વિશ્વકપ (વર્લ્ડકપ) : એ નામે પ્રયોજાતી કેટલીક રમતોની સ્પર્ધાઓ. વિશ્વવ્યાપી ધોરણે સામાન્ય રીતે પ્રતિ ચાર વર્ષે વિવિધ નગરમાં તે પ્રયોજાય છે. એમાં ભાગ લેનારા દેશો મુખ્યત્વે યુરોપ તથા તેમણે સ્થાપેલી અમેરિકી વસાહતોના છે. ઑસ્ટ્રેલિયા આખો ખંડ પ્રારંભથી બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હોવાથી તથા ત્યાંની અને ન્યૂઝીલૅન્ડની વસ્તી મૂળ બ્રિટનની હોવાથી તે દેશો પણ ભાગ લે છે. એશિયા તથા આફ્રિકાના દેશોમાંથી જૂજ દેશો તેમાં ભાગ લે છે. તેમાં જાપાન તથા કોરિયા જેવા પશ્ચિમી પ્રભાવવાળા દેશો તથા પૂર્વે યુરોપીય સામ્રાજ્યના જે ભાગ હતા તેવા દેશો જોડાય છે. ઉદા., વિશ્વમાં 254 દેશો છે; પણ વિશ્વકપ ક્રિકેટમાં તેના પાંચ ટકા પણ ભાગ લેતા નથી. તેમાં પૂર્વેના બ્રિટિશ ઇન્ડિયાના એકના સ્થાને હવે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર – એમ પાંચ દેશો ગણાય છે. એ જ રીતે બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા હવે કૅન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા  એમ ત્રણ દેશો છે. અમેરિકી ખંડોમાંના પૂર્વેનાં બ્રિટિશ સંસ્થાનોમાં કેવળ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓનું જૂથ એક સ્પર્ધક રૂપે ભાગ લે છે.

1983ની ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધામાં સર્વોત્તમ રમત માટે ભારતને પ્રાપ્ત થયેલ વિશ્વકપનું સુકાની કપિલદેવ દ્વારા નિદર્શન

અત્યારે નીચેની તેર રમતોમાં વિશ્વકપ સ્પર્ધાઓ યોજાય છે : આલ્પી સ્કીઇંગ, ક્રિકેટ, ગૉલ્ફ, ઘોડદોડ, ડ્રેસેજ, ફૂટબૉલ (ઇન્ડોર), ફૂટબૉલ (રગ્બી), ફૂટબૉલ (સોકર), ફ્રી સ્ટાઇલ સ્કીઇંગ, લાક્રોસ, શો-જમ્પિંગ, સ્નો-બોર્ડિગ અને હૉકી. ખેલકૂદમાં પણ વિશ્વકપ સ્પર્ધાઓ યોજાય છે.

સૌથી વધારે લોકપ્રિય વિશ્વકપ સ્પર્ધા ફિફા (Federation International de Football Association) પ્રાયોજિત આંતરરાષ્ટ્રીય વિશ્વકપ ફૂટબૉલ (સોકર) સ્પર્ધા છે. તેને યુલે રિમે કપ અથવા ફિફા કપ પણ કહે છે. તેનો આરંભ 13 જુલાઈ 1930ના દિવસે થયો હતો. પ્રથમ સ્પર્ધાઓ ઉરુગ્વે દેશની રાજધાની મૉન્ટેવિડિયોમાં એ દિવસે રમાઈ. આ પ્રથમ સ્પર્ધામાં યજમાન દેશ ઉરુગ્વે શ્રેષ્ઠ ઠર્યું. ત્યારથી આ વિશ્વકપ સ્પર્ધા દર ચાર વર્ષે રમાતી રહી છે. એમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇટાલી તથા જર્મની જેવા દેશોનું પ્રભુત્વ રહ્યું છે. ફિફાની સ્થાપના 1913માં થઈ. તે અત્યારે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ સ્પર્ધાઓ માટે માન્ય સંસ્થા છે. 2002 સુધીની સ્પર્ધાઓના વિજેતાઓ આદિની માહિતી સારણીમાં આપી છે :

