રવિભાણ સંપ્રદાય

January, 2003

રવિભાણ સંપ્રદાય : રવિસાહેબ અને તેમના ગુરુ ભાણસાહેબે પ્રવર્તાવેલો સંપ્રદાય. રવિભાણ સંપ્રદાય નામાભિધાનમાં બે વ્યક્તિનામો અથવા બે વિભૂતિનામોનો સમાસ છે. એક રવિ અને બીજા ભાણ. રવિ એટલે ભાણસાહેબના શિષ્ય રવિસાહેબ અને ભાણસાહેબ એટલે ગુજરાતમાં રામકબીરિયા શાખાના પ્રવર્તક અને રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે. આમ રવિભાણ સંપ્રદાયનું અભિધાન ગુરુ અને શિષ્યના નામ ઉપરથી પડેલું છે. સામાન્ય રીતે મુખ્ય પ્રવર્તક, મૂળ સ્થાપક કે ગુરુના નામ ઉપરથી સંપ્રદાયનું નામ પડતું હોય છે. અહીં ગુરુ અને શિષ્ય બેઉના નામે સંપ્રદાયનું નામ પડ્યું છે અને તેમાં પણ શિષ્યનું નામ ગુરુના નામની પહેલાં સ્થાન પામે છે એ ઘટના વિરલ પણ છે અને સૂચક પણ છે. રવિસાહેબ ભાણસાહેબના સમર્થ અને પ્રતાપી શિષ્ય હતા. એ ભાણસાહેબના ‘નાદપુત્ર’ પણ હતા. ભાણસાહેબની હયાતીમાં જ એમની ખ્યાતિ થઈ ચૂકી હતી. રવિ ‘ભાણફોજ’ના પણ પ્રથમ હરોળના સેનાની હતા. ઉત્કટ સાધના, ભરપૂર ભક્તિ, અખિલ દર્શન અને તેજોમય વાણી થકી એમની પ્રતિભા સૂર્યની જેમ ઝળહળી ઊઠી હતી. ગુરુકૃપાએ એમને ગુરુથી સવાયા સિદ્ધ કર્યા. કદાચ ‘ભાણ’ની સાથે જ ‘રવિ’નો આદર પ્રસ્થાપિત થયો હશે અને બે મહાન સંતોની બેલડીરૂપ ‘રવિભાણ સંપ્રદાય’ અભિધાન થયું હશે. ‘રવિ’ અને ‘ભાણ’ બેઉ પર્યાયવાચી અને એક જ અર્થના દ્યોતક છે એ પણ અનન્ય સંયોગ.

કબીરની સાહેબ પરંપરા સાથે અનુસંધાન ધરાવતો ‘રવિભાણ સંપ્રદાય’ આજે તેની આગવી ઓળખ સાથે સમગ્ર ગુજરાતમાં વટવૃક્ષની જેમ ફેલાયેલો છે. સત્તરમી સદીમાં ભાણસાહેબના પ્રાગટ્ય અને તેમના ભક્તિ-આંદોલન સાથે આ સંપ્રદાયનો પ્રાદુર્ભાવ થયો હતો. મધ્યકાળનો ભક્તિજુવાળ એ સમગ્ર ભારતવર્ષની શકવર્તી ઘટના સમાન હતો. કુંઠિત, દંભી, સંકુચિત અને રૂઢ બની ગયેલા વૈદિક ધર્મની સામેનો એ બળવો હતો. આ બળવો આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્રાંતિનાં અનેક નૂતન બળો અને નૂતન આવિષ્કારનો શુભ નિમિત્ત બની રહ્યો. એણે સમગ્ર ભારતવર્ષને ઢંઢોળ્યું, જગાડ્યું. સામાન્ય જન, આમ સમાજ પહેલવહેલો એમાં પ્રવેશ અને આદર પામ્યો. નીચલો થર એનાં તેજ, પ્રાણ, ઊર્મિઓ અને ચેતના સાથે પ્રગટી આવ્યો. ભારતવર્ષના બધા જ ખંડોમાં સમાજના નીચલા થરમાં આ ક્રાંતિ પ્રગટી. ભારતવર્ષના આધ્યાત્મિક ઇતિહાસની આ કદાચ સર્વપ્રથમ અપૂર્વ અને અસામાન્ય ઘટના હતી.

