નેપાળી કળા : નેપાળની પરંપરાગત ચિત્રકળા અને શિલ્પકળા.

નેપાળ મધ્યયુગમાં મુસ્લિમ આક્રમણોથી મહદ્ અંશે બચી ગયું તેના પરિણામે ત્યાંની બૌદ્ધ અને હિન્દુ કળાની પરંપરા બચી ગઈ તથા ઘણી હસ્તપ્રતો ભારતમાંથી લુપ્ત થઈ ગઈ તે તિબેટ કે નેપાળના મઠોમાં સચવાઈ રહી.

નેપાળમાં સૌથી પ્રાચીન કળાના નમૂના લિચ્છવી રાજવંશ દરમિયાન (ચોથીથી નવમી સદી દરમિયાન) મળી આવે છે. એ દરમિયાન નેપાળનો સંબંધ વાયવ્ય ભારતના કુષાણ સામ્રાજ્ય સાથે ગાઢ હતો અને નેપાળમાં શક સંવતનો ઉપયોગ વ્યાપક હતો. આ સમયનું ‘કાલીય નાગદમન’ શિલ્પ ઘણું ઉત્કૃષ્ટ છે. માનવીનાં ધડ અને ચહેરો ધરાવતા કાલીય નાગ ઉપર બાળકૃષ્ણ ચઢીને સંહાર કરતા નજરે ચડે છે. ક્રૂર મનોભાવો ધરાવતા કૃષ્ણના ચહેરામાં નેપાળી પ્રજાનાં જાતિગત લક્ષણો સ્ફુટ થાય છે. હનુમાન ઢોકલા મહેલમાં એક ખુલ્લા કુંડમાં આ શિલ્પને અડધે સુધી પાણીમાં ડુબાડીને ગોઠવવાથી યમુના નદીમાં કૃષ્ણે કરેલી લીલા અદભુત  તાદૃશ રચે છે. આ જ પ્રમાણે બુધાનીકંઠ મહેલમાં એક કુંડમાં શેષનાગ ઉપર સૂતેલા વિષ્ણુનું શિલ્પ પણ જલગત હોવાથી અત્યંત વાસ્તવિક દેખાય છે. સાચુકલા જળનો નેપાળી શિલ્પીઓએ અત્યંત ચાતુરીપૂર્વક ઉપયોગ કર્યો છે.

નેપાળી શિલ્પ ઉપર પૂર્વ ભારતની પાલ અને સેન શિલ્પશૈલીઓની અસર હોવા છતાં નેપાળી શિલ્પમાં માનવઆકૃતિ વધુ ચપળ દેખાય છે અને સ્નાયુઓને સહેજ પણ ઉપસાવ્યા નથી. તેરમી સદી સુધી તો અહીં ત્રિભંગ સાથેની શારીરિક લચક પણ શિલ્પમાં જોવા મળતી નથી. મથુરા શૈલીને મળતી આવતી શૈલીમાં બુદ્ધ, બોધિસત્ત્વ, વિષુગુના વરાહાવતાર તથા બુદ્ધના અમિતાભ અવતારની ઘણી મૂર્તિઓ નેપાળમાં ઘડાઈ. પંદરમી સદીમાં શમ્સુદ્દીન ઇલ્યાસના આક્રમણ પછી નેપાળના રાજા સ્થિતિમલ્લે બૌદ્ધ ધર્મ ત્યાગીને હિન્દુ ધર્મ અપનાવ્યો અને નેપાળમાં બૌદ્ધ અને હિન્દુ ધર્મો મિશ્ર રૂપે ટકી રહ્યા. આ દરમિયાન ગરુડ પર આરૂઢ વિષ્ણુ શિલ્પીઓનો પ્રિય વિષય બન્યો. તેના અગણિત દાખલાઓમાં ગરુડનું મુખ અચૂક દસ-બાર વર્ષના નેપાળી તરુણ-કિશોર જેવું હોય છે. ચાન્ગુ નારાયણ મંદિરમાં આનો એક ઉત્તમ નમૂનો હયાત છે. ફાર્પિન્ગ ખાતે વામનરૂપ વિષ્ણુ ત્રીજું ડગલું ભરતાં વિરાટ રૂપ ધારણ કરીને પગ લંબાવે છે તે ક્ષણનું અર્ધમૂર્ત શિલ્પ છે. એ તેરમી સદીમાં કંડારવામાં આવેલું. ઉપરાંત સૂર્યદેવ અને લક્ષ્મીવિષ્ણુ યુગલની ઘણી પ્રતિમાઓ મળી આવી છે.

