નેપાળવિગ્રહ (1814–16) : બ્રિટિશ હિંદ અને નેપાળ વચ્ચે થયેલો વિગ્રહ. ગવર્નર જનરલ લૉર્ડ હેસ્ટિંગ્ઝના શાસનકાળ (1813–23) દરમિયાન નેપાળવિગ્રહ થયો હતો. લૉર્ડ હેસ્ટિંગ્ઝે ભારતમાં બિનદરમિયાનગીરીની નીતિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. પણ દેશની વાસ્તવિક પરિસ્થિતિ જોતાં ચોતરફ ભયનું વાતાવરણ લાગતાં તેણે દરમિયાનગીરીની નીતિ અપનાવી.

નેપાળના ગુરખાઓનું પૂર્વમાં ભુતાનથી પશ્ચિમમાં સતલજ સુધીના સમગ્ર ડુંગરાળ પ્રદેશમાં પ્રભુત્વ હતું. તેઓ અવારનવાર ભારતના પ્રદેશોમાં હુમલા કરતા હતા. તેમણે બંગાળના ગવર્નર જનરલોની બિનહસ્તક્ષેપની નીતિનો લાભ લઈને બ્રિટિશ હકૂમતવાળાં ગામડાં કબજે કરી લીધાં હતાં. તેમણે આ પ્રદેશો અંગ્રેજોને આપવાનો ઇન્કાર કર્યો. વળી નેપાળ અને બ્રિટિશ સત્તાની અસર નીચેના પ્રદેશો વચ્ચેની સરહદ નિશ્ચિત ન હતી. તેથી લૉર્ડ હેસ્ટિંગ્ઝે નેપાળ પાસેથી પોતાના પ્રદેશો પાછા મેળવવા માટે 1લી નવેમ્બર, 1814ના રોજ યુદ્ધ શરૂ કર્યું.

નેપાળના ગુરખાઓનું લડાયક ખમીર અપ્રતિમ હતું. વળી નેપાળના પર્વતાળ પ્રદેશમાં લડાઈ માટેની વ્યૂહાત્મક પદ્ધતિ ગોઠવવી પણ મુશ્કેલ હતી. તેમ છતાં લૉર્ડ હેસ્ટિંગ્ઝે ચડાઈ માટેની વિસ્તૃત યોજના ઘડી કાઢી હતી. પણ તેને ખોટી રીતે અમલમાં મૂકવામાં આવી, જેથી આ લડાઈમાં અંગ્રેજોના પક્ષે સેનાપતિ ગિલેસ્પી માર્યો ગયો. જનરલ માર્ટિન્ડેલ, જનરલ વૂડ અને જનરલ માર્લેને ગુરખાઓ સાથેની લડાઈઓમાં ધારી સફળતા ન મળી. એમ છતાં કર્નલ ઑક્ટરલોનીએ કુનેહ વાપરતાં સફળતા હાંસલ થઈ. કાઠમંડુમાંની રાજ્યપાલક સમિતિએ ઈ. સ. 1816માં શાંતિસંધિ કરી. જોકે શક્તિશાળી ગુરખા સરદાર અમરસિંહની સલાહથી ફરી બંને વચ્ચે યુદ્ધ થયું. પણ અંગ્રેજોએ અમરસિંહને હરાવી અલમૌડા કબજે કર્યું. એ પછી બંને વચ્ચે માર્ચ, 1816માં સગોલીની સંધિ થઈ.

સગોલીની સંધિથી નેપાળે દક્ષિણ સરહદ પરના તરાઈના ભાગ પરનો પોતાનો દાવો જતો કર્યો. તેમણે ગઢવાલ અને કુમાઉંના પ્રદેશો પણ અંગ્રેજોને સોંપી દીધા. તેથી અંગ્રેજો સિમલાનો પ્રદેશ મેળવી શક્યા અને ભારતને હવા ખાવાનાં સારાં સ્થળ પ્રાપ્ત થયાં. ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદ પર્વતીય પ્રદેશોથી બંધાઈ ગઈ. તરાઈનો પશ્ચિમ ભાગ અવધને અપાયો અને પૂર્વનો ભાગ નેપાળ પાસે રહેવા દેવામાં આવ્યો. કાઠમંડુમાં અંગ્રેજ રેસિડન્ટ રાખવાનું નેપાળે સ્વીકાર્યું, પણ જેવી શાંતિ સ્થપાઈ કે તરત જ તરાઈનો મોટોભાગ નેપાળને પાછો સુપરત કરવામાં આવ્યો અને એ દ્વારા લૉર્ડ હેસ્ટિંગ્ઝે નેપાળ સાથે મિત્રતાભર્યા સંબંધો બાંધ્યા. ત્યારબાદ 1816થી નેપાળ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યા. વળી ભારતના લશ્કરમાં પણ ગુરખા સૈનિકોની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી. તેમજ અન્ય જગ્યાઓ પર પણ તેમની નિયુક્તિ કરવામાં આવી. આમ 1816ની સગોલીની સમજૂતીએ ભારત અને નેપાળ વચ્ચે કાયમી મિત્રતા સ્થાપી તથા ભારતીય લશ્કરને બહાદુર તથા ખડતલ ગુરખા સૈનિકોની સેવાઓ મળી.

અંજના શાહ