ગુજરાતમાં આ આધ્યાત્મિક ક્રાંતિનો સીધો પડઘો સવિશેષ રીતે ભાણસાહેબ અને તેમની સંતપરંપરાએ ઝીલ્યો. એટલું જ નહીં ભાણની સરદારી હેઠળ ભેખધારી અને સેવાવ્રતી સંતોની એમાંથી ફોજ તૈયાર થઈ. આ ફોજ, વસ્તી ચેતાવવાની અદમ્ય ભાવના સાથે મિશનરી ધગશથી આખું ગુજરાત ઘૂમી વળી. ઊંચનીચના, કુલજાતિ, ધર્મસંપ્રદાયના ભેદભાવથી પર એવી અભેદદૃષ્ટિ, અંત્યજ ગણાતા નીચલા થરના લોકોનો સ્વીકાર અને સમાદર, ત્યાગમય સેવાપરાયણતા, ગામડે ગામડે અને ઘરેઘરે ફરી જનહૃદયમાં ભજનસત્સંગ, ઉપદેશ દ્વારા સદાચાર અને ભક્તિભાવના સિંચનની નૂતન વિચારધારા અને ઉચ્ચ આચારપ્રણાલી દ્વારા આ સંપ્રદાય વીજળીક લોકાદર પામ્યો. સાહેબ પરંપરા, ગુરુશિષ્ય પરંપરા, ગૃહસ્થ સંતોની બુંદપરંપરા, સંન્યસ્ત સંતોની નાદપરંપરા, વાડીના સાધુઓની પાટપરંપરા, સમાધિ પરંપરા, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર ઉભય ઉપાસનાધારા, તેજસ્વી સંતોનો શ્રેણી, સમૃદ્ધ અને વિપુલ ભજનવારસો વગેરે આ સંપ્રદાયના આગવા ઓળખ-વિશેષો છે. આ સંપ્રદાયે ઊંચી કોટીના તેજસ્વી સંતોની અમૂલ્ય ભેટ આપી છે. એમાં પણ આ સંપ્રદાય થકી સમાજના અંત્યજ ગણાતા નીચલા થરમાંથી જે સંતરત્નો મળ્યાં, એકસામટાં મોટી સંખ્યામાં મળ્યાં, એથીય આગળ વધીને કહીએ તો એક આખી પરંપરાના રૂપમાં મળ્યાં એ ગુજરાતના આધ્યાત્મિક ઇતિહાસનું અપૂર્વ સુવર્ણપૃષ્ઠ છે. ત્રિકમસાહેબ અંત્યજ ગરોડા હતા. ભીમસાહેબ આમરણના અંત્યજ હતા. દાસી જીવણ ચમાર હતા, દાસ હોથી સુમરા સીંધી મુસ્લિમ હતા. આવું કીર્તિવંત સામાજિક સાંસ્કૃતિક ઉત્થાન ભારતમાં આ પૂર્વે ખાસ જોવા મળ્યું નથી. ત્રણ સદીનો ભવ્ય ઇતિહાસ અને તેજસ્વી સંતોની ઉજ્જ્વળ પરંપરા આ સંપ્રદાય સાથે જોડાયેલી છે.

ગુજરાતમાં રવિભાણ સંપ્રદાયની પરંપરા ભાણસાહેબના બે મુખ્ય શિષ્યો એક રવિસાહેબ અને બીજા ખીમસાહેબ દ્વારા ચાલી છે. ખીમસાહેબ ભાણસાહેબના બુંદપુત્ર હતા. એમના દ્વારા ગૃહસ્થધર્મી સંતોની બુંદપરંપરા ચાલી. રવિસાહેબ ભાણસાહેબના નાદપુત્ર હતા. એમના થકી સંસારધર્મથી વિરક્ત એવી સંન્યસ્ત પરંપરા ચાલી. ગુજરાતમાં રવિભાણ સંપ્રદાયના મુખ્ય ચાર સ્થાનકો સુપ્રસિદ્ધ છે : (1) શેરખી : આ જગ્યા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના શેરખી ગામે છે. સંપ્રદાયની આ પ્રથમ બંધાયેલી જગ્યા ભાણસાહેબે તે ઈ.સ. 1724(સંવત 1780)માં બાંધેલી. (2) કમિજળા : આ જગ્યા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમિજળા ગામે આવેલી છે. ભાણસાહેબનું આ સમાધિસ્થાન છે. આ સ્થળે ભાણસાહેબે સમાધિ લીધેલી. (3) રાપર : આ જગ્યા કચ્છ જિલ્લામાં રાપર તાલુકા મથકે આવેલી છે. ભાણસાહેબના બુંદપુત્ર ખીમસાહેબે ઈ. સ. 1781(સંવત 1837)માં બાંધેલી. ‘દરિયાસ્થાન’ તરીકે પણ ઓળખાય છે. (4) ખંભાળિયા : જામનગર જિલ્લામાં ખંભાળિયા ગામે આ જગ્યા છે. તે મોરાર ખંભાલિડા તરીકે પણ જાણીતી છે. ઈ. સ. 1776(સંવત 1832)માં મોરારસાહેબે આ જગ્યા બાંધેલી.

