ગેઝેટિયર : પ્રદેશની સર્વાંગી માહિતી આપતો સરકારી સર્વસંગ્રહ. ગુજરાતના કવિ નર્મદાશંકરે ‘ગુજરાત સર્વસંગ્રહ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેવો જ ‘ચરોતર સર્વસંગ્રહ’ પ્રયોગ પણ છે. ગ્રીક ભાષામાં ‘ગાઝા’નો અર્થ ‘સમાચારનો ભંડાર’ થાય છે. 1566માં વેનિસની સરકાર દ્વારા પ્રસિદ્ધ થતું અને એક ગેઝેટા સિક્કાની કિંમતમાં વેચાતું વર્તમાનપત્ર ‘ગેઝેટા’ તરીકે જાણીતું હતું. આ શબ્દો ઉપરથી ‘ગેઝેટ’ અને ‘ગેઝેટિયર’ શબ્દો બન્યા છે. સત્તરમી અને અઢારમી સદી દરમિયાન ‘ભૌગોલિક માર્ગદર્શિકા’ જેવા પુસ્તક માટે પણ આ શબ્દ વપરાતો હતો. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદી દરમિયાન તેનું ક્ષેત્ર વ્યાપક બન્યું હતું.
આમ ગેઝેટિયર એ લોકો અને તેમના જીવનનો, વહીવટી તંત્રનો, અગત્યનાં સ્થળોનો પ્રાકૃતિક, ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાજકીય અને સર્વદેશીય પરિચય આપતો, સહેલાઈથી વાંચી અને સમજી શકાય તેવો અધિકૃત માહિતી આપતો ગ્રંથ છે.
ગેઝેટિયરમાં અનેક પુસ્તકોના સારરૂપ બધી માહિતી મળી શકે છે. અંગ્રેજી શાસન દરમિયાન, ભારતમાં તૈયાર થયેલા ગેઝેટિયર ગ્રંથો વહીવટી ર્દષ્ટિએ લખાયેલા હતા. પરદેશી રાજકર્તાઓ નવા જિતાયેલા પ્રદેશના લોકોની રહેણીકરણી, ધર્મ, ભાષા, આર્થિક સ્થિતિ, ખેતી, વેપાર, ઉદ્યોગ વગેરેની વિગતોથી અજાણ હતા. એટલે એ પ્રદેશોના તલસ્પર્શી અભ્યાસ દ્વારા મળેલ જ્ઞાન દ્વારા અધિકારીઓ તેમની ફરજો સારી રીતે બજાવી શકે તે એક હેતુ હતો.
ગેઝેટિયરમાં ભૂરચના, આબોહવા, ખનિજ, ઇતિહાસ, લોકો, ખેતીવાડી, પશુપાલન, સિંચાઈ, જંગલો, દુષ્કાળ, પૂર, કલાકારીગરી, ઉદ્યોગો, વેપાર, વાહનવ્યવહાર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર. સમાજરચના, જ્ઞાતિઓ, આદિવાસીઓ, ધર્મો, સંપ્રદાયો, ભાષા, જાહેર આરોગ્ય, સામાજિક સેવાઓ, જોવાલાયક સ્થળો વગેરેનો સમાવેશ થાય છે. સંસ્કૃતિના ક્ષેત્રમાં સંગીત, રંગભૂમિ, શિલ્પ અને સ્થાપત્ય, ભાષાસાહિત્ય વગેરેની હકીકત પણ અપાય છે. સામાજિક સેવાના ભાગ રૂપે શિક્ષણ, તબીબી સેવા, સમાજકલ્યાણ, પછાત વર્ગોની ઉન્નતિ વગેરેનો સમાવેશ થાય છે.
વિવિધ પુરાણો ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પરદેશી પ્રવાસીઓની પ્રવાસકથાઓ, અબુલફઝલ લિખિત ‘આઈને-અકબરી’, ‘મિરાતે અહમદી’, ‘ખાતિમા પ્રકરણ’ આ પ્રકારના ગ્રંથો કહી શકાય. જદુનાથ સરકાર અબુલ ફઝલને ‘ગેઝેટિયર સાહિત્યના જનક’ તરીકે ગણાવે છે. શાહજહાં અને ઔરંગઝેબના વહીવટ દરમિયાન રાજ્યની આવકજાવકની વિગતો ‘દસ્તૂર અલ અમલ’ ગ્રંથોમાંથી મળે છે. ઇંગ્લૅન્ડમાં આ પ્રકારનો ગ્રંથ 1006માં તૈયાર થયેલ ‘ડૂમ્સ ડે બુક’ છે.
