વિશ્વ આહાર કાર્યક્રમ (World Food Programme) : (The World Food Programme – WFP) વિશ્વ આહાર કાર્યક્રમ ચલાવતી સંસ્થા. (સ્થાપના : 19 ડિસેમ્બર, 1961) શાંતિ માટેનો 2020નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ વિશ્વમાં જ્યાં જરૂર હોય ત્યાં આહાર અને સહાય આપવાનું કાર્ય કરતી સંસ્થા. વિશ્વમાં માનવતાને લક્ષ્યમાં રાખીને કાર્ય કરતી આ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા જે જરૂરી સલાહસૂચન આપવાનું પણ કાર્ય કરે છે. ખાસ કરીને ભૂખમરો નિવારવા અને પોષણક્ષમ આહાર પહોંચાડવાની વ્યવસ્થા આ સંસ્થા કરે છે.

1961માં સ્થાપવામાં આવેલી આ સંસ્થાના અધિકારીઓનું કાર્યક્ષેત્ર 80 દેશોમાં વિસ્તરેલું છે. તેનું મુખ્ય મથક રોમમાં આવેલું છે. 1960માં આહાર અને કૃષિ સંસ્થાની એક સભા યુ.એસ. ફૂડ ફૉર પીસ પ્રોગ્રામ અંતર્ગત જ્યૉર્જ મેક ગોવર્નના અધ્યક્ષપદે મળી હતી. તેમાં આ પ્રકારની સંસ્થા ઊભી કરવા માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ સંસ્થાનો પહેલો કાર્યક્રમ 1963માં યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભા દ્વારા ત્રણ વર્ષના પ્રાયોગિક ધોરણે સુદાનમાં વાડી હાલફા ખાતે નુંબિયન લોકોને સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું. પછી તો 1965થી કાયમી ધોરણે મદદ મળી રહે એ રીતે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો.

2019માં આ સંસ્થા દ્વારા 88 દેશોમાં 970 લાખ લોકોને આહાર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 2012 પછીના વર્ષનો આ લક્ષ્યાંક સૌથી મોટો છે. આ સંસ્થાની 2/3 કામગીરી લડતા, ઝઘડતા, વિરોધ અને અથડામણ રહેતી હોય તેવા વિસ્તારોમાં થાય છે.

આપત્કાલીન સમયમાં આ સંસ્થા તકનીકી અને વિકાસ માટે પણ સહાયભૂત થાય છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રના વિકાસ સમૂહની સભ્ય છે. જુદા જુદા 17 પ્રકારના લક્ષ્યાંકો નક્કી કરી આ સંસ્થા 2030 સુધીમાં વિશ્વમાંથી ભૂખમરાનું દૂષણ નાબૂદ કરવાનું લક્ષ્ય રાખે છે.

આ સંસ્થાને જરૂરી ભંડોળ વિશ્વના જુદા જુદા દેશો તરફથી મળી રહે છે. જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે પણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. 2018માં જે દાનનું ભંડોળ પ્રાપ્ત થયું તે રકમ 7.2 અબજ અમેરિકન ડૉલર હતી. જેમાં સરકારનો 2.5 અબજ અમેરિકન ડૉલરનો ફાળો હતો. યુરોપ તરફથી 1.1 અબજ અમેરિકન ડૉલર મળ્યા હતા. બાકીની રકમ દાતાઓ તરફથી પ્રાપ્ત થઈ હતી.

આ સંસ્થામાં 2018માં જુદા જુદા દેશમાં 17,000 લોકો પોતાની સેવા આપી રહ્યા હતા. આ સંસ્થાના હોદ્દેદારોમાં વ્યવસ્થાપક નિયામકની મુદત પાંચ વર્ષની હોય છે. તેના પ્રથમ નિયામક નેધરલૅન્ડના એડ્ડેકે હેંડ્રિક બોએરમા હતા. ભારતના સુશીલ કે. દેવ જાન્યુઆરી, 1968થી ઑગસ્ટ, 1968 સુધી કાર્યકારી નિયામક હતા. 2012થી 2017 સુધી યુ.એસ.ના અર્થેરિન કઝિન અને એપ્રિલ 2017થી યુનાઇટેડ સ્ટેટ્સના ડેવિડ બિસલી તેના વ્યવસ્થાપક નિયામક તરીકે છે. આમ અત્યાર સુધીમાં 13 નિયામકોએ આ સંસ્થાની જવાબદારી સંભાળી છે.

2008થી આ સંસ્થાએ નાના ખેડૂતો માટે બજારમાં પોતાની ઊપજ સારા ભાવે વેચી શકે એ માટેનો કાર્યક્રમ આફ્રિકા, એશિયા અને લૅટિન અમેરિકાના ખેડૂતો માટે શરૂ કર્યો છે. તેનો લાભ આઠ લાખ ખેડૂતોને મળ્યો છે. સાથોસાથ ખેતીમાં સારી ઊપજનું પ્રમાણ પણ 3,66,000 મેટ્રિક ટન જેટલું વધ્યું. તેના પરિણામે નાના ખેડૂતોને 1480 લાખ અમેરિકન ડૉલર જેટલી આવક પણ થઈ. આ સંસ્થાએ 2010ના હૈતીમાં આવેલા ધરતીકંપ વખતે પણ સ્ત્રીઓના હાથમાં ખોરાક આપીને ઘરના દરેક સભ્યને તે પૂરતો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.

ગરીબ માબાપ પોતાનાં બાળકોને નિશાળે મોકલે અને તે ભણે, ખાસ તો દીકરીઓ પણ નિશાળે જાય તે માટે શાળામાં મધ્યાહનભોજન યોજના પણ 71 દેશોમાં શરૂ કરવામાં આવી. 2017માં આ સંસ્થા દ્વારા જૉર્ડનમાં આવેલા સીરિયાના શરણાર્થીઓ માટે સહાય કરી હતી. જ્યારે 2020માં એક મહિનામાં એકસોવીસ લાખ યમનનિવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. આમાંથી 80  લોકો તો હૌથી બળોના નિયંત્રણમાં હતા.

યુનાઇટેડ નૅશન્સની દેખરેખ હેઠળ સહાયની કામગીરી થાય છે. સાથે એ પણ તપાસી લેવામાં આવે છે કે શું ખરેખર મદદની જરૂર છે  આપત્તિસમયની મદદ માટે પણ ચોક્કસ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં સ્થાનિક વહીવટી કચેરીનો સંપર્ક કરવામાં આવે છે. બીજા તબક્કામાં દેશમાં શું ઉપલબ્ધ છે તે વિભાગીય ધોરણે એક અથવા વધારે દેશ માટે કે વિસ્તાર માટે નક્કી કરવામાં આવે છે. ત્રીજા તબક્કે આપત્કાલીન સ્થિતિમાં આ સંસ્થાની સ્થાનિક કચેરીના અધિકારીઓ દ્વારા વૈશ્વિક ધોરણે મદદ માટે ટહેલ નાખવામાં આવે છે. પરિણામે 80 દેશોમાં જરૂરિયાત અંગેની વાત પહોંચે છે. આ રીતે આ સંસ્થા દ્વારા જેને ખરેખર જરૂર હોય તેમને મદદ મળે છે.

કિશોર પંડ્યા