ઊરુભંગ : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસનાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતકથા ઉપર રચાયેલું છે. આ કથા મહાભારતમાં શલ્યપર્વના ગદાયુદ્ધપર્વમાં મળી આવે છે.
મહાભારતના યુદ્ધમાં સર્વસ્વનો નાશ થયા પછી દુર્યોધન પોતાની જલસ્તંભવિદ્યાના બલે એક જળાશયમાં ભરાઈને સંતાઈ જાય છે. પાંડવોએ અહીંથી તેને શોધી કાઢ્યો. પછી દુર્યોધન તથા ભીમનું દ્વન્દ્વયુદ્ધ થયું. તેમાં ભીમે દુર્યોધનના સાથળ ઉપર ગદાનો પ્રહાર કરી તેના સાથળ-ઊરુ ભાંગી નાખ્યા. આ પ્રસંગ ઉપરથી ઊરુભંગના રચયિતાએ સુંદર નાટ્યકૃતિની રચના કરી છે.
આ એકાંકી બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રારંભમાં લાંબું વિષ્કમ્ભક આવે છે અને ત્યારબાદ મુખ્ય ર્દશ્ય આવે છે.
વિષ્કમ્ભકમાં પ્રથમ ત્રણ સૈનિકો વારાફરતી વર્ણન કરે છે. તેઓ હણાયેલા વીરસૈનિકો હાથીઓ અને ઘોડાઓવાળી, તૂટેલાં અસ્ત્રશસ્ત્રો તથા ચોમેર પથરાયેલાં ધડ અને મસ્તકોવાળી, શિયાળવાંથી તેમજ ગીધ તથા અન્ય માંસખાઉ પક્ષીઓથી ભરપૂર યુદ્ધભૂમિનું વર્ણન કરે છે. સર્વત્ર મૃત્યુની આણ પ્રવર્તી રહી છે, અને બળવાનમાં બળવાન મનુષ્ય પણ કાળની પાસે પામર બની રહ્યો છે તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. વિષ્કમ્ભકના બીજા ભાગમાં વ્યાસ, બળરામ, કૃષ્ણ, વિદૂર આદિની હાજરીમાં થયેલા ભીમ-દુર્યોધનના ગદાયુદ્ધનું વર્ણન આવે છે. ભીમ બહુ જ બળવાન હતો, તો દુર્યોધન ખૂબ તાલીમ પામેલો હતો. આમ બંને એકબીજાની સાથે ટક્કર ઝીલી શકે તેવા હતા, છતાં એક વાર ભીમ સહેજ પાછો પડતો જણાયો, ત્યારે કૃષ્ણે કરેલા ઇશારાથી ભીમે દુર્યોધનના સાથળ ઉપર ગદાપ્રહાર કરીને તેને પાડી દીધો. ઊરુભંગ થયો. સાથળ ઉપર પ્રહાર કરવો તે યુદ્ધધર્મની વિરુદ્ધનું હોઈ દુર્યોધનના ગુરુ બલરામ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા, એટલે વ્યાસની સૂચનાથી પાંડવો અને કૃષ્ણ ભીમને દૂર લઈ ગયા અને આમ મુખ્ય ર્દશ્યમાં પાંડવપક્ષનું કોઈ રહ્યું નહિ. દુર્યોધન અને બલરામ બે જ રહ્યા. ભીમે આચરેલા કપટથી ગુસ્સે થયેલા બલરામને પડી ગયેલો દુર્યોધન શાંત પાડવા પ્રયત્ન કરે છે અને કહે છે કે મને ભીમે માર્યો નથી. શ્રીકૃષ્ણે ભીમની ગદામાં પ્રવેશીને મને મૃત્યુને સોંપી દીધો છે. પછી ધૃતરાષ્ટ્ર, ગાંધારી, દુર્યોધનની બે રાણીઓ – પૌરવી અને માલતી તથા દુર્યોધનપુત્ર દુર્જય પ્રવેશ કરે છે અને યુદ્ધમાં હણાયેલા યોદ્ધાઓમાં શબોની વચ્ચેથી દુર્યોધનને શોધી કાઢવા મથે છે.
જેમના નવાણું પુત્રો આ પૂર્વે મરી ગયા હતા તેવાં અડવડિયાં ખાતાં દુર્યોધનને સાદ પાડતાં અંધ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું ર્દશ્ય ખૂબ કરુણ છે. અઢાર અક્ષૌહિણીનો અધિપતિ, પુત્ર દુર્યોધન પૃથ્વી ઉપર સૂતો છે તે જાણીને ધૃતરાષ્ટ્ર ખૂબ દુ:ખી થાય છે. બીજી બાજુથી દુર્યોધન ઊરુભંગથી ભાંગી ગયો નથી પણ પોતાની રાણીઓ ખુલ્લા માથે રણક્ષેત્રમાં રખડી રહી હોય છે તે જોઈને દુર્યોધનનું દુર્યોધનત્વ જાણે ભાંગી જાય છે. પોતાના પિતાને પ્રણામ કરવા તે ઊભો થઈ શકતો નથી અને ખોળામાં બેસવા ઇચ્છતા પુત્ર દુર્જયને તે ખોળામાં બેસાડી શકતો નથી. ત્યારે જ તેને ઊરુભંગની વેદના થાય છે.
પોતે યુદ્ધમાં પીઠ બતાવી નથી તે વાતનો ખ્યાલ કરીને તે માતાપિતા અને રાણીઓને આશ્વાસન મેળવવા સમજાવે છે. તે પુત્ર દુર્જયને શિખામણ આપે છે કે પાંડવોને વડીલો ગણજે તથા દ્રૌપદી અને સુભદ્રાને માતા સમાન ગણજે. આમ તેનું વૈર શમી ગયું લાગે છે. તેનું મહાનુભાવપણું ઊપસી આવતું લાગે છે.
છેલ્લે વૈરની આગથી ભડભડતો અશ્વત્થામા પ્રવેશે છે. તે દુર્યોધનને ઉશ્કેરવા મથે છે, પણ દુર્યોધન તેને શાંત પાડવા પ્રયત્ન કરે છે. અશ્વત્થામા પૂછે છે : ‘કુરુરાજ, આ શું ?’ દુર્યોધન કહે છે : ‘અસંતોષનું ફળ.’ આમ ઊરુભંગે દુર્યોધનના સ્વમાનનો ભંગ કર્યો નથી, પણ અસંતોષથી સર્વનાશ થાય છે તેવી સમજણ તેને આપી છે. છતાં અશ્વત્થામાને તે શાંત પાડી શકતો નથી. અશ્વત્થામા દુર્જયનો અભિષેક કરે છે. અંતે મનની પ્રશાંત સ્થિતિમાં દુર્યોધન સ્વર્ગે સિધાવે છે. ધૃતરાષ્ટ્ર વ્યર્થતા અનુભવીને તપોવનનો માર્ગ લે છે, તો અશ્વત્થામા સૂતેલા પાંડવોને હણવા દોડી જાય છે.
આ રૂપકમાં ભયાનક, વીર, બીભત્સ આદિ ગૌણરસો સાથે મુખ્યત્વે કરુણરસનું નિરૂપણ થયું છે. ઘણા વિદ્વાનોના મતે ‘ઊરુભંગ’ સંસ્કૃત નાટ્યસાહિત્યની વિરલ કરુણાંતિકા છે. ભારતીય પરિભાષા પ્રમાણે આ રૂપકને ઉત્સૃષ્ટિકાંક કે બાષ્પોત્સૃષ્ટિકાંક કહેવાય છે.
પરમાનંદ દવે