નીટ : નીટ એટલે National Eligibility cum Entrance Test (Undergraduate). ગુજરાતી ભાષામાં તેને રાષ્ટ્રીય લાયકાત સાથેની પ્રવેશપરીક્ષા (સ્નાતક) કહેવામાં આવે છે. ભારતમાં આ મેડિકલ-ગ્રૅજ્યુએટ અભ્યાસક્રમો (એમબીબીએસ, બીડીએસ વગેરે)માં પ્રવેશ મેળવવા માટેની એક લાયકાત સાથેની પ્રવેશ પરીક્ષા છે. મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા(MCA – ભારતીય ચિકિત્સા પરિષદ) અને ડેન્ટલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા(DCI)ની મંજૂરીથી દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કૉલેજો(સરકારી કે ખાનગી)ના એમબીબીએસ, બીડીએસ, આયુષ, પશુ વેટરનરી અભ્યાસક્રમોમાં પ્રવેશ આ જ પરીક્ષાનાં પરિણામોને આધારે આપવામાં આવે છે. મેડિકલ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં મેડિકલ અંડરગ્રૅજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ સમયે ગોટાળો રોકવા માટે દેશભરમાં એકસમાન પ્રવેશપરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પરીક્ષા સૌપ્રથમ 5 મે, 2013ના રોજ લેવામાં આવી હતી. 2019થી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા સીબીએસઈને બદલે આ પરીક્ષાનું સંચાલન NEET કરે છે. ભારતીય નાગરિકો ઉપરાંત આ પરીક્ષાને એનઆરઆઈ, ઓવરસીઝ સિટીઝન ઑફ ઇન્ડિયા, પર્સન ઑફ ઇન્ડિયન ઓરિજન અને વિદેશી નાગરિકો પણ આપી શકે છે. આ તમામ 15 ટકા અખિલ ભારતીય કોટામાં પ્રવેશ મેળવવાને પાત્ર હોય છે.
આ પરીક્ષાના ઉમેદવારોની લઘુતમ ઉંમર 17 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. અનામત ઉમેદવારોને તેમાં 5 વર્ષની છૂટ મળે છે. તમામ ઉમેદવારોને NEET આપવા મહત્તમ ત્રણ તક આપવામાં આવે છે. વિદેશી મેડિકલ સંસ્થાઓમાં એમબીબીએસ કરવા માટે ઇચ્છુક ભારતીય વિદ્યાર્થીઓને હવે NEET પાસ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
વર્ષ 2022 સુધી NEET ફક્ત અંગ્રેજી ભાષામાં જ લેવાતી હતી. પરંતુ એ જ વર્ષથી હિંદી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં આ પરીક્ષા ઉમેદવારો આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ભાષાઓમાં વિદ્યાર્થીઓને એકસમાન પ્રશ્નો આપવામાં આવે છે. 2022થી NEETનું આયોજન 13 ભાષાઓ (હિંદી, અંગ્રેજી, ઉર્દૂ, અસમી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, ઊડિયા, મલયાલમ, પંજાબી, તમિળ અને તેલુગુ)માં થઈ રહ્યું છે. અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપનાર ઉમેદવારને ફક્ત અંગ્રેજી ભાષાનું એક જ પેપર મળે છે, પરંતુ પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપનાર ઉમેદવારને પ્રાદેશિક ભાષાની સાથે અંગ્રેજીમાં પણ પેપર ઉપલબ્ધ થાય છે. બોર્ડે એ પણ સ્પષ્ટતા કરી છે કે જો પ્રાદેશિક ભાષામાં ખોટું પ્રિન્ટિંગ થયું હોય, તો અંગ્રેજીનો સવાલ જ સાચો ગણાશે. તેના આધારે જ મૂલ્યાંકન થશે.
આ પરીક્ષામાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને વનસ્પતિવિજ્ઞાનમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક ભાગમાં 50 પ્રશ્ન (ભાગ-અ 35 પ્રશ્નો, ભાગ-બ 15 પ્રશ્નો, જેમાંથી કોઈ પણ 10 પ્રશ્નો ફરજિયાત હોય છે) હોય છે. આ રીતે કુલ 200 પ્રશ્નો હોય છે. દરેક સાચા જવાબ પર ઉમેદવારને 4 ગુણ મળે છે અને દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપી લેવામાં આવે છે. પરીક્ષા આપવાનો સમયગાળો 3 કલાક 20 મિનિટનો હોય છે.
જોકે તમિલનાડુ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોએ NEETની પરીક્ષાને આધારે પોતાનાં રાજ્યોમાં મેડિકલ કૉલેજોમાં પ્રવેશવ્યવસ્થા બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે. આ માટે તેમણે વિધાનસભાઓમાં ખરડો પણ પસાર કરી દીધો છે. આ કારણસર વિવાદ સર્જાયો છે, કારણ કે સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ કોઈ પણ રાજ્ય પોતાની આગવી વ્યવસ્થા ઊભી કરીને મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપી ન શકે. તેની સામે આ રાજ્યોની દલીલ એવી છે કે, NEETથી વિદ્યાર્થીઓ પર શિક્ષણનું ભારણ વધે છે અને વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપે છે તેનું કશું મહત્ત્વ જ રહેતું નથી. વળી તાજેતરમાં એપ્રિલ-મેમાં લેવામાં આવેલી NEET પરીક્ષાનું પેપર લીક થયાનું કૌભાંડ બહાર આવતાં આ વિવાદને વેગ મળ્યો છે. સાથે સાથે બોર્ડની પરીક્ષામાં સારા ગુણો ધરાવતા પણ NEETમાં થોડા ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મેડિકલ કૉલેજોમાં પ્રવેશ ન મળવાથી આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આ કારણસર સર્વોચ્ચ અદાલત સામે આ રાષ્ટ્રીય પ્રવેશપરીક્ષા બંધ કરવા માટે જનહિતની અનેક અરજીઓ વિચારણાધીન છે.
કેયૂર કોટક