રવિભાણ સંપ્રદાયનાં આ મુખ્ય ચાર સ્થાનકોમાંથી કાળક્રમે અનેક શાખા-પ્રશાખાઓ પ્રગટી છે. અઢીસો વર્ષના સુદીર્ઘ ઇતિહાસ અને તેની પરંપરા જોતાં આ સંપ્રદાયનાં નાનામોટાં 58 મંદિરો સાથે 312 જેટલા દુવારા સ્થાપિત થયેલા છે. આ સ્થાનકો, જગ્યાઓની સાંપ્રત સ્થિતિ અને સ્વરૂપ પણ સળંગ અભ્યાસનો વિષય માગી લે એમ છે. ઘણીબધી જગ્યાઓ અત્યારે શાન્ત અથવા બંધ સ્થિતિમાં જોવા મળે છે. ક્યાંક પારંપરિક ઉપચારવિધિ જોવા મળે છે. મૂળનાં ચાર સ્થાનકો પૈકી કમિજળા સિવાય બાકીનાં ત્રણેય સ્થાનકોમાં પરંપરાની રીતે હાલ કોઈ ઉત્તરાધિકારી નથી. ટ્રસ્ટના સંચાલન-આયોજન હેઠળ છે. શેરખીની મૂળ જગ્યા જે એક કાળે ગુજરાત અને ગુજરાત બહાર ધમધમતી હતી તે છેલ્લે વીસમી સદીના છઠ્ઠા કે સાતમા દાયકામાં, ત્યાંના છેલ્લા ઉત્તરાધિકારી માધવપ્રસાદજીના અવસાન પછી, બંધ જેવી જ રહી છે.

સ્થાનકોમાં ગુરુગાદી અને તેના ઉપર પાદુકાસ્થાપનની મૂળ પ્રણાલી નીકળી ગઈ નથી, પરંતુ રામમૂર્તિની પ્રતિષ્ઠા અને રામઉપાસના વધારે પ્રચલિત બની ગયેલી જણાય છે. મૂળ રામાનંદની રામોપાસનાધારાની રીતે આમ બનવું અસ્વાભાવિક કે આકસ્મિક પણ નથી. સ્વરૂપરિવર્તન કે નવસંસ્કરણની રીતે આ બાબત ધ્યાનમાં લેવી ઘટે. રવિભાણ સંપ્રદાયમાં જે વાડીના સંતોનો પ્રવાહ ઓતપ્રોત થયેલો છે તે રવિભાણ સંપ્રદાયનાં તત્વો, સિદ્ધાંતો સાથે તેની મૂળગત નિજારી પાટપરંપરા ધારા સાથે પણ ધબકતો રહ્યો છે. બધા જ સમયમાં બધે જ બન્યું છે એમ કોઈ સંપ્રદાયની પરંપરા કે ધારા અખંડ, એકધારી અને એકરૂપમાં ચિરકાળ ચાલી નથી. દેશકાળ પ્રમાણે એમાં પરિવર્તનો, રૂપાંતરણો, સંસ્કરણો થતાં રહે છે. આ એક નૈસર્ગિક પ્રક્રિયા છે.

રવિભાણ સંપ્રદાયના કેટલાક તેજસ્વી સંતોનો પરિચય મેળવીએ :

ભાણસાહેબ (જ. ઈ.સ. 1698, મહીકાંઠાનું ગામ, કિંખલોડ, જિ. ખેડા; અ. ઈ.સ. 1755, કમિજળા, જિ. અમદાવાદ) : ગુજરાતના મધ્યકાલીન લોકસંત. ભાણ એમનું નામ અને ‘સાહેબ’ એમની પદવી. ‘સાહેબ’ પદ કબીર પરંપરાની ખાસ ઓળખરૂપ છે. ગુજરાતમાં કબીર સંપ્રદાયના બે પંથ ચાલ્યા : સતકબીરિયા અને રામકબીરિયા. ભાણ રામકબીરિયા પંથના હતા. ભાણ ગુજરાતમાં કબીર સંપ્રદાયના આદ્યસ્થાપક અને પ્રવર્તક ગણાય છે. ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે.

ભાણસાહેબનું મૂળ વતન વારાહી. પિતા કલ્યાણ ભગત અને માતા અંબાબાઈ. જ્ઞાતિએ લોહાણા ઠક્કર. વેપારધંધાર્થે વારાહી છોડી કિંખલોડ આવી વસેલા. ભાણને જન્મની સાથે બે દાંત ઊગેલા. તેઓ દત્તનો અવતાર પણ ગણાય છે. સૂર્ય જેવી કાંતિ જોઈ કોઈ સિદ્ધે ભાણ નામ પાડેલું. સંતસેવા અને ભક્તિપરાયણ કલ્યાણ ભગતને દુરમતિ લોકોએ અને કાંઠાગાળાના ચોરધારાળાઓએ કનડેલા. આથી મૂળ વતન વારાહી પાછા આવેલા. 26 વર્ષની ઉંમરે ભાણબાઈ સાથે ભાણનું લગ્ન. ગૃહસ્થજીવનની સાથે ઈશ્વરભક્તિ અને જનસેવાના ભેખધારી.

