વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ
February, 2025
વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ : આસ્થા, એકતા અને ઊર્જાનું ધામ – મંદિરની સાથે અનેકવિધ સેવાકીય અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરતું સેવાભાવી કેન્દ્ર. આ કેન્દ્રનું હાર્દ છે – ઉમિયામાતાનું મંદિર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ કેન્દ્ર અમદાવાદના જાસપુરમાં આકાર લઈ રહ્યું છે. અહીં કુલ 100 વીઘા જમીનમાં રૂ. 2000 કરોડના ખર્ચે મા ઉમિયાનું વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચું મંદિર સ્થાપિત થઈ રહ્યું છે. હાલ મા ઉમિયાના આ મંદિરના 504 ફૂટ ઊંચા ગગનવિહારના બાંધકામની કામગીરી સાથે તેના 1551 પાયાના પિલરનું કામ પૂર્ણ થઈ ગયું છે.
આ ફક્ત તીર્થધામ નથી. અહીં મંદિરની સાથે અનેક પ્રકારની શૈક્ષણિક, સામાજિક અને લોક-કલ્યાણની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે, જે હાલ અઢળક આવક ધરાવતાં મોટા ભાગનાં મંદિરો દ્વારા કરવામાં આવતી નથી. ફાઉન્ડેશનનો ઉદ્દેશ સ્પષ્ટ છે – મંદિરના માધ્યમથી સમગ્ર સમાજ માટે વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવી. અહીં મા ઉમિયાનું આસન જમીનથી 51 ફૂટ ઊંચું હશે. તેની સાથે મહાદેવજીનું પારાનું શિવલિંગ અને ભગવાન શ્રી ગણેશજી અને તેમના રક્ષક કાળભૈરવ પણ હશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ISO 9001:2015 પ્રમાણિત છે. અહીં અત્યાધુનિક ટૅક્નિકલ પદ્ધતિઓથી મંદિરનું બાંધકામ અને મંદિરની ધજા બદલવા હાઇડ્રો મિકૅનિકલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. 300 ફૂટની ઊંચાઈ પર વ્યૂ ગૅલરી હશે, જ્યાંથી આસપાસનો સમગ્ર વિસ્તાર જોઈ શકાશે. મુખ્ય ખંડમાં એકસાથે પાંચ હજાર ભક્તો માતાજીનાં દર્શન કરી શકે એવી ખાસ સુવિધા કરીને વિકલાંગ અને વૃદ્ધો માટે એસ્કેલેટર અને લિફ્ટ સાથેની વ્યવસ્થા હશે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લૉર પર બે એસી સત્સંગ હૉલ હશે. યાત્રાળુઓ અને દર્શનાર્થીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા તથા ખરીદી માટે હાયપર માર્કેટ હશે.
વિશ્વમાં પહેલી વાર સ્પેશિયલ લાઇટિંગ ફેક્ટ્સ દ્વારા આઠમ, પૂનમ, અગિયારસ અને રાષ્ટ્રીય તહેવારોમાં અલગ અલગ પ્રકારની રોશનીથી મંદિર ઝળહળતું થશે. મંદિર પર સોનાનો કળશ હશે. વળી અહીં પાટીદારોના ઇતિહાસનું ભવ્ય મ્યુઝિયમ બનશે. તેમાં પાટીદારોની ભવ્ય ઐતિહાસિક ગાથા અને મહાનુભાવો વિશે જાણકારી આપવામાં આવશે. મંદિરની આસપાસ જળાશય આકાર લેશે તથા આ સંકુલ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ ઊર્જાથી સંચાલિત હશે.
હાલ આ સંસ્થામાં ઉમા લગ્ન સંસ્કાર યોજના, ઉમા પ્રસાદમ (નિઃશુલ્ક ભોજનાલય), ઉમા છત્ર યોજના (રક્ષાકવચ), ઉમા સૃષ્ટિ (મુખપત્ર – માસિક પુસ્તિકા), વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ (VUFICS), IAS-IPS એકૅડેમી, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ, ઉમિયા અદાલત જેવી પ્રવૃત્તિઓ કાયમી ધોરણે શરૂ થઈ ગઈ છે. હાલ આ કેન્દ્રના પ્રમુખ શ્રી આર. પી. પટેલ છે.
કેયૂર કોટક