સારણી 1 : વિશ્વકપ ફૂટબૉલનાં પરિણામો

વર્ષ વિજેતા બીજો ક્રમ ગૉલ સ્થળ
1930 ઉરુગ્વે આર્જેન્ટિના 4-2 ઉરુગ્વે
1934 ઇટાલી ચેકોસ્લોવૅકિયા 2-1 ઇટાલી
1938 ઇટાલી હંગેરી 4-2 ફ્રાન્સ
1950 ઉરુગ્વે બ્રાઝિલ 2-1 બ્રાઝિલ
1954 પશ્ચિમ જર્મની હંગેરી 3-2 સ્વિટ્ઝર્લૅન્ડ
1958 બ્રાઝિલ સ્વીડન 5-2 સ્વીડન
1962 બ્રાઝિલ ચેકોસ્લોવૅકિયા 3-1 ચિલી
1966 ઇંગ્લૅન્ડ પશ્ચિમ જર્મની 4-2 ઇંગ્લૅન્ડ
1970 બ્રાઝિલ ઇટાલી 4-1 મેક્સિકો
1974 પશ્ચિમ જર્મની હોલૅન્ડ 2-1 પશ્ચિમ જર્મની
1978 આર્જેન્ટિના હોલૅન્ડ 3-1 આર્જેન્ટિના
1982 ઇટાલી પશ્ચિમ જર્મની 3-1 સ્પેન
1986 આર્જેન્ટિના પશ્ચિમ જર્મની 3-2 મેક્સિકો
1990 પશ્ચિમ જર્મની આર્જેન્ટિના 1-0 ઇટાલી
1994 બ્રાઝિલ ઇટાલી 3-2 યુનાઇટેડ સ્ટેટ્સ
1998 ફ્રાન્સ બ્રાઝિલ 3-0 ફ્રાન્સ
2002 બ્રાઝિલ જર્મની 2-0 જાપાન, દક્ષિણ કોરિયા
2006 જર્મની
2010 દક્ષિણ આફ્રિકા
2014 બ્રાઝિલ

મહાયુદ્ધને કારણે 1942 અને 1946માં સ્પર્ધાઓ યોજાઈ નહોતી.

1991થી મહિલાઓની સ્વતંત્ર વિશ્વકપ સ્પર્ધાઓનું આયોજન થયું. તેનાં પરિણામોની વિગત આ પ્રમાણે છે :

સારણી 2 : વિશ્વકપ (મહિલા) ફૂટબૉલનાં પરિણામો

વર્ષ વિજેતા બીજો ક્રમ ગૉલ સ્થળ
1991 યુનાઇટેડ સ્ટેટ્સ નૉર્વે 2-1 ચીન
1995 નૉર્વે જર્મની 2-0 સ્વીડન
1999 યુનાઇટેડ સ્ટેટ્સ ચીન 5-4 યુનાઇટેડ સ્ટેટ્સ
2003 જર્મની સ્વીડન 2-9 યુનાઇટેડ સ્ટેટ્સ

રગ્બી ફૂટબૉલમાં બે પ્રકારની વિશ્વકપ સ્પર્ધાઓ યોજાય છે. તેમનાં પરિણામો આ પ્રમાણે છે :

સારણી 3 : વિશ્વકપ રગ્બી લીગ

વર્ષ વિજેતા
1972 બ્રિટન
1975 ઑસ્ટ્રેલિયા
1977 ઑસ્ટ્રેલિયા
1988 ઑસ્ટ્રેલિયા
1992 ઑસ્ટ્રેલિયા
1995 ઑસ્ટ્રેલિયા
2000 ઑસ્ટ્રેલિયા
2003 ઑસ્ટ્રેલિયા

