મહેતા, ધીરજલાલ (જ. 27 એપ્રિલ 1936; અ. 22 એપ્રિલ 2024) : જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સમાજસેવક.

કૉર્પોરેટ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એમનું યોગદાન – વિશેષ કરીને ગ્રામ્ય ભારતમાં ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે સમર્પિત જીવન-કટોકટીના વિરોધમાં જયપ્રકાશજીના આંદોલનમાં સક્રિય.

સીડનહામ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઝ ઇન્સ્ટિટ્યૂટના ફેલોમેમ્બર–બજાજ ગ્રૂપ અને મુકુન્દ લિ.માં ડાયરેક્ટર કૉર્પોરેટ લૉ, ટૅક્સેશન અને ફાઇનાન્સ-ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રના પ્રખર નિષ્ણાત. મહાત્મા ગાંધી સ્થાપિત કસ્તુરબા હેલ્થ સોસાયટીના પ્રમુખપદે પાંત્રીસ વર્ષ સેવા આપી. આ ઉપરાંત કસ્તુરબા ગાંધી નૅશનલ મેમોરિયલ ટ્રસ્ટ, ઇંદોરના ટ્રસ્ટી. છ વર્ષ ઉપાધ્યક્ષ અને બાર વર્ષ અધ્યક્ષપદે રહ્યા. બાળકો અને મહિલાઓના લાભાર્થે સમર્પિત શિવાનંદ મિશન – આશ્રમ, વીરનગર(રાજકોટ)ના પ્રમુખ. આંખ સારવારની શિબિરોમાં આઠ લાખ ઑપરેશન થયાં. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ અને બૃહદ ભારતીય સમાજના અધ્યક્ષ – ગાંધી પીસ ફાઉન્ડેશન, જમનાલાલ બજાજ ફાઉન્ડેશન, મણિભવનના ટ્રસ્ટી – ભારતીય વિદ્યાભવનના ડાયરેક્ટર તરીકે સેવા આપી – ગૂજરાત વિદ્યાપીઠ, નંદીગ્રામ ટ્રસ્ટ, સેવાગ્રામ આશ્રમ પ્રતિષ્ઠાન(વર્ધા)ને સેવા આપી.

દર મહિને જાહેર હિતના વિષયોની બે પુસ્તિકા પ્રસિદ્ધ કરનાર પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીપદે રહ્યા. અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટમાં જીવનભર સેવા આપી. શિવાનંદ મિશન, નવજીવન અને પરિચય ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠ, ભારતીય વિદ્યાભવનને એમનું માર્ગદર્શન મળ્યું હતું.

‘દેશ દર્શન અને માર્ગદર્શન’ તથા ‘ગાંધીજન તો આને રે કહીએ’ – બે પુસ્તકો માતૃભાષા ગુજરાતીમાં અને અંગ્રેજી ગ્રંથ ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ના સહલેખક છે.

કુન્દન વ્યાસ