હંમેશાં ઊજળું રહેશે.

હિના શુક્લ