સારણી 4 : વિશ્વકપ રગ્બી યુનિયન

વર્ષ વિજેતા બીજો ક્રમ ગૉલ સ્થળ
1987 ન્યૂઝીલૅન્ડ ફ્રાન્સ 29-7 મેલબૉર્ન
1991 ઑસ્ટ્રેલિયા ઇંગ્લૅન્ડ 12-6 ટ્વિકનહામ
1995 દક્ષિણ આફ્રિકા ન્યૂઝીલૅન્ડ 15-12 જોહાનિસબર્ગ
1999 ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ 35-12 કાર્ડિફ
2003 ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા 20-17 સિડની

વિશ્વકપની બીજી નોંધપાત્ર સ્પર્ધાઓ જેમાં ભારત ઉમળકાથી ભાગ લે છે, તે ક્રિકેટ ક્ષેત્રે વિશ્વકપ સ્પર્ધાનો આરંભ 1975થી થયો. તે દર ચાર વર્ષે યોજાય છે. પહેલી સ્પર્ધા તેની પ્રાયોજક વેપારી પેઢીના નામ ઉપરથી પ્રુડેન્શિયલ વિશ્વકપ નામે ઓળખાઈ. 1987માં તેનું નામ રિલાયન્સ વિશ્વકપ રખાયું. રિલાયન્સ ભારતનું જાણીતું ઉદ્યોગજૂથ છે. 1992માં ઑસ્ટ્રેલિયામાં બૅન્સન અને હેજિસ કપ રમાયો. 1996માં વિલ્સ કપ તથા 1999થી આઇસીસી કપ નામ અપાયું. વિશ્વકપની માહિતી આ પ્રમાણે છે :

સારણી 5 : વિશ્વકપ ક્રિકેટ

વર્ષ વિજેતા બીજો ક્રમ સ્થળ
1975 વેસ્ટ ઇન્ડિઝ ઑસ્ટ્રેલિયા ઇંગ્લૅન્ડ
1979 વેસ્ટ ઇન્ડિઝ ઇંગ્લૅન્ડ ઇંગ્લૅન્ડ
1983 ભારત વેસ્ટ ઇન્ડિઝ ઇંગ્લૅન્ડ
1987 ઑસ્ટ્રેલિયા ઇંગ્લૅન્ડ ભારત
1992 પાકિસ્તાન ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા
1996 શ્રીલંકા ઑસ્ટ્રેલિયા ભારત, પાકિસ્તાન, શ્રીલંકા
1999 ઑસ્ટ્રેલિયા પાકિસ્તાન ઇંગ્લૅન્ડ
2003 ઑસ્ટ્રેલિયા ભારત કેન્યા, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા
2007 વેસ્ટ ઇન્ડિઝ, બર્મુડા

ભારતના રસનું બીજું વિશ્વકપ સ્પર્ધાનું ક્ષેત્ર હૉકીનું છે. આંતરરાષ્ટ્રીય સંગઠને 1971થી તેનો આરંભ કર્યો. સ્પર્ધા અનિયમિત રીતે મોટે ભાગે દર ચાર વર્ષે યોજાય છે. 1974થી મહિલાઓ માટે પણ વિશ્વકપની પ્રતિષ્ઠા કરાઈ. હૉકીમાં પણ દસ-બાર દેશો જ રમે છે. આ સ્પર્ધાનાં પરિણામો નીચે પ્રમાણે છે :