નેપાળમાં બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનો પ્રભાવ વધ્યો તેના પ્રતાપે તંત્રવાદ ફાલ્યોફૂલ્યો, જેને હિન્દુ ધર્મે ઉત્તેજન પૂરું પાડ્યું. પછીથી બૌદ્ધ ધર્મના વજ્રયાન સંપ્રદાયે પણ તંત્રવાદને ટેકો આપ્યો. પરિણામે જે પરિવર્તનો આવ્યાં તેમાં શાક્યમુનિ બુદ્ધના સ્થાને ચતુર્દિશાના અધિષ્ઠાતા બુદ્ધની આરાધના શરૂ થઈ. ધ્યાનમુદ્રામાં બેઠેલા આ ધ્યાની બુદ્ધની આરાધના લોકચિત્તમાં પ્રસ્થાપિત થઈ અને બોધિસત્ત્વના નારીરૂપમાં શક્તિસ્વરૂપ સમાવેશ પામ્યું.

નેપાળી શિલ્પકલા અને ચિત્રકલાના આકૃતિવિધાનમાં ભારતીય અંગભંગિઓ અને હસ્તમુદ્રાઓ સાથે ચીની રંગઆયોજન અને ગતિમયતાનું સંયોજન થયું. શક્તિ અને સંવરદેવના સંભોગમુદ્રાનાં રહસ્યમય રૌદ્ર સ્વરૂપો રચાયાં, જેમાં પ્રતિમાઓમાં અલંકારોની પ્રચુરતા વધી અને તેમાં નીલમ, માણેક જેવા કીમતી પથ્થરો પણ જડવામાં આવતા.

પાડોશી રાજ્યના તિબેટના પ્રભાવને કારણે નેપાળની ભાષા, સ્વભાવ અને શારીરિક લાક્ષણિકતાઓમાં તિબેટી અંશો જોવા મળે છે. બુદ્ધનું જન્મસ્થળ લુંબિની નેપાળમાં આવેલું છે. બુદ્ધ તથા સમ્રાટ અશોકે નેપાળયાત્રા કર્યાના અહેવાલો છે, તેથી બૌદ્ધ પરંપરાનાં મૂળ હાલ મળતી કૃતિઓ કે ઇમારતોની સમયગણના કરતાં વધુ ઊંડાં હોવાનું મનાય છે.

પ્રાચીન ઇમારતોમાં ભટગાંવના સ્વયંભૂનાથ અને બોધનાથના સ્તૂપોની ગણના થાય છે. આમાં ચોરસ પીઠિકા પર  ઊંધી તાંસળી જેવા ગોળાકાર પર નાની ચોરસ હાર્મિકા અને એના પર સ્વર્ગનાં 13 પગથિયાં દર્શાવતા સ્તંભાકારની માંડણી શિખરના કળશ અને ધ્વજારોહણના ઘટકો નીચે થાય છે. હર્મિકાના ચોરસ આકાર પર ચતુર્દિશાના ધ્યાની બુદ્ધની વિશાળ આંખો હાથીદાંત ધાતુ અને કીમતી પથ્થરમાં જડેલી હોય છે અને ચોમેરના વિશ્વનું અવલોકન કરતી આલેખાય છે, તે નેપાળી સ્તૂપની આગવી ખાસિયત છે. સ્વયંભૂનાથના સ્તૂપમાં મથાળે 13 સ્વર્ગ સૂચવતી 13 છત્રીઓ છે અને સ્તૂપની ફરતે અર્ધમૂર્ત શિલ્પોમાં રહસ્યબુદ્ધો અને વૈરોચનની પ્રતિમાઓ છે.