ભાણસાહેબના ગુરુ કોણ તે નિશ્ચિત થતું નથી. પરંતુ આંબો છઠ્ઠો સંભવત: ખષ્ટમદાસ એમના ગુરુ હોવાનું મનાય છે. ખષ્ટમદાસ એ કબીરના શિષ્ય અને રામકબીરિયા શાખાના પ્રવર્તક પદ્મનાભના પાંચમી પેઢીએ આવતા શિષ્ય. પદ્મનાભ કાઠિયાવાડ આવ્યાનું મનાય છે. ગુરુ-શિષ્ય પરંપરામાં ગુરુમહિમા એ પ્રભુમહિમા જેટલો જ મોટો હોય છે. પદોનાં નામચરણમાં ગુરુના નામનો ઉલ્લેખ અવશ્ય હોય. પરંતુ ભાણસાહેબના જે સત્તર જેટલાં પદ મળે છે તેમાં ગુરુના નામનો ઉલ્લેખ નથી.

ભાણસાહેબ પરિભ્રમણ કરતા કરતા કમિજળા ખાતે પોતાના એક શિષ્ય મેપા ભરવાડને ખોરડે ગયેલા. મેપો ઢોર ચરાવવા ગયેલો. ભાણ રોકાયા નહિ. મેપો ખોરડે આવ્યો ને ખબર પડી એટલે ભાણની પાછળ દોડ્યો. હરખથી ઘેલા થયેલા ભોળા ભરવાડે દૂરથી ભાણને જોયા, સાદ કર્યો અને કહ્યું કે ‘ડગલું ભરો તો રામદુવાઈ’. રામદુવાઈ પડતાં ભાણ એ જ ક્ષણે ઘોડી ઉપરથી ઊતરી જમીન પર સ્થિર થઈ ગયા. આ તો રામદુવાઈ. ન એક ડગલું આગળ ભરાય, ન એક ડગલું પાછળ ભરાય. ભાણસાહેબે કમિજળા ગામની પાદરે આ સ્થળે સમાધિ લીધી. ભાણસાહેબ ઘોડી ઉપર સવાર થઈ દેશાટન કરતા. ઘોડી ઉપરાંત સાથે એક કૂતરી પણ રહેતી. કહેવાય છે કે ભાણસાહેબની સમાધિ ગોડવામાં આવી ત્યારે તેમાં પ્રથમ તેમની ઘોડી પડી અને શાંત થઈ ગઈ. બીજી સમાધિ ગોડવામાં આવી તો તેમાં કૂતરી પડી અને શાંત થઈ ગઈ. ત્રીજી સમાધિ ભાણસાહેબે લીધી. કમિજળા ગામને પાદરે આજે ત્રણેય સમાધિ છે. શેરખીની જગ્યાના ઉત્તરાધિકારી રાધિકાદાસજીએ ‘ભાણચરિત્ર’ નામનો પચ્ચીસ વિશ્રામની રચનાવાળો હિન્દી-ગુજરાતી મિશ્ર પદ્યમય ગ્રંથ પ્રગટ કર્યો છે, જે ભાણસાહેબના ચરિત્રને તેમજ રવિભાણ સંપ્રદાયની સમગ્ર પરંપરાનો વિશિષ્ટ પરિચય આપે છે.

ભાણસાહેબ રામરટણ અને એક નિરંજન નામની ધૂનને વરેલા ભજનાનંદી સંત હતા. એકાંતે બેસીને સાધના કરનારા સાધુ ન હતા, લોકોની વચ્ચે જઈને વસતિ ચેતાવનારા પરિવ્રાજક આચાર્ય હતા. ગામડે ગામડે અને ઘેર ઘેર ફરીને ભજન અને સંતસંગની સુધા રેલાવી. તેઓ એમની નિર્મળ પ્રભુભક્તિ, ઉચ્ચ આચાર, કુળ, જાતિ, ધર્મ આદિની સંકુચિતતાથી મુક્ત એવી દૃષ્ટિની વિશાળતા, શીલમય ગૃહસ્થ જીવન, ત્યાગમય સેવાપરાયણતાને લઈને લોકહૃદયમાં છવાઈ ગયા. એમનાં તેજ અને પ્રભાવથી આકર્ષાઈને એમની પાસે ભક્તોનાં ટોળેટોળાં ઉભરાતાં. એમાંથી ઊભી થયેલી એક ટોળી ‘ભાણફોજ’ તરીકે ઓળખાઈ. રવિ, ખીમ આદિ ચાળીસ શિષ્યોની આ ફોજ હતી. ભાણ એના સરદાર હતા. ‘સુણ અનહદ કી ઠૌર, ભાણફોજ નિરભે ચડી’, ભાણ અને એમની ફોજ મિશનરી ધગશથી સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ઘૂમી વળી. એમના પગલે અને એમના શબ્દે આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિની અ-પૂર્વ લહેર ઊઠી. ભાણ, ગુજરાતના આ ભક્તિ આંદોલનના પ્રણેતા અને આચાર્ય બની રહ્યા.