સારણી 6 : વિશ્વકપ હૉકી

વર્ષ વિજેતા બીજો ક્રમ ગૉલ સ્થળ
1971 પાકિસ્તાન સ્પેન 1-0 બાર્સિલોના
1973 હોલૅન્ડ ભારત 2-2 એમ્સ્ટલવીન
1975 ભારત પાકિસ્તાન 2-1 કુઆલાલુમ્પુર
1978 પાકિસ્તાન હોલૅન્ડ 3-2 બૂએનૉસ આઇરિસ
1982 પાકિસ્તાન જર્મની 3-1 મુંબઈ
1986 ઑસ્ટ્રેલિયા ઇંગ્લૅન્ડ 2-1 વિલ્સડન
1990 હોલૅન્ડ પાકિસ્તાન 3-1 લાહોર
1994 પાકિસ્તાન હોલૅન્ડ 1-1 સિડની
1998 હોલૅન્ડ સ્પેન 3-2 યુટ્રેક્ટ
2002 જર્મની ઑસ્ટ્રેલિયા 2-1 કુઆલાલુમ્પુર

આલ્પી સ્કીઇંગ વિશ્વકપ સ્પર્ધામાં કેવળ હિમાચ્છાદિત પર્વતો ધરાવતા દેશોની ટુકડીઓ ભાગ લે છે. તેમાં સ્વીડનના ઇન્જમાર સ્ટેનમાર્ક સૌથી સફળ સ્પર્ધક રહ્યા છે. ફ્રી સ્ટાઇલ સ્કીઇંગ વિશ્વકપમાં ફ્રાન્સના એરિક લેબુરે શ્રેષ્ઠ રહ્યા છે. વિશ્વકપ ગૉલ્ફમાં સૌથી સફળ સ્પર્ધકો આર્નોલ્ડ પામર અને જેક નિકલોસ  બંને અમેરિકી  રહ્યા છે. લાક્રોસ મહિલા વિશ્વકપમાં અત્યાર (2004) સુધીમાં અમેરિકી ટુકડી સર્વશ્રેષ્ઠ રહી છે. ડ્રેસેજ વિશ્વકપની સ્થાપના 1986માં થઈ. તેમાં નેધરલૅન્ડના એન્કી ફોન ગ્રુન્સવેન સૌથી સફળ રહ્યા છે. હિમખીણોમાં શો-જમ્પિંગમાં હ્યુગો સાઇમન (ઑસ્ટ્રિયા) તથા રોડરિગો પ્રેસોઆ (બ્રાઝિલ) સૌથી સફળ રહ્યા છે.

ફૂટબૉલ રમતના ક્ષેત્રે કેટલાંક જાણીતાં નામો આ પ્રમાણે છે : પેલે, ડિયેગો મેરાડોના, સ્ટેન્લી મેથ્યુઝ, લેવ યાશિન, જૉન બાર્નેસ, માઇકેલ પ્લેટિની, રૂડ ગુલિટ, ફરેરા દા સિલ્વા, ફ્રાન્ઝ બેકનબાવર, વ્લોદ્ઝિમિયર્ઝ લુબાન્સ્કી, ગૉર્ડન બેન્કસ, ફેરેનો પુસ્કસ, હેક્ટર ચુમ્પિતાઝ, વાલ્ડેમાર દીદી આદિ. ભારતમાં નેવિલ ડિસોઝા, પી. કે. બેનરજી, ચુની ગોસ્વામી, ઇન્દ્રસિંહ, પ્રસૂન બેનરજી, પિટર તુંગરાજ આદિ જાણીતા થયા.

હૉકીમાં ધ્યાનચંદ દંતકથારૂપ બની ગયા. બીજાં નોંધપાત્ર નામો લેસ્લી ક્લોડિયસ, ઉધમસિંહ, એરિક પેનિંજર, મંઝૂર હુસેન, રિચર્ડ એલન, રણધીરસિંહ જેન્ટલ, અબ્દુલ હમીદ, જૉન કોનરોય અને ફલોરિન યાન બોવલેન્ડર જેવા રહ્યા. ભારતમાં ઉપર જણાવેલાં તે ઉપરાંત સિંહ ‘બાબુ’, આર. એસ. ભોલા, પૃથુપાલસિંહ, બલવીરસિંહ, મહંમદ સાહિદ અને ઝફર ઇકબાલનાં નામો જાણીતાં થયાં.

જગદીશ બિનીવાલે

બંસીધર શુક્લ