આચારાંગ સૂત્ર : અંગશાસ્ત્રોમાંનું પ્રથમ અંગશાસ્ત્ર. પ્રાચીન ભારતીય સાહિત્યમાં જૈન આગમોનું અનોખું ગૌરવપૂર્ણ સ્થાન છે. જૈન આગમ સાહિત્ય એ ભારતીય સાહિત્યની અમૂલ્ય ઉપલબ્ધિ છે.
જૈનાગમોમાં પ્રમુખ શાસ્ત્રોને અંગશાસ્ત્ર કહેવામાં આવે છે. તેની સંખ્યા 12ની છે. જેમાં હાલ 11 શાસ્ત્ર છે. 12મા અંગશાસ્ત્રનો વિચ્છેદ થઈ ગયો છે એમ કહેવાય છે. આ અંગશાસ્ત્રોમાં આચારાંગ સૂત્ર પ્રથમ અંગશાસ્ત્ર છે.
આ સૂત્રના બે વિભાગ છે. જેને શાસ્ત્રની પરિભાષામાં શ્રુતસ્કંધ કહેવામાં આવે છે. બંને શ્રુતસ્કંધમાં ક્રમશઃ 916 25 અધ્યયન કહેવામાં આવ્યાં છે. જેમાંથી સાતમું અધ્યયન હાલ નથી, વિચ્છેદ થઈ ગયું છે. તેથી હાલમાં 81624 અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કંધનાં બધાં અધ્યયનોમાં ઉદ્દેશા છે. બીજા શ્રુતસ્કંધના 1થી 7 સુધીનાં અધ્યયનોમાં ઉદ્દેશા છે, બાકીમાં ઉદ્દેશા નથી. ઉદ્દેશાની સંખ્યા અલગ અલગ છે. તે સંખ્યા 2થી લઈને 11 સુધીની છે. બંને વિભાગોના કુલ ઉદ્દેશક 442569 છે. સૂત્રના મોટા વિભાગને શ્રુતસ્કંધ કહેવામાં આવે છે. જેમાં અધ્યયન અને ઉદ્દેશા ક્રમથી વિભાગ અને પ્રતિવિભાગના નામ છે. કોઈ સૂત્રમાં ફક્ત અધ્યયન જ હોય છે. અધ્યયનોની અંદર જ્યાં પ્રતિવિભાગ થાય છે તેને ઉદ્દેશક કહેવામાં આવે છે.
વર્તમાન શાસનપતિ ચરમ તીર્થંકર મહાવીરસ્વામીનાં પાવન પ્રવચનોનું સંકલન ગણધરોએ કરેલું છે. તેથી આગમોના અર્થરૂપના પ્રણેતા તીર્થંકર છે અને સૂત્રરૂપના પ્રણેતા ગણધર છે. તેથી તીર્થંકર પરમાત્માનો ઉપદેશ તે અર્થાગમ અને તે ઉપદેશના આધાર પર થયેલી સૂત્રરચના તે સૂત્રાગમ કહેવાય છે.
અંગશાસ્ત્રોની રચના ગણધરપ્રભુ કરે છે માટે આચારાંગ સૂત્ર ગણધરરચિત છે. વર્તમાનમાં ઉપલબ્ધ 11 અંગ સૂત્ર સુધર્માસ્વામીનાં બનાવેલાં માનવામાં આવે છે, પરંતુ પ્રારંભમાં આ શાસ્ત્ર નામરહિત કેવળ ગણધરરચિત જ કહેવામાં આવે છે. દ્વાદશાંગી બધા ગણધર મળીને બનાવે છે.
આગમો એ સર્વજ્ઞ, સર્વદર્શી વીતરાગ તીર્થંકરોની પવિત્ર વાણીનું સંકલન છે. તીર્થંકર પરમાત્મા ત્રિપદી ઉચ્ચારે – ‘ઉપનેઈવા, વિગમેઈવા અને ધુવેઈવા’. આ ત્રિપદી સાંભળીને ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે.
આ સૂત્ર પર ઘણી વ્યાખ્યાઓ બની છે. વર્તમાનમાં પ્રચલિત પ્રાચીન વ્યાખ્યા શીલંકાચાર્યની મળે છે. તેના આધારે પછીના અનેક આચાર્યોએ જુદી જુદી ભાષાઓમાં વ્યાખ્યાઓ કરી છે. શીલંકાચાર્યની પહેલાં પણ નિર્યુક્ત, ભાષ્ય, ચૂર્ણિ – આ ત્રણ વ્યાખ્યાઓ થઈ છે. તે સર્વે આજે પ્રકાશિત મળે છે.
આ આગમના પ્રથમ વિભાગમાં સાધુ માટે પ્રારંભિક ત્યાગ-વૈરાગ્યનો તથા આધ્યાત્મિક ભાવના વિકાસનો અને દૃઢ વિચારોથી તપ-સંયમ સાધનામાં આગમને આગળ વધવાનો તથા તે સંબંધી સંસ્કારોને પુષ્ટ કરનારો ઉપદેશ છે. બીજા વિભાગમાં સાધુજીવનમાં ઉપયોગી પ્રવૃત્તિ સંબંધી આચારના નિયમ બનાવવામાં આવ્યા છે. જેમ કે આહાર, મનન, વિહાર, વસ્ત્ર, પાત્ર, ભાષા આદિ.
એના સિવાય બંને વિભાગોના અંતમાં ભગવાન મહાવીરસ્વામીના સંયમ સાધના કાળના બનાવોનું વર્ણન છે. બીજા શ્રુતસ્કંધના 15મા અધ્યયનમાં ભગવાન મહાવીરના જન્મનું વર્ણન, પરિવારવર્ણન તથા દીક્ષાવિધિનું વર્ણન આદિ છે.
આ આગમો એ આચાર્યોને માટે અમૂલ્ય નિધિ બની ગયા હોવાથી તેનું બીજું નામ ‘ગણિપિટક’ થયું. ગણિ આચાર્ય અને પિટક પેટી અર્થાત્ સાધુના આચારપાલનના નિયમો જેમાં રહેલા છે તે પેટીરૂપ નિધિ તે દ્વાદશાંગી 12 મૂળ આગમો છે. આચાર્યના આચાર પાળવાની અને પળાવવાની પેટી તે ‘ગણિપિટક’.
આચારપાલન સાધનાનો પ્રાણ છે, મુક્તિનો માર્ગ છે. સૌથી પ્રથમ ક્રમે આવે છે આચારપાલન. આચારપાલન ન થાય તો ધર્મ શુદ્ધ રીતે થઈ ન શકે. તેથી આચારપાલનને પ્રથમ ક્રમે મૂક્યો છે. જીવનશુદ્ધિ અને આચારશુદ્ધિની સમજણ પ્રાપ્ત કરવા ઇચ્છતા પ્રત્યેક સાધક સાધુ તથા શ્રાવક માટે આચારાંગ સૂત્ર મહાન ઉપકારક છે.
કનુભાઈ શાહ