રવિસાહેબ (જ. ઈ.સ. 1727; અ. ઈ.સ. 1804) : ભાણસાહેબના સમર્થ અને તેજસ્વી શિષ્ય સંત. ભાણની સાથે રવિ એકરૂપ થતાં રવિભાણ સંપ્રદાય સ્થપાયો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામે જન્મ. રવિસાહેબની રચના ‘ભાણ પચ્ચીસી’માં તેમનો જન્મ મોસાળ ગામ બંધારપાડા ખાતે થયાનું ઉલ્લેખાયું છે. પિતા મંછારામ, માતા ઇચ્છાબાઈ. જ્ઞાતિએ વીસા વણિક. કુટુંબ પુષ્ટિમાર્ગી. પૂર્વાશ્રામનું નામ રવજી. ઈ. સ. 1753માં ભાણસાહેબ પાસે દીક્ષા લીધી. શેરખીની જગ્યાના મહંતપદે પણ રહ્યા. સમર્થ શિષ્યો આપ્યા. સ્ત્રી-શિષ્યો પણ કરેલા. ઈ.સ. 1804માં વાંકાનેર ખાતે રતનદાસની જગ્યામાં અવસાન પામ્યા. મોરારસાહેબના ખંભાળિયા ખાતે સમાધિ લીધી.

વિપુલ ભજનરાશિ આપ્યો છે. ભાણગીતા, મનસંયમતત્વસાર નિરૂપણ, છપ્પય-1, છપ્પય-2, સાખી ગ્રંથ, ભાણ-પરચરી, સિદ્ધાંતપ્રકાશ, બારમાસી, ગુરુમહિમા, રામગુંજાર ચિંતામણિ, આત્મલક્ષી ચિંતામણિ, બોધચિંતામણિ, કક્કો, રવિ-ખીમની જકડી એમ વિવિધ સ્વરૂપે એમનું સાહિત્ય ગ્રંથસ્થ થયેલું છે. એમની રૂપક પ્રકારની પદરચનાઓ ખૂબ જ જાણીતી છે. યોગસાધના, જ્ઞાન, બોધ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણાનાં પદ આપણા સંતસાહિત્યનો સમૃદ્ધ અને અમર વારસો છે. આરતી, સંદેશા, આગમ, છપ્પા, સાખી, રેખતા જેવા પ્રકારો પણ તેમના હાથે ખેડાયા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ મોટી સંખ્યામાં પદ આપ્યાં છે. અખિલ દર્શનની અનુભૂતિ અને તેની સમર્થ અભિવ્યક્તિ તેમને એક ઊંચી કોટિના સંતકવિ તરીકે સ્થાપે છે.

ખીમસાહેબ (જ. ઈ.સ. 1734; અ. ઈ.સ. 1801) : ભાણસાહેબના પુત્ર. રવિસાહેબના શિષ્ય, ગૃહસ્થી, જ્ઞાની, સંત. માતા ભાણબાઈ. જન્મ બનાસકાંઠાના સાંતલપુર તાલુકાના વારાહી ગામે. કચ્છના રાપર ખાતે તેમણે સંપ્રદાયની જગ્યા સ્થાપી. રવિભાણ સંપ્રદાયની મુખ્ય ચાર જગ્યાઓ પૈકીની એક. ખીમસાહેબે અહીં સમાધિ લીધેલી. આ સ્થાન દરિયાસ્થાન તરીકે ઓળખાય છે. ખીમસાહેબ ‘ખલક દરિયા ખીમ’ તથા ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાતા. કચ્છના ખારવાઓમાં તેમણે રામકબીરનો પ્રચાર કરેલો. ખીમસાહેબે તે કાળે હરિજન જ્ઞાતિના ત્રિકમ ભગતનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો તે સામાજિક ક્રાન્તિનું મોટું કદમ ગણવું પડે. હરિજન ભક્તના આ સ્વીકારને પગલે રવિભાણ સંપ્રદાયમાં વાડીના સાધુઓનો શકવર્તી પ્રવેશ થયો. તે સાથે વાડીના સાધુઓની સમર્થ સંતપરંપરાનાં બીજ રોપાયાં. ગુજરાતી, હિન્દી ઉપરાંત કચ્છી ભાષામાં ખીમસાહેબે પદો રચેલાં છે. તેમની ચિંતામણ જેવી દીર્ઘરચના પણ ઉલ્લેખનીય છે.

મોરારસાહેબ (જ. ઈ.સ. 1758; અ. ઈ.સ. 1848) : ભાણસાહેબના શિષ્ય. બનાસકાંઠાના થરાદ ખાતે રાજવી કુટુંબમાં જન્મ. જ્ઞાતિએ વાઘેલા રાજપૂત. પૂર્વાશ્રમનું નામ માનસિંહજી. નાનપણથી જ માનસિંહજીનું મન સંસારમાં કે રાજકાજમાં હતું નહિ. રાજકાજના કૌટુંબિક ઝઘડાઓ તેમજ કપટ વગેરેથી તેઓ ખિન્ન હતા. તેમનું મન નિરંતર ભક્તિ અને નિજાનંદ તરફ ખેંચાયેલું રહેતું. દીકરાના આ વૈરાગ્યભાવને વિધવા માતા પારખી ગયાં. તેઓ સામે ચાલીને દીકરા માનસિંહને લઈ, વડોદરા ખાતે શેરખીની જગ્યા ઉપર ગયાં અને ત્યાં રવિસાહેબ પાસે દીક્ષા અપાવી. તેઓ માનસિંહજી મટી મોરાર થયા. રવિસાહેબના આદેશથી જામનગર જિલ્લાના ધ્રોલ પાસે ખંભાળિયા ગામે ઈ.સ. 1786માં ગાદી સ્થાપી. રવિભાણ સંપ્રદાયની મુખ્ય ચાર જગ્યાઓ પૈકીની આ એક જગ્યા છે. મોરારસાહેબનાં જ્ઞાન, વૈરાગ્યનાં પદો ખૂબ જ જાણીતાં છે. પરંતુ તેઓ વિશેષ જાણીતા છે તેમના અનન્ય પ્રેમલક્ષણાનાં પદોથી. કબીરસાહેબના દર્શન અને સિદ્ધાંતનો સંસ્કાર ઝીલતી તેમની અવળવાણી પણ ખૂબ પ્રચલિત છે. ખંભાળિયા ખાતે તેમણે સમાધિ લીધી.

ત્રિકમસાહેબ (જ. ઈ.સ. 1692; અ. ઈ.સ. 1782) : રવિભાણ સંપ્રદાયના ગૃહસ્થી, જ્ઞાની, સંત. ખીમસાહેબના શિષ્ય. કચ્છના રાપર તાલુકાના કાગનોરા ડુંગરની તળેટીમાં આવેલ રામવાવ ગામે જન્મ. જ્ઞાતિએ હરિજન ગરોડા. મેઘવાળોના ગોર. ત્રિકમ લક્ષ્મણનો અંશાવતાર ગણાતા. વારસામાં ધંધો ખેતી, વણાટકામ અને યજમાનવૃત્તિ. કાગનોરા ડુંગરમાં રહેતા રામગિર નામના સિદ્ધ યોગીની પ્રેરણાથી ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના તે શિષ્ય બન્યા. ખીમસાહેબ લોહાણા વણિક અને ત્રિકમ હરિજન ગરોડા. એક સવર્ણ અને એક હરિજન. તે કાળના સંજોગોમાં આ પ્રકારનો સવર્ણ અને અવર્ણનો ગુરુ-શિષ્યસંબંધ એક મોટી સામાજિક ક્રાન્તિને સૂચવે છે. એટલું જ નહિ આ ઘટના બે મોટી પ્રતિભાઓના આંતરિક સામર્થ્યને અને આધ્યાત્મિક ઊંચાઈને પણ પ્રતિષ્ઠિત કરે છે. ખીમસાહેબના આદેશથી ત્રિકમસાહેબે કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડ ખાતે ગાદીની સ્થાપના કરી. અન્નક્ષેત્ર ચલાવ્યું. દુષ્કાળનાં વર્ષોમાં પણ આ અન્નક્ષેત્ર ચાલેલું.

ત્રિકમસાહેબે દેહ ચિત્રોડમાં મૂકેલો. તેમની ઇચ્છા રાપર ખાતે ગુરુની પાસે સમાધિ લેવાની હતી. તેમના દેહને ચિત્રોડથી રાપર લાવવામાં આવેલો. સવર્ણો તેમના મહોલ્લામાંથી હરિજનના શબને લઈ જવા દે ? કહેવાય છે કે ત્રિકમનો દેહ સજીવન થઈ ગુરુ ખીમસાહેબની સમાધિ પાસે જાય છે અને ગુરુની બાજુમાં સમાધિ લે છે. બીજો એક પ્રસંગ એવો છે કે ગુરુની સાથે દ્વારકા દર્શને જવાની ઇચ્છા હતી ત્યારે પણ સાથેના સવર્ણોએ મછવામાં પોતાની સાથે બેસાડવાની ના પાડેલી. કહેવાય છે કે ત્રિકમસાહેબ યોગબળથી દરિયો પાર કરી, મછવો સામે કાંઠે પહોંચે તે પહેલાં પહોંચી, ગુરુ અને મંડળીને આવકારવા ઊભેલા.

ત્રિકમસાહેબની જ્ઞાન અને ભક્તિની વાણી વિશિષ્ટ લહેરવાળી અને તેજસ્વી છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં તેમની વિપુલ પદરચનાઓ આપી છે. કબીર સિદ્ધાંત અને કબીરદર્શનનો સંસ્કાર એમાં સહજ પ્રબલ રીતે ઝિલાયેલો છે.

ભીમસાહેબ (જ. ઈ.સ. 1718) : ત્રિકમસાહેબના શિષ્ય. જામનગર જિલ્લાના આમરણ ગામે જન્મ. પિતા દેવજીભાઈ અને માતા વિરૂબાઈ. જન્મ્યા ત્યારે માથા ઉપર નાની શિંગડીની નિશાની હતી. આથી લોકો તેમને એકલશૃંગી અથવા શૃંગીઋષિના અવતાર તરીકે ઓળખતા. જ્ઞાતિએ મેઘવાળોના ગોર. ભજનાનંદી. મોંઘીબાઈ સાથે લગ્ન. મોંઘીબાઈને તપ કરવું હતું. કુંવારા મહેણું ટાળવા લગ્ન કરેલું. ભીમ તેમના તપસંકલ્પ સાથે સંમત થઈને રહેલા. બંનેએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળેલું. નિજાર ધરમ અને બીજમાર્ગી પાટપરંપરાના અનોખા ઉપાસક. રવિભાણ સંપ્રદાયમાં પ્રેમલક્ષણા ભક્તિના મહાન સંતકવિ તરીકે જેમની પ્રતિષ્ઠા છે તે દાસીજીવણ એ ભીમસાહેબની ભેટ છે. લોકવાયકા એવી છે કે ભીમસાહેબે એક વખત એક જ રાત્રિનાં અનેક જગ્યાનાં પાટનાં વાયક ઝીલેલાં. પાટનો નિયમ એવો છે કે જેટલી જગ્યાનાં વાયક ઝીલ્યાં હોય તેટલી જગ્યાએ જવું પડે. જીવણને આ બાબતની ખાતરી કરવાનું સૂઝ્યું. ઘોડા ઉપર સવાર થઈને બધાં ગામોમાં જાય છે અને બધાં જ ગામોના પાટમાં બધી જ જગ્યાએ ભીમસાહેબની હાજરી જુએ છે. ભીમની આ સર્વવ્યાપક ભક્તિભૂમિકાથી પ્રભાવિત થઈ જીવણ તેમના શિષ્ય બને છે. સગુણ-નિર્ગુણ ભક્તિ, ગુરુમહિમા, યોગ, દર્શન એમની ઊજળી વાણી પ્રકાશે છે. આમરણમાં ગાદી સ્થાપી. ત્યાં જ સમાધિ લીધેલી.

દાસી જીવણ/જીવણસાહેબ (જ. ઈ.સ. 1750; અ. 1825) : ગૃહસ્થ સંતકવિ. જીવણનો જન્મ ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે. પિતા જગા ભગત. માતા સામબાઈ. જાતિએ ચમાર અને સાખે દાફડા. રાજ્યની ‘‘ભામ’’નો એટલે કે ચામડાં ધોવાનો, રંગવાનો ઇજારો જગા દાફડાનો હતો.

જીવણ તીવ્રબુદ્ધિ, મેધાવી અને અતિ સંવેદનશીલ હતા. જાલુમા સાથે તેમનું લગ્ન થયું હતું. અન્ય કેટલાક ઉલ્લેખો મુજબ સોનામા નામે તેમને બીજાં એક પત્ની હતાં. દેશળ નામે પુત્ર હતો. એમના સમાજમાં જગા દાફડાનું ઘર મોટું, સાધનસંપન્ન અને આબરૂદાર હતું. લોકોની આવન-જાવન પણ મોટી. ચામડાં ધોવા-રંગવાના પરંપરાગત ધંધાની સાથે ભક્તિનો સંસ્કારવારસો પણ જીવણને મળ્યો. જીવણ રવિભાણ સંપ્રદાયના રાજવી સંત શ્રી મોરારસાહેબના સંપર્કમાં પણ આવ્યાના ઉલ્લેખ મળે છે. જીવણમાં પ્રગટેલ પ્રેમલક્ષણા ભક્તિનાં બીજ મોરારસાહેબનાં સંપર્ક થકી વવાયાં હોય તેમ જણાય છે.

કહેવાય છે કે જીવણે સોળ ગુરુ કર્યા હતા. છતાં એમના ભીતરને સમાધાન મળેલું નહિ. છેલ્લે સત્તરમા ગુરુ તરીકે ભીમ ભેટ્યા. તેમણે જીવણના ભીતરને ભેદ્યું અને ભરપૂર કર્યું. પ્રેમલક્ષણા ભક્તિનો રંગ એવો ચડ્યો કે પરમાત્માને સ્વામી તરીકે સ્થાપી તેની દાસી તરીકે પોતે સમર્પિત થઈ ગયા. દાસ જીવણ નહિ, જીવણસાહેબ તરીકે પણ નહિ, પરંતુ દાસીજીવણ તરીકેની ઓળખ સ્થાપિત કરી. સગુણ ભક્તિધારામાં તો એકમાત્ર પરમાત્મા સિવાય બીજો કોઈ પુરુષ છે જ નહિ અને જગતમાં પરમાત્મા સિવાય બીજો કોઈ પુરુષ ન હોય તો જીવણ પોતાને પુરુષ રાખવાનો ધોખો શું કામ કરે ? મિલનની સાચી રીતને જાણી ગયેલો માણસ છે. એ રાધાનો અવતાર ગણાતા. કહેવાય છે કે તેઓ ભજન કરતા ત્યારે તેમનું એવું રૂપ પણ ખડું થતું.

જીવણે વિપુલ ભજનરાશિ આપ્યો છે. પ્રેમલક્ષણાનું ગાન કરતી એમની વાણી ગુજરાતી સાહિત્યની મોટી અને મોંઘી સંપદા છે. પ્રેમલક્ષણા ભક્તિનાં આ પદોનો રંગ, એનો છંદ અને છાપ નિરાળાં છે. જ્ઞાન, યોગ, ગુરુમહિમા, વૈરાગ્યબોધની વાણી તથા પિયાલો, કટારી, બંસરી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી જેવાં રૂપકાત્મક ભજનો એની તાજગી અને ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાને લઈને અમર છે.

હોથી : મોરારસાહેબના શિષ્ય. મુસ્લિમ સંત. નેકનામ ગામે જન્મ. પિતા સિકંદર જીવા સુમરા. ધ્રોળ રાજના સૈનિક. પછીથી જામનગર પાસેના ખંભાળિયામાં ખેતી અને ગામનું રખોપું લીધેલું. ખંભાળિયાના સંત મોરારસાહેબનાં જ્ઞાન, ભક્તિ અને ખાસ તો પ્રેમલક્ષણા વાણીથી હોથી ઘાયલ થયેલા અને તેમનું શિષ્યત્વ ગ્રહણ કરેલું. હોથી પ્રભુભક્તિ, ભજનગાન અને ગુરુભાવમાં નિરંતર લીન રહેતા હતા. મેઘવાળોની વસતિમાં ભજન ગાવા જતા. મુસ્લિમ સમાજ આ ક્યાંથી સાંખી લે ? એમના કુટુંબને નાત બહાર મૂક્યું. પિતા ખિન્ન થયા. કહેવાય છે કે એક દિવસ એમણે ઝેર ઘોળ્યું. હોથીને બોલાવ્યા. કહ્યું કે આપણા બેમાંથી કોઈ એકે આ પીવું પડશે. હોથી તો ગુરુગમ પિયાલાને આકંઠ પી ગયેલો મસ્ત ફકીર હતો. હોથી ઝેર ગટગટાવી ગયા. પછી ખંભાળિયા ખાતે ગુરુદ્વારે ગયા. જીવનલીલા ત્યાં સંકેલાઈ ગઈ. ગુરુના સ્થાનકે જ સમાધિ લીધી. તેમણે પ્રેમલક્ષણા કૃષ્ણભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનાં ઉત્તમ પદ આપ્યાં છે. બારમાસી, ચિંતામણિ, કુંડળિયા, પરજ પ્રકારનાં પદો ઉલ્લેખનીય છે. હિન્દી અને ગુજરાતીના મિશ્ર ભાષાસંસ્કારવાળાં પદો ભાવાભિવ્યક્તિની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે.

દલપત પઢિયાર