સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર – શાર (SDSC-SHAR)
May, 2025
સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર-શાર ( (Satish Dhawan Space Centre–SDSC-SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં લગભગ 100 કિમી દૂર આવેલા આંધ્રપ્રદેશના ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર. ભારતના પૂર્વ કિનારા પર આવેલો શ્રી હરિકોટા ટાપુ ચારે બાજુથી પુલિકટ સરોવર અને બંગાળના અખાતથી ઘેરાયેલો છે. શરૂઆતમાં આ મથક શ્રીહરિકોટા રેન્જ (SHAR) તરીકે ઓળખાતું હતું. 1972થી 1984 સુધી ઇસરોના અધ્યક્ષ રહેલા ડૉ. સતીશ ધવનની (1920-2002) યાદમાં 5 સપ્ટેમ્બર, 2002ના રોજ શારનું નામ ‘સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર-શાર’ રાખવામાં આવ્યું.
ડૉ. વિક્રમ સારાભાઈ (1919-1971)ના નેતૃત્વમાં 1962માં આપણા દેશે અંતરિક્ષ ટૅક્નૉલૉજી અને તેના ઉપયોગો ક્ષેત્રે પદાર્પણ કર્યું. પ્રક્ષેપણમથકના (Launch Pad) ઠેકાણા માટેનાં વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને 1969માં શ્રીહરિકોટા ટાપુને ઉપગ્રહ-પ્રક્ષેપણ-મથક (Satellite Launching Station) માટે પસંદ કરવામાં આવ્યો. RH -125 સાઉન્ડિંગ રૉકેટના સફળ પ્રક્ષેપણથી આ કેન્દ્ર 9 ઑક્ટોબર, 1971ના રોજ કાર્યરત થયું. આ કેન્દ્રમાં ઉપગ્રહ અને પ્રક્ષેપણયાન અભિયાન માટેની વિવિધ મુખ્ય સુવિધાઓ આ મુજબ છે :
પ્રક્ષેપણમથકો (Launch Pads) : નિમ્ન ભૂકક્ષા અને ભૂસ્થિત કક્ષાના અભિયાનોને માટે બે પ્રક્ષેપણમથકો છે. એક પ્રક્ષેપણમથક સાઉન્ડિંગ રૉકેટના પ્રક્ષેપણ માટે છે. આગામી પેઢીના વિશાળકાય પ્રક્ષેપણયાનને અનુરૂપ નવા પ્રક્ષેપણમથકના નિર્માણ માટે ચક્રો ગતિમાન થઈ ગયાં છે અને તે 2029 સુધીમાં કાર્યાન્વિત થઈ જવાની અપેક્ષા છે.
પ્રક્ષેપનયાનને જોડવું (assemble) અને તેનું સંકલન કરવું (integration) : પ્રક્ષેપણ પહેલાં અંતરિક્ષયાનોના જુદા જુદા ભાગોને જોડીને સંકલિત કરવા અને ઉપગ્રહ સાથે યાનને સંકલિત કરવાની સુવિધા અહીં છે. ઉડ્ડયન પહેલાંનું યાનનું પરીક્ષણ પણ અહીં થાય છે.
પ્રણોદક (propellant) પ્રક્રિયા અને પરીક્ષણ : પ્રક્ષેપણયાનમાં વપરાતા ઘન પ્રણોદક બનાવવાનું એક કારખાનું SDSC-SHAR પરિસરમાં આવેલું છે. પ્રવાહી પ્રણોદકના સંગ્રહ માટે જરૂરી વ્યવસ્થા પણ અહીં છે. ઘન પ્રણોદક ઉપયોગમાં લેતી મોટરનું નિર્માણ તથા તેનાં કેટલાંક પરીક્ષણો અહીં થાય છે.
પ્રક્ષેપણ સંચાલન (Range Operations) : પ્રક્ષેપણના સંપૂર્ણ સંચાલન માટે ટેલિમેટ્રી, ટ્રૅકિંગ અને કમાન્ડ નેટવર્ક જેવી જરૂરી સુવિધાઓથી મિશન કંટ્રોલ સેન્ટર સજ્જ છે. તે પ્રક્ષેપણના નિરીક્ષણ અને નિયંત્રણ માટે મહત્ત્વપૂર્ણ છે.
ઉપગ્રહ સંકલન : અહીંની SP1-B સુવિધા ખાતે પ્રમોચન માટેનો ઉપગ્રહ આવે છે અને તેનું પરીક્ષણ થાય છે. SP1-B ખાતેની આ સુવિધા ભૂમિગત ઉપકરણો માટે પણ છે. SP2-B તરીકે ઓળખાતી સુવિધા ખાતે પ્રણોદક ભરવાની તેમજ પ્રક્ષેપણયાન સાથે ઉપગ્રહના સંકલનનું સંચાલન થાય છે.
ઇસરોનાં મહત્ત્વાકાંક્ષી અભિયાનો જેવાં કે ચન્દ્રયાન, મંગળયાન, આદિત્ય L1 અને અંતરિક્ષ વેધશાળા એક્સપો સેટ માટેનાં પ્રક્ષેપણો અહીંથી થયાં છે. જાન્યુઆરી 2025 સુધીમાં અહીંથી 100 પ્રક્ષેપણયાનોનાં ઉડ્ડયનો થયાં છે. અગાઉથી રજિસ્ટ્રેશન કરાવીને લોકો વ્યૂ ગૅલરીમાંથી પ્રક્ષેપણયાનના ઉડ્ડયનના સાક્ષી બની શકે છે. આ સુવિધા 1 એપ્રિલ, 2019ના દિવસે પ્રક્ષેપણયાન PSLV-C45ના ઉડ્ડયનથી શરૂ કરવામાં આવી છે. અંતરિક્ષ ટૅક્નૉલૉજી ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવતા એક સંગ્રહાલયના નિર્માણની પણ અહીં યોજના છે.
પરંતપ પાઠક
ચિંતન ભટ્ટ