અગત્યની અન્ય  ઇમારતોમાં લાકડાનાં બનેલાં પિરામિડ આકારનાં ઉપરાછાપરી છતવાળાં હિન્દુ મંદિરો છે. એ પ્રકારની છત રચના કાશ્મીરનાં મંદિરોમાં હતી, પણ એમાં ચીની પૅગોડાની અસર જોવામાં આવે છે. શિખર પર શિખર કે છત્ર પર છત્ર જેવી આકાશગતિ કરતાં મંદિરોમાં સૌથી વધુ પ્રભાવક 1703માં બંધાયેલું ભટગાંવનું ભવાની મંદિર છે. અહીં ઇમારતની તીવ્ર સીમારેખાઓ અને છતની છેડેના સતેજ વળાંકો ઉડ્ડયનનું સૂચન કરે છે. દર્શકને ભારવિહીનતાનો ભ્રમ થાય છે. પાટણના કૃષ્ણમંદિરમાં બહાર ખુલ્લામાં સળંગ પથ્થરમાં કોતરેલ વિશાળ મહાસ્તંભ પર બિરાજેલા રાજા ભૂપતિપાલની કાંસ્ય મૂર્તિ જેવા નમૂના ભારતમાં ભાગ્યે જ બચ્યા છે.

નેપાળી મૂર્તિવિધાનમાં કાંસ્ય પ્રકાર વધારે ખીલ્યો. કાંસાની સપાટી પર સોનેરી ઢોળ અને અલંકારોમાં નીલમ જેવા કીમતી પથ્થરો જડવાનું પ્રચલિત હતું. બૌદ્ધ દેવી તારાનું પ્રતિમા વિધાન ભારતીય હોવા છતાં એની દેહમુદ્રા અને મુખવિન્યાસમાં નેપાળી વિલક્ષણતા પ્રકટે છે. તેની અલંકારપ્રચુરતા અને ખાસ તો કીમતી પથ્થરોનું જડતર સૌથી વધુ ધ્યાન ખેંચે છે. આ પ્રચુરતા મૂર્તિઓ ઉપરાંત ચૈત્યો વિહારોની સામગ્રીનાં પાત્રોનાં ઘાડ-ઘડતરમાં પણ અજમાવાઈ છે. વિશાળ ચક્રાકાર પાત્રોનાં વિગતપ્રચુર સુશોભિત અર્ધમૂર્ત શિલ્પોમાં એકસાથે ઘણી વિગતો સમાવી છે. વજ્રાકાર સાથે તંત્રનાં ધ્યાનમંડળના નકશા આકારનાં રૂપ અને બુદ્ધ, બોધિસત્ત્વ, વૈરોચન અને તારાની પ્રતિમાઓ પણ એમાં જોવા મળે છે.

ચિત્રોમાં પોથી કળાનાં લક્ષણો નેપાળી શૈલીમાં જુદાં રૂપ ધારણ કરે છે. પૂર્વ ભારતની પાલ પરંપરાએ નેપાળમાં  આગવો વિકાસ કર્યો.  ફરફરતાં વસ્ત્રના છેડાઓ દ્વારા ગતિનો નિર્દેશ જોવા મળે છે. સંસારની યાતના નીરખી કૃપાળુ અમિતાભે સારેલાં આંસુમાંથી જન્મેલી દેવી તારાને નેપાળી ચિત્રકારોએ વારંવાર આલેખી છે. એની આકૃતિમાં સ્વસ્થતા અને ડોલન વચ્ચેનું સંતુલન આગવી છટા પ્રકટાવે છે.

ભીંતચિત્રો કરતાં પોથીચિત્રો અને પટચિત્રો અહીં વધુ ચિતરાયાં છે. છેક બારમી સદીનાં વજ્રપાણિ અને પ્રજ્ઞાપારમિતાનાં લઘુચિત્રો મળી આવ્યાં છે, જે તાડપત્રો પર ચિતરાયેલાં છે. પૂર્વ ભારતમાં પાલ-સેન લઘુચિત્ર પરંપરા તેરમી સદીમાં લુપ્ત થઈ, પણ નેપાળમાં એ પરંપરા ઓગણીસમી સદી સુધી ચાલુ રહી. તેમાં અજંતાનાં ચિત્રો જેવી ત્રિભંગ અંગભંગિ જોવા મળે છે અને તેથી લાવણ્ય સ્ફુટ થાય છે. નેપાળનાં પટચિત્રોમાં પણ આ લક્ષણ જોવા મળે છે.

આ રીતે ઉત્કૃષ્ટ નમૂના છેક ઓગણીસમી સદી સુધી ચીતરવા ચાલુ રહ્યા. નેપાળી ચિત્રકળા યુરોપિયન અને ઈરાની ચિત્રકળા જેવા વિદેશી પ્રભાવોથી મુક્ત રહી.

અમિતાભ મડિયા