રવિચંદ્રન, અશ્વિન

July, 2025

રવિચંદ્રન, અશ્વિન (જ. 17 સપ્ટેમ્બર 1986, ચેન્નાઈ) : જમણેરી ઑફ સ્પીન બૉલર અને નીચલા ક્રમના ઉપયોગી બૅટ્સમૅન.

રવિચંદ્રન અશ્વિન વિશ્વના શ્રેષ્ઠ ઑલરાઉન્ડરમાં સ્થાન ધરાવે છે. માત્ર નવ વર્ષની વયે અશ્વિને શરૂઆતમાં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી, પરંતુ સફળતા ન મળતાં તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઑફ બ્રેક બૉલર તરીકે રમવા તરફ કેન્દ્રિત કર્યું.

અશ્વિન રવિચંદ્રન

ડિસેમ્બર, 2006માં તમિળનાડુ તરફથી તેણે પ્રથમ કક્ષાની ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને વર્ષ 2007માં તે તમિળનાડુ ટીમનો સુકાની બન્યો. શરૂઆતમાં ચંદ્રશેખર રાવ પાસેથી કોચિંગ મેળવ્યું અને ત્યારબાદ સી. કે. વિજયકુમાર પાસે કોચિંગ મેળવ્યું. જ્યાં તેને મધ્યમ ઝડપથી ગોલંદાજ તરીકેના પાઠ શીખવા મળ્યા, પરંતુ તેને તેમાં પણ સફળતા ન મળતાં છેવટે ભૂતપૂર્વ સ્પીનર સુનિલ સુબ્રમણ્યમ્ પાસેથી સ્પીન બૉલિંગની કળા શીખી.

પાંચ વર્ષની સખત મહેનત પછી 6 ડિસેમ્બર, 2011ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામેની દિલ્હીમાં રમાયેલ ટેસ્ટમાં સચિન તેંડુલકરના હાથે ટેસ્ટ કૅપ મેળવી તે ભારત તરફથી ટેસ્ટ રમનાર 271મો ખેલાડી બન્યો. પોતાની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દાવમાં 3 અને બીજા દાવમાં 6 વિકેટ લીધી અને ભારતને ટેસ્ટમાં વિજય અપાવ્યો તથા પોતાની પ્રથમ જ ટેસ્ટમાં મૅન ઑફ ધી મૅચ બનનાર અશ્વિન માત્ર ત્રીજો ખેલાડી બન્યો. મુંબઈમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તેણે પાંચ વિકેટ સાથે બૅટિંગમાં પણ સદી નોંધાવી પોતાને ઑલરાઉન્ડર તરીકે પ્રસ્થાપિત કર્યો. એક જ ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવનાર તે માત્ર ત્રીજો ભારતીય ઑલરાઉન્ડર બન્યો. ત્યારબાદ ન્યૂઝીલૅન્ડ સામેની 2 ટેસ્ટની શ્રેણીમાં પણ હૈદરાબાદમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં બંને દાવમાં 6-6 વિકેટ લીધી અને ફરી એક વખત મૅન ઑફ ધી મૅચ બન્યો; એટલું જ નહીં, તેણે માત્ર 85 રનમાં 12 વિકેટ લઈ ન્યૂઝીલૅન્ડ સામે એક જ ટેસ્ટમાં 152 રનમાં 12 વિકેટ લેવાનો વ્યંકટ રાઘવનનો વિક્રમ પોતાના નામે કર્યો.

2012ની ઇંગ્લૅન્ડ ટૂરમાં પોતાની નવમી ટેસ્ટમાં 50 વિકેટ લઈ સૌથી ઝડપી 50 વિકેટનો ભારતીય વિક્રમ પોતાના નામે કર્યો; એટલું જ નહીં, ત્યારબાદ તે ભારત તરફથી સૌથી ઝડપી 100, 150, 200, 250, 300, 350, 400, 450 અને 500 વિકેટ પણ સૌથી ઝડપથી લેનાર ભારતીય ખેલાડી બન્યો.

