નીજો કિલ્લો, ક્યોટો

January, 1998

નીજો કિલ્લો, ક્યોટો : સત્તરમી સદીના જાપાની કાષ્ઠસ્થાપત્યનો લાક્ષણિક નમૂનો. જાપાનના મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થર અને લાકડામાંથી બનાવાયેલા કિલ્લા મહત્ત્વના છે. આમાંના ઘણાખરાનું હવે અસ્તિત્વ રહ્યું નથી; કારણ કે સત્તરમી સદી પછી આવા કિલ્લાનું બાંધકામ થયું ન હતું. કિલ્લાની અંદર પ્રણાલીગત આવાસો અને તેનું બાંધકામ અર્વાચીન યુગ સુધી પ્રચલિત રહ્યું છે. આ આવાસોનું આયોજન કાષ્ઠસ્થાપત્યની આગવી શૈલીમાં થયેલું હોય છે અને તેની નળિયાંવાળી છત અને કાગળની દીવાલો તથા સાદડીના માપ પ્રમાણે રચાયેલ શાળાના વિસ્તારથી એક ઉત્કૃષ્ટ માળખું રચાય છે. તે સાદગીપૂર્ણ છતાં પણ બાહ્ય વિસ્તારો (બગીચા) સાથે સંકલિત બેનમૂન આયોજન દર્શાવે છે.

આકૃતિ 1 : નીજો કિલ્લો : નીનો મારુ ડેન્શાનો નકશો. નીજો કિલ્લો ક્યોટોનું બાંધકામ 1602માં ટોકુગાવા ઇયાશુએ શરૂ કરાવ્યું. ઉપર : નિનોમારુ દેન્શા એટલે કે નિવાસમહેલનો નકશો 1 : 1000 માપમાં છે. (ક) અગ્રકક્ષ ભવન અથવા ઓસરી, (ખ) સભાખંડ, (ગ) સ્વાગત-કક્ષો, (ઘ) નિજી નિવાસો, (ઙ) શોગુનના કક્ષો. ભવનોની વાંકીચૂકી ગોઠવણી અને આયોજનમાં જણાતી મુક્તભાવના (ખરેખર તો એ શિસ્તબદ્ધ છે.) આ ઘટકસ્થાપત્યની લાક્ષણિકતા છે.