ઊના : હિમાચલ પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 31o 30¢ ઉ. અ. અને 76o 15¢ પૂ. રે.ની આજુબાજુનો 1,540 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કાંગરા, પૂર્વે હમીરપુર, અગ્નિકોણમાં બિલાસપુર જિલ્લા તથા દક્ષિણ અને પશ્ચિમમાં પંજાબ રાજ્યની સરહદ આવેલી છે. જિલ્લામથક ઊના જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાની ઈશાન સરહદ પર હિમાલયની તળેટી ટેકરીઓ આવેલી છે. પૂર્વમાં સોલાસિંગી ધાર અને પશ્ચિમે પંજાબનાં મેદાનો આવેલાં છે. 600થી 900 મીટરની ઊંચાઈવાળી, વાયવ્ય-અગ્નિ દિશાકીય ઉપસ્થિતિ ધરાવતી ટેકરીઓ ઈશાન તરફ આવેલી છે. જિલ્લાના મધ્ય ભાગમાં થઈને સોન નદી પસાર થાય છે. આ નદી અહીં વાયવ્ય-અગ્નિ દિશાનો અનુદીર્ઘ ખીણપ્રદેશ રચે છે. અહીંની સોલાસિંગી ધારની ઊંચાઈ 350 મીટરથી 1,200 મીટર સુધીની છે. અહીં આવેલી જસવાન દૂન ખીણની પહોળાઈ 7થી 14 કિમી. જેટલી છે. દૂનની મધ્યમાં આશરે 450 મીટરની ઊંચાઈ પર ઊના શહેર આવેલું છે.
જળપરિવાહ : જિલ્લાની ઉત્તર સરહદ નજીકથી બિયાસ પસાર થાય છે. જિલ્લાની મધ્યમાંથી પસાર થતી સોન નદી સતલજ નદીને જિલ્લાની દક્ષિણ સરહદે મળે છે. સોન નદીને ઘણી નાની નાની નદીઓ મળે છે. આ નદીઓ પૂર વખતે ઘણો કાંપ લાવીને પાથરે છે.
જંગલો : ઊના જિલ્લાનો આરક્ષિત અનામત જંગલવિસ્તાર જંગલ ખાતા હસ્તક છે. જિલ્લામાં જંગલો કે વનસ્પતિનું પ્રમાણ ઓછું હોવાથી દેવદાર, ખેર, વાંસ, નીલગિરિ, મલબેરી, ચીલ, ફર તેમજ અન્ય ઘણી જાતનાં વૃક્ષો વાવી તેમનો ઉછેર કરવામાં આવે છે.
ખેતી : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, મકાઈ, ડાંગર, શેરડી, કઠોળ-ચણા, અડદ, મસૂર, સોયાબીન, સરસવ અને બટાટાનો સમાવેશ થાય છે. અહીંના ખેડૂતોએ કાગઝી અને બારમાસી લીંબુ, સંતરાં, કેરી જેવાં ખાટાં ફળોની તેમજ જામફળ, જરદાળુ, બદામ અને કલમી આંબાની વાડીઓ વિકસાવી છે. અહીંનું હવામાન આ પાકોને તથા ફળોને ખૂબ માફક આવે છે.
પશુપાલન : ખેડૂતો આવકવૃદ્ધિ માટે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં જેવાં પશુઓ પાળે છે. જિલ્લામાં પશુદવાખાનાં-પશુચિકિત્સાલયોની સગવડ છે. સહકારી ધોરણે 3 દૂધ-શીતાગાર કેન્દ્રો પણ ચાલે છે.
ઉદ્યોગો : રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનામાં અહીં ઉદ્યોગો સારી રીતે વિકસ્યા છે. રાજ્ય સરકારે નવા ઉદ્યોગો સ્થાપ્યા છે. પરંપરાગત ચાલ્યા આવતા અન્ય એકમો માટે રાજ્ય સરકાર જરૂરી સહાય પણ કરે છે. અહીંની ટેકરીઓમાંથી ક્વાટર્ઝાઇટના પથ્થરો તથા ઈંટો બનાવવાની માટી મળી આવે છે.