શરૂઆતનાં ગેઝેટિયરો : વૉલ્ટર હૅમિલ્ટને 1815માં ‘ઈસ્ટ ઇન્ડિયા’નું પહેલું ગેઝેટિયર કક્કાવારી પ્રમાણે તૈયાર કર્યું હતું. 1820માં ‘હિન્દુસ્તાન અને નજીકના દેશો’ના બે ભાગ તેમણે પ્રસિદ્ધ કર્યા હતા. તેમણે સામાન્ય વર્ણન કરી શહેરો અને ગામોની વિગત આપી અનુક્રમણિકાનો ઉમેરો કર્યો હતો. 1844માં વાયવ્ય સરહદ પ્રાંતના ગવર્નર ટૉમસને દરેક જિલ્લાના ગ્રંથના વર્ણનાત્મક, આંકડાકીય અને ભૌગોલિક વિભાગો રાખી ગ્રંથો તૈયાર કરાવ્યા હતા. 1844માં એડવર્ડ થોરન્ટને બે ભાગમાં અને 1854માં ચાર ભાગમાં ભારતનાં ગેઝેટિયરો પ્રસિદ્ધ કર્યાં હતાં. સામાન્ય લોકોના ઉપયોગ માટે તેમણે 1857માં ભારતનો એક લઘુગ્રંથ બહાર પાડ્યો હતો. 1862માં રિચાર્ડ ટેમ્પલે મધ્ય પ્રાંતનું સુંદર ગેઝેટિયર બહાર પાડ્યું હતું.
1867માં સેક્રેટરી ઑવ્ સ્ટેટે દરેક પ્રાંતનું આંકડાકીય સર્વેક્ષણનું કામ હાથ ઉપર લેવા જણાવ્યું. આ કામ અંગેની સમિતિના વડા તરીકે વિલિયમ હંટરને ‘ડિરેક્ટર ઑવ્ સ્ટૅટિસ્ટિક્સ’ તરીકે નીમ્યા હતા. 1870માં હંટરે ‘ઇમ્પીરિયલ ગેઝેટિયર’ની યોજના ઘડી અને 1879માં બંગાળની આંકડાકીય માહિતીના 20 ગ્રંથો અને આસામના બે ગ્રંથો બહાર પાડ્યા.
પ્રાંતિક ગેઝેટિયરો : વિલિયમ હંટરની દેખરેખ નીચે પ્રાંતિક આંકડાકીય સર્વેક્ષણનું કામ શરૂ થયું. 1872 સુધીમાં 25,000 પૃષ્ઠોને આવરી લેતા 75થી વધુ આંકડાકીય સર્વેક્ષણ ગ્રંથો તૈયાર થયા હતા. 1877 સુધીમાં ભારતના 223 બ્રિટિશ જિલ્લા પૈકી 162 જિલ્લાની આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ હતી. બીજા 25 જિલ્લાનું કામ તુરત પૂરું થયું હતું. 31–5–1878 સુધીમાં બધા બ્રિટિશ પ્રાંતો અને સાત નાના વિસ્તારોની આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ હતી. 1879માં મદ્રાસ ‘જિલ્લા મૅન્યુઅલ’નું તથા ત્યારબાદ મુંબઈનું કામ પૂર્ણ થયું હતું.
ઇમ્પીરિયલ ગેઝેટિયર ઑવ્ ઇન્ડિયા : 1872માં સેક્રેટરી ઑવ્ સ્ટેટે ભારતના દરેક રાજકીય કે વહીવટી વિભાગના આંકડાકીય સર્વેક્ષણના નિચોડ સ્વરૂપે ‘ઇમ્પીરિયલ ગેઝેટિયર’ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. નવ ગ્રંથો 1881માં પ્રસિદ્ધ થયા.
‘ઇમ્પીરિયલ ગેઝેટિયર’ના સારરૂપે હંટરે ‘ઇન્ડિયન એમ્પાયર’ નામથી 1882માં એક ગ્રંથ બહાર પાડ્યો 1886માં તેની બીજી આવૃત્તિ થઈ તેમાં 9ને બદલે 14 ગ્રંથો તૈયાર કરાવ્યા. 1891ની વસ્તીગણતરી લક્ષમાં લઈને ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી.
લૉર્ડ કર્ઝને ભારતના ભવ્ય ભૂતકાળને ગેઝેટિયરમાં સ્થાન આપ્યું. 1877થી 1886 દરમિયાન જેમ્સ કૅમ્પબેલે મુંબઈના 18 જિલ્લાના અને દેશી રાજ્યોના મળીને 27 ગ્રંથો તૈયાર કર્યા હતા અને 1911 અને 1921માં પુરવણી ગ્રંથો પ્રસિદ્ધ કર્યા હતા. કર્ઝનના સમયમાં 19 પ્રાંતિક ગેઝેટિયરો અને વડોદરા ગેઝેટિયર જેવાં દેશી રાજ્યોનાં ગેઝેટિયરો તૈયાર થયાં હતાં.