2011થી 2024 સુધીની 13 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં તથા વન ડે અને પ્રથમ કક્ષાની કારકિર્દીમાં તેણે અનેક ભારતીય અને વિશ્વવિક્રમો પોતાના નામે કર્યા. તેની આ સિદ્ધિઓને જોતાં ભારત સરકારે તેને 2025માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા. આ અગાઉ પણ અશ્વિનને તેની આગવી સિદ્ધિઓ માટે વર્ષ 2012-13માં પોલી ઉમરીગર ઍવૉર્ડ, 2015માં અર્જુન ઍવૉર્ડ, 2016માં આઈ.સી.સી. ક્રિકેટર ઑફ ધ ઇયર, 2016-17માં સિયાટ ઇન્ટરનેશનલ ક્રિકેટર તથા 2011-20ના દશકના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરનો આઈ.સી.સી. તરફથી ઍવૉર્ડ જેવા અનેક ઍવૉર્ડ મેળવ્યા છે; એટલું જ નહીં, વર્ષ 2025માં ચેન્નાઈ કૉર્પોરેશને અશ્વિન જ્યાં રહે છે તે જગ્યાને રવિચંદ્રન, અશ્વિન સ્ટ્રીટ નામ આપી તેની ક્રિકેટની સેવાઓને સદાય માટે યાદગાર બનાવી.

ચેન્નાઈની એસ.એસ.એન. એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીમાં બી.ટૅક થયેલ અશ્વિન 106 ટેસ્ટની કારકિર્દીમાં 6 સદી સાથે 3503 રન અને 537 વિકેટ લઈ ચૂક્યો છે. જેમાં દાવમાં પાંચ વિકેટ 37 વખત અને મૅચમાં 10 વિકેટ 8 વખત લઈ ચૂક્યો છે. તે માત્ર ટેસ્ટમૅચનો ખેલાડી જ નથી બની રહ્યો, વનડેમાં પણ તેણે આવી જ સફળતા મેળવી છે. તેણે રમેલ 116 વન ડેમાં 33.2ની સરેરાશથી 156 વિકેટ મેળવી છે. તો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં પણ 65 મૅચમાં 72 વિકેટ લીધી છે.

અશ્વિનના કેટલાક નોંધપાત્ર વિક્રમો :

  • ટેસ્ટમાં સૌથી ઝડપી 250, 300 અને 350 વિકેટ – વિશ્વવિક્રમ
  • એક જ ટેસ્ટમાં સદી અને 5 વિકેટની સિદ્ધિ 4 વખત મેળવનાર ભારતનો એકમાત્ર અને વિશ્વનો ઇયાન બોથમ (ઇંગ્લૅન્ડ) પછી બીજો ઑલરાઉન્ડર
  • ટેસ્ટમાં સૌથી વધુ 11 વખત મૅન ઑફ ધી સીરિઝનો ઍવૉર્ડ મેળવનાર. શ્રીલંકાના સ્પીનર મુથ્થૈયા મુરલીધરન સાથે સંયુક્ત વિક્રમ.
  • ટેસ્ટમાં દાવમાં 5 વિકેટની સિદ્ધિ સૌથી વધુ વખત મેળવનાર વિશ્વનો બીજો ખેલાડી (37 વખત)
  • ટેસ્ટમાં ત્રણ હજારથી વધુ રન અને 500થી વધુ વિકેટ લેનાર વિશ્વનો માત્ર ત્રીજો ખેલાડી; અગાઉ આ સિદ્ધિ ઑસ્ટ્રેલિયાના શેન વાર્ન અને ઇંગ્લૅન્ડના ડેલ સ્ટેન મેળવી ચૂક્યા છે.
  • ભારતમાં સૌથી વધુ ટેસ્ટ 383 વિકેટ લેનાર.
  • ભારત તરફથી અનિલ કુંબલે 619 વિકેટ પછી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી.
  • એક જ કૅલેન્ડર વર્ષ(2016)માં 500થી વધુ રન અને 50થી વધુ વિકેટની ઑલરાઉન્ડર સિદ્ધિ મેળવનાર કપિલ દેવ પછી બીજો ભારતીય.
  • ટી ટ્વેન્ટીમાં ઇન્ટરનેશનલમાં 50 વિકેટ લેનાર સૌપ્રથમ ભારતીય.

પોતાના બાળપણની મિત્ર પ્રિથી નારાયણન સાથે 13 નવેમ્બર, 2011ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલ અશ્વિન તેની બે પુત્રીઓ સાથે ચેન્નાઈના વેસ્ટ મામ્બલમ વિસ્તારમાં રહે છે. તે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી યૂ ટ્યૂબ પર પોતાની ચૅનલ ચલાવે છે જેના 16 લાખથી વધુ સબસ્ક્રાઇબર અને 225 મિલિયનથી વધુ વ્યુઅર છે. અહીં અશ્વિન ક્રિકેટ વિશેની રમતની બારીકાઈઓની વાતો કરે છે.

જગદીશ શાહ