વેપાર : આ જિલ્લામાં લાકડાનું રાચરચીલું, પોલાદના ગઠ્ઠા-પતરાં-વાસણો, દેશી દારૂ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ધોવાનો સાબુ, રંગો અને વાર્નિશનું ઉત્પાદન લેવાય છે. તે પૈકીની મોટાભાગની ચીજવસ્તુઓની જિલ્લા બહાર નિકાસ તથા અનાજ, દારૂ માટેનો સ્પિરિટ તથા ખાદ્ય તેલોની આયાત કરાય છે. બીજા જિલ્લાઓની જેમ આ જિલ્લામાં પણ વેપારવિષયક પ્રવૃત્તિઓનું પ્રમાણ ઓછું છે, અહીં 32 જેટલી બૅંકોની સુવિધા છે.
પરિવહન : હિમાચલ પ્રદેશની રાજ્ય સરકારે 1968ના એપ્રિલમાં ઊના ખાતે પ્રાદેશિક પરિવહન એકમ ખુલ્લું મૂક્યું છે, જ્યાંથી 78 જેટલા માર્ગો પર અવરજવર થાય છે. તેમાં 19,144 કિમી.(5,260 કિમી.ના આંતરરાજ્યના અને 13,884 કિમી.ના રાજ્યના)ના માર્ગો પર હેરફેર થતી રહે છે. હિમાચલ પ્રદેશના અન્ય જિલ્લાઓ કરતાં આ જિલ્લામાં આ સુવિધા વધુમાં વધુ છે.
પ્રવાસન : (1) ચિન્તપૂર્ણી : આ સ્થળ જિલ્લાના ઉત્તર છેડે આવેલું છે. તે તેની ખુશનુમા આબોહવા અને ભગવતીદેવીના સ્થાનક્ધો કારણે જાણીતું છે. આ સ્થળ પંજાબ અને કાંગરાનાં અન્ય ધાર્મિક સ્થાનકો સાથે માર્ગોથી સંકળાયેલું છે. ઉત્તર ભારતનાં ઘણાં સ્થળોએથી હજારો યાત્રાળુઓ અહીં દર મહિને દર્શનાર્થે આવે છે. અકબરે તેના ‘અકબરનામા’માં અહીં ઊજવાતા દુર્ગાષ્ટમીના તહેવારનો ઉલ્લેખ કરેલો છે.
(2) ડેરાબાબા બારભાગસિંહ : આ સ્થળ અમ્બ-નાદૌન માર્ગ પર આવેલું છે. એક એવી માન્યતા છે કે આશરે 300 વર્ષ અગાઉ બારભાગસિંહ નામના એક સંત બાબા અહીં આવેલા, તપ કરેલું તથા આ સ્થળે જ અવસાન પામેલા. તેમના અનુયાયીઓએ તપના તથા મૃત્યુના સ્થળે બે ગુરુદ્વારા બાંધેલાં છે. અહીંથી બે કિમી. દૂર બાણગંગા નામની નદી વહે છે. અહીં એ બંને ગુરુદ્વારાના દર્શને આવતા યાત્રાળુઓ પ્રાર્થના કર્યા પછી સ્નાન કરે છે.
(3) ડેરાબાબા રુદ્રનંદ : આ એક પવિત્ર સ્થાનક છે. તે ઊના-અમ્બ માર્ગ પર બસલ ગામ નજીક આશરે 700 મીટરની ઊંચાઈ પર આવેલું છે. બાબા રુદ્રનંદે અહીં તપ કરેલું. ત્યાં તેમની સમાધિ છે. ગણેશચતુર્થી અને જન્માષ્ટમીએ અહીં મહોત્સવ યોજાય છે. અહીંથી થોડેક દૂર જંગલમાં જોગી પાંગા નામનું બીજું એક પવિત્ર સ્થળ આવેલું છે. આ સ્થળે તેમના અનુયાયીઓ રહે છે.
(4) શિવ વાડી ગાગ્રેટ : હોશિયારપુર-ધરમશાળા માર્ગ પર ગાગ્રેટ નજીક સોમભદ્ર નદીકાંઠે એક શિવમંદિર આવેલું છે. આ મંદિર દ્રોણાચાર્યે બંધાવેલું હોવાનું કહેવાય છે. જુલાઈ-ઑગસ્ટ (શ્રાવણ) દરમિયાન આ શિવલિંગ પર પુષ્પો ચઢાવવા હજારો ભક્તો આવે છે. આ સ્થળ નજીક ગાગ્રેટ નામનું ઔદ્યોગિક નગર આવેલું છે. ત્યાં કેટલાક ઉદ્યોગો વિકસ્યા છે.
