વાડી પાર્શ્ર્વનાથ મંદિર

January, 2005

વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા પાટણમાં લાવી, કુંવરજીએ બંધાવેલ ઝવેરીવાડાના મંદિરમાં સ્થાપવામાં આવી; તેથી તેનું નામ ‘વાડીપુર પાર્શ્ર્વનાથ’ પડ્યું એમ લાગે છે. કુંવરજી શાહે બંધાવેલ મંદિરની વિસ્તૃત નોંધ અને ચિત્રો બર્જેસે ‘આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ નૉર્ધર્ન ગુજરાત’માં આપ્યાં છે. તેમાંથી જાણવા મળે છે કે આ એક અપૂર્વ કલાકારીગરીવાળું ભવ્ય જિનાલય હતું; જેનો મંડપ કાષ્ઠનો બનાવેલો હતો. તેમાં શિલ્પશાસ્ત્રના નિયમો અનુસાર અદભુત કોતરણી કરવામાં આવી હતી. આ મંદિરનો મંડપ 3.3 મીટર(11 ફૂટ)ના ઘેરાવાનો હતો અને તેને 12 સ્તંભો હતા. આખો મંડપ કાષ્ઠશિલ્પનો બનાવતાં સ્તંભોમાં શાસ્ત્રીય નિયમે કુંભી સ્તંભ અને શિરાવટી, કીચકો વગેરે કોતરેલાં હતાં. સ્તંભોની ઊંચાઈ 3.4 મીટર હોઈ તેની ચારે બાજુ કાષ્ઠનાં હિંદોલક, મદલ વગેરે કલાકૃતિવાળાં તોરણો બનાવ્યાં હતાં. તે મંડપ ઉપરનું વિતાન તો જાણે પાષાણના બીજા ઘુંમટોની અનુકૃતિ કરવામાં આવી હોય તેવું લાગતું હતું.

વાડી પાર્શ્ર્વનાથ મંદિર

પાટણના વાડી પાર્શ્ર્વનાથના મંદિરની રચના સમયે સ્થાપત્યના ભાગ રૂપે વિવિધ પ્રકારનાં સુંદર શિલ્પોથી શોભિત ઘુંમટવાળો લાકડાનો કલાત્મક મંડપ ઊભો કર્યો હતો. તે આજે ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ મંડપ તત્કાલીન કાષ્ઠશૈલીનો શ્રેષ્ઠ નમૂનો છે. એના ઘુંમટમાં શોભતાં શિલ્પોમાં ઉદિત પ્રકારની સુંદર કોતરણીવાળી પદ્માકાર છત, ઘુંમટમાં ફરતાં સુરસુંદરીઓનાં આઠ મદલ-શિલ્પો અને અષ્ટદિક્પાલોનાં શિલ્પ દેખાય છે. વળી ઝરૂખાનું કલામય તોરણ, એના ઉત્તરાંગ પર પદ્માસનસ્થ તીર્થંકર, બે સેવિકાઓ તેમજ નીચેના ભાગમાં ગજલક્ષ્મી તથા સુરસુંદરીઓ અને નૃત્યાંગનાઓ, મંડપના ગવાક્ષોમાં દેવ-દેવીઓનાં શિલ્પ વગેરેનો પણ આ મંદિરમાં સમાવેશ થાય છે. મંડપનાં આ શિલ્પ ગુજરાતી કલાના જીવંત નમૂનારૂપ છે. દરેક શિલ્પમાં જીવંતતા અને ગતિશીલતા અનુભવાય છે.

જયકુમાર ર. શુક્લ