વાડિયા, હોમી (જ. 22 મે 1911, સૂરત; અ. 10 ડિસેમ્બર 2004, મુંબઈ) : ભારતીય સિનેમાના આગવી હરોળના નિર્માતા – દિગ્દર્શક.
હોમી વાડિયાએ શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી કૉલેજનું શિક્ષણ લીધું પણ તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ફિલ્મ સાથે જોડાશે, પરિણામે એમણે એમના ભાઈ જેબીએચ વાડીયાની સાથે મળીને 1933માં ફિલ્મનિર્માણ માટેની કંપની વાડિયા મૂવીટોનની સ્થાપના કરી હતી જેના તેઓ કો-ફાઉન્ડર હતા. જેના બૅનર હેઠળ એમણે કેટલીક ફિલ્મોનાં નિર્માણ અને દિગ્દર્શન પણ કરેલાં હતાં. વાડિયા મૂવીટોન બંધ પડવાથી એમણે બસંત પિક્ચર્સની સ્થાપના 1942માં કરી હતી. તે સમયની અભિનેત્રી ફિયરલેસ નાદીયા સાથે એમણે 1961માં લગ્ન કરેલાં.
હોમી વાડિયાએ 40 જેટલી ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કરેલું. એમાં ઉલ્લેખનીય તેવી ‘હન્ટરવાલી’ (1938), ‘મિસ ફ્રન્ટલાઇન મેઇલ’ (1936), ‘ડાયમંડ ક્વીન’ (1940), ‘શ્રી રામભક્ત હનુમાન’ (1948) અને ‘હાતીમતાઈ’ (1956) મહત્ત્વની છે.
અભિજિત વ્યાસ