(5) ભદ્રકાળી મંદિર : જિલ્લામાં આવેલા દૌલતપુરથી 4 કિમી. અંતરે ભદ્રકાળીનું ઘણું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં દર વર્ષે વૈશાખીને દિવસે મેળો ભરાય છે.
(6) તાલમેરાનું મહાદેવ મંદિર : તાલમેરા ગામમાં મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. શિવરાત્રિને દિવસે અહીં શિવલિંગ પર છાશનો અભિષેક થાય છે. ગોવિંદસાગર જળાશય નજીક આવેલું હોવાથી તેમાં નૌકાવિહારની મોજ માણવા તેમજ મચ્છીમારી કરવા પ્રવાસીઓની અવરજવર રહે છે.
આ ઉપરાંત જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં વારતહેવારે મેળાઓ ભરાય છે તથા પ્રસંગોપાત્ત, ઉત્સવો પણ યોજાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 5,21,173 જેટલી છે. તે પૈકી 90 % ગ્રામીણ અને 10 % શહેરી વસ્તી છે. જિલ્લામાં હિન્દુ અને શીખોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધોની વસ્તી ઘણી ઓછી છે. વસ્તીના 60 % લોકો શિક્ષિત છે. અમ્બ ખાતે સરકારી કૉલેજ આવેલી છે. 306 ગામડાંમાં શિક્ષણ-સંસ્થાઓની તથા 224 ગામડાંમાં તબીબી વ્યવસ્થા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓ અને 4 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 5 નગરો અને 539 (41 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઊના (નગર) : ઊના જિલ્લાનું જિલ્લામથક. આ નગર સતલજની સહાયક નદી સ્વાન નદીને કાંઠે વસેલું છે. વાલ્મીકિ ઋષિએ આ નદીને ‘સોમભદ્ર’ નામ આપેલું. શીખ સંપ્રદાયના દસમા ગુરુ ગોવિંદસિંહના સમય દરમિયાન તેમના એક અનુયાયી બાબા કલાધરી અહીં આવેલા અને વસેલા. તેમના વંશજને મહારાજા રણજિતસિંહે 177 ગામની જાગીર બક્ષિસ આપેલી. ઊના નગર તેમણે જ સ્થાપેલું. આ કલાધરીના વંશજ આજે પણ અહીં રહે છે. દર વર્ષે ફેબ્રુઆરી/માર્ચમાં બાબા કલાધરીનો મેળો ભરાય છે. આ નગર વેપાર અને અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ વિકસ્યું છે.
ઇતિહાસ : ઊના જિલ્લો અગાઉના કાંગડા દેશી રાજ્યનો ભાગ હતો. હાલના ઊના જિલ્લાનો ઘણોખરો પ્રદેશ જસવાન દુન કહેવાતો. તેના ઉપર કાંગડાના કટોચ કુટુંબનું રાજ્ય હતું. જસવાન રાજ્યનું પાટનગર રાજપુરા હતું અને પૂરબચંદે ઈ. સ. 1170માં તે રાજ્ય સ્થાપ્યું હતું. જસવાન કાંગડા રાજ્યનો એક ફાંટો હતું. જસવાન રાજ્ય ઉપર પૂરબચંદથી ઉમેદસિંહ સુધી 27 રાજા રાજ્ય કરી ગયા. શહેનશાહ અકબરના સમયમાં તે મુઘલોના આધિપત્ય હેઠળ આવ્યું અને મુઘલ સામ્રાજ્યના ખંડિયા રાજ્ય સમાન રહ્યું હતું. ત્યારબાદ, 1815માં પંજાબના રણજિતસિંહના આધિપત્ય હેઠળ ગયું. રણજિતસિંહના આદેશાનુસાર શિયાલકોટમાં યોજાયેલી સભામાં હાજર રહેવાનો ઇનકાર કરવાથી, ઉમેદસિંહે ગાદીત્યાગ કરીને, વાર્ષિક રૂપિયા બાર હજારની આવકની જાગીર સ્વીકારવી પડી. જસવાન રાજ્ય આશરે સાડા છસો વર્ષ ટક્યું હતું. આ જિલ્લાની પૂર્વે કુથલેરિયા અને ઉત્તરે સિબા કુટુંબનાં રાજ્યો આવેલાં હતાં.
નીતિન કોઠારી
જયકુમાર ર. શુક્લ