નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ

August, 2025

નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ (જ. 3 ઑગસ્ટ 1958, દિલ્હી) : જૈન ધર્મના પ્રસાર ઉપરાંત તેમણે કરેલા શિક્ષણ અને સેવાક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ 2025માં પદ્મશ્રીથી સન્માનિત એક જૈન સાધુ.

તેમનો જન્મ પંજાબી જૈન પરિવારમાં થયો હતો. નવ વર્ષની નાની વયે તેમણે જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હતી. બાળપણથી જ તેમને અધ્યાત્મ, જ્ઞાન અને સંયમમાં રસ હતો. જીવનના આરંભ કાળથી જ તેમણે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ અને અનેક પૌરાણિક ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. તેમણે સંસ્કૃત, પ્રાકૃત જેવી ભાષાઓનો પણ અભ્યાસ કરેલો. 35 વર્ષની વયે તેમને ‘આચાર્ય’ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આલેખન, પ્રવચન, કલાપ્રદર્શન જેવાં જુદાં જુદાં માધ્યમો દ્વારા તેમણે જૈન ધર્મનો વ્યાપક પ્રસાર કર્યો. તેમણે શ્વેતાંબર તપાગચ્છ સંપ્રદાયના ‘ગચ્છાધિપતિ’નું બિરુદ પણ પ્રાપ્ત કરેલ છે.

નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ

આ જૈન આચાર્ય મહારાજશ્રીએ ભારતભરમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરેલ છે તથા ઘણી સંસ્થાઓના પુનઃનિર્માણમાં મહત્ત્વનો ફાળ આપ્યો છે. જેમાં ગુજરાતનું 110 વર્ષ જૂનું મહાવીર જૈન વિદ્યાલય, શારદા વિશ્વવિદ્યાલય, પૂનામાં આચાર્ય વિજયવલ્લભ સ્કૂલ, આબોહરમાં આત્મવલ્લભ પબ્લિક સ્કૂલ, રાજસ્થાનના ગંગાનગરમાં સ્થિત શ્રી આત્મવલ્લભ જૈન કન્યા મહાવિદ્યાલયનો સમાવેશ થાય છે. તેમના માર્ગદર્શન હેઠળ 700થી પણ વધુ વિદ્યાર્થીઓએ કમ્પ્યૂટરક્ષેત્રે શિક્ષણ લીધું છે. તેમણે સાહિત્યજગતમાં પણ નોંધપાત્ર ફાળો આપતાં 30થી પણ વધુ પુસ્તકો લખ્યાં છે. ધર્મ, વિદ્યા અને શિક્ષણની સાથે તેઓ આરોગ્ય અને માનવતાવાદી કાર્યોમાં પણ મોખરે રહ્યા છે. તેમના પ્રયત્નો દ્વારા બિહારમાં સ્થિત મહાવીર સુપર સ્પેશિયાલિટી અસ્પતાલમાં આંખોની મફત સર્જરી અને બીજી આરોગ્ય સેવાઓ અપાય છે, જેમાં અત્યાર સુધીમાં 40,000થી વધુ દર્દીઓને લાભ મળ્યો છે. વંચિત સમુદાયોને મફત તબીબી સેવાઓ મળી રહે તે માટે તેઓ સતત કાર્યરત રહ્યા છે.

400થી પણ વધુ જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર અને વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે.  આ આચાર્યશ્રીને જૈન, શીખ, મુસ્લિમ વગેરે જુદા જુદા સંઘ અને સમાજ દ્વારા ‘કલ્યાણ તીર્થોદ્ધારક’, ‘જ્ઞાનગંગા ભગીરથ’, ‘વિકાસ વિશારદ’, ‘અમન-એ-મસીહા’, ‘સમન્વય સારથિ’ જેવાં સન્માનોથી નવાજવામાં આવ્યા છે.

આચાર્યશ્રીને તેમના શાંત, ગંભીર સ્વભાવની સાથે સંગઠનાત્મક કૌશલ્ય માટે ‘શાંતિદૂત’ તરીકે ઓળખવામાં આવે છે. અહિંસા, શાંતિ, સહિષ્ણુતાના માર્ગે કઠોર તપસ્યા અને શિસ્તપૂર્ણ જીવન જીવતા આ સંતનું જીવન એક દીવો છે, જે અધ્યાત્મ અને માનવકલ્યાણના માર્ગે જીવન જીવવાની પ્રેરણા આપે છે.

હિના શુક્લ