ગુજરાતનાં ગેઝેટિયરો (જૂનાં) : ગુજરાતની વસ્તીના (1) હિંદુ અને (2) પારસી-મુસલમાન કોમોને લગતા બે ગ્રંથો તૈયાર થયા હતા. ગુજરાતનો ઇતિહાસ ‘બૉમ્બે ગેઝેટિયર – વૉ. 1’માં ભગવાનલાલ ઇન્દ્રજીનાં લખાણોને આધારે તૈયાર થયો હતો. ‘સૂરત અને ભરૂચ’નો અને ‘ખેડા અને પંચમહાલ’નો એમ બે સંયુક્ત ગ્રંથો તૈયાર કરાયા હતા. વડોદરા અને અમદાવાદના તથા કાઠિયાવાડના સ્વતંત્ર ગ્રંથો છે. ‘કચ્છ, પાલનપુર અને મહીકાંઠા’નો સંયુક્ત ગ્રંથ તૈયાર કરાયો હતો. ‘રેવાકાંઠા, ખંભાત અને સૂરત એજન્સી’નો પણ સંયુક્ત ગ્રંથ કરાયો હતો. આ જિલ્લાની 1921 સુધીની નવી વિગતોવાળી પુરવણીઓ પ્રસિદ્ધ થઈ હતી.
નવું ગેઝેટિયર : આઝાદી બાદ સધાયેલી પ્રગતિ અને પ્રજાની આકાંક્ષાઓનું પ્રતિબિંબ પાડતાં નવાં ગૅઝેટિયર અંગ્રેજીમાં તૈયાર કરવાની પહેલ 1949માં મુંબઈ સરકારે કરી. પુણેનું ગેઝેટિયર 1954માં બહાર પાડ્યું હતું.
ભારતનાં સામાન્ય ગેઝેટિયરો : 1955માં ભારત સરકારે ગેઝેટિયરમાં રસ લઈ વિદ્વાનોની એક સમિતિ રચી. (1) દેશ અને લોકો, (2) ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ, (3) આર્થિક માળખું અને તેની પ્રવૃત્તિઓ અને (4) વહીવટ અને જનકલ્યાણવિષયક ચાર ગ્રંથો તૈયાર કરાવવા નિર્ણય લીધો અને 1965 અને 1973માં પ્રથમ બે ગ્રંથો પ્રસિદ્ધ થયા હતા.
નવાં ગેઝેટિયરો : ગુજરાતનાં ગેઝેટિયરો પૈકી સૂરત, ભરૂચ અને રાજકોટનાં ગેઝેટિયરોનું પ્રકાશન 1961–65 દરમિયાન થયું હતું. 1961થી 1984 સુધીમાં ગુજરાત રાજ્યના 18 જિલ્લાનાં ગેઝેટિયરો છપાયાં હતાં. સ્ટેટ ગેઝેટિયરોનું મોટા ભાગનું કામ 1978 સુધીમાં ડૉ. એસ. બી. રાજગોરના મુખ્ય સંપાદક કાળ દરમિયાન પૂર્ણ થયું હતું. તેમાં થોડા સુધારાવધારા કરીને સ્ટેટ ગેઝેટિયરના બે ગ્રંથો 1989 અને 1991માં પ્રસિદ્ધ થયા હતા. ભરૂચ (1979), સૂરત-વલસાડ (1981) અને રાજકોટ જિલ્લાનાં ગેઝેટિયરોની પુરવણીઓ અંગ્રેજીમાં આંકડાકીય માહિતી સાથે તૈયાર કરાઈ હતી.
ગેઝેટિયરો અંગ્રેજીમાં લખાયેલાં હોવાથી સામાન્ય જન તેમનો ઉપયોગ કરી શકતો નથી. તેથી ગુજરાતીમાં ગેઝેટિયરો તૈયાર કરવાનો નિર્ણય લેવાતાં જુદા જુદા જિલ્લાઓના ગેઝેટિયરો પ્રકાશિત થઈ રહ્યાં છે.
પ્રત્યેક ગેઝેટિયર ગ્રંથમાં નીચે મુજબ પ્રકરણો હોય છે :
ભૌગોલિક રચના અને નૈસર્ગિક સંપત્તિ, ઇતિહાસ, લોકો, ખેતી અને પશુપાલન, ઉદ્યોગો, બૅંકસેવા, સહકારી પ્રવૃત્તિ, વ્યાપાર અને વાણિજ્ય, ચલણી નાણું, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર, પ્રકીર્ણ ધંધાઓ, આર્થિક પ્રવાહો, આયોજન ઇત્યાદિ, સામાન્ય વહીવટ, સરકારી અને પંચાયતી વહીવટી તંત્ર, ન્યાયતંત્ર, મધ્યસ્થ સરકારની કચેરીઓ, મહેસૂલી કાયદો અને વ્યવસ્થા, ઇતર સરકારી ખાતાં, સ્થાનિક સ્વરાજ્ય, શિક્ષણ અને સંસ્કૃતિ, તબીબી અને જાહેર આરોગ્ય સેવા, અન્ય સામાજિક સેવાઓ, જાહેરજીવન અને સ્વૈચ્છિક સામાજિક સેવાઓ અને જોવાલાયક સ્થળો. પ્રકરણને અંતે સંદર્ભસૂચિ અને પુસ્તકને છેડે અનુક્રમણિકા અપાય છે.
શિવપ્રસાદ રાજગોર