રવિગુપ્ત : પ્રાચીન આયુર્વેદિક ગ્રંથલેખક. આજે આયુર્વેદવિજ્ઞાનમાં મૂળ આધારભૂત ગણાતી ‘ચરક’ તથા ‘સુશ્રુત’ સંહિતાઓ રચાયા પછી, ભારતમાં અન્ય વૈદકીય લેખકો દ્વારા અનેક સંગ્રહગ્રંથો લખાયા હતા. જૂનામાં જૂનો સંગ્રહગ્રંથ ‘નાવનીતક’ ઈ. સ. ચોથા શતકમાં લખાયો છે. આ સંગ્રહગ્રંથોમાં વાગ્ભટ્ટપુત્ર તીસટાચાર્યકૃત ‘ચિકિત્સાકલિકા’, તીસટાચાર્યના પુત્ર ચન્દ્રટકૃત ‘યોગરત્નસમુચ્ચય’, માધવાચાર્યકૃત ‘માધવનિદાન’, વૃન્દકૃત ‘સિદ્ધયોગ’, ભોજરાજાકૃત ‘રાજમાર્તંડ’, ચક્રદત્તકૃત ‘ચક્રસંગ્રહ’, બંગસેનકૃત ‘ચિકિત્સાસારસંગ્રહ’, વૈદ્ય સોઢલકૃત ‘ગદનિગ્રહ’ તથા ‘સોઢલનિઘંટુ’ અને રવિગુપ્ત નામના કવિ, વૈદ્ય તથા નૈયાયિક (ન્યાયશાસ્ત્રના પંડિત) કૃત ‘સિદ્ધસારસંહિતા’ અથવા ‘સારસંગ્રહ’ નામના ગ્રંથની ખાસ ગણના થાય છે.

આ વૈદક ગ્રંથની હાથપ્રત નેપાળમાંથી પ્રાપ્ત થઈ છે. રવિગુપ્ત પોતે બૌદ્ધધર્મી વૈદ્ય હતા. ‘અષ્ટાંગહૃદય’(વાગ્ભટ્ટ)ના ટીકાકાર અરુણ દત્તની ‘સર્વાંગસુંદરા’ ટીકામાં રવિગુપ્તના ‘સિદ્ધસાર’ ગ્રંથનો ઉલ્લેખ જોવા મળે છે, જેથી રવિગુપ્ત વાગ્ભટ્ટટીકાકાર અરુણ દત્તના પૂર્વે એટલે કે આઠમા શતકના આરંભમાં થઈ ગયા છે, એવી નોંધ દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ પોતાના ગ્રંથ ‘આયુર્વેદનો ઇતિહાસ’માં કરી છે.

 બળદેવપ્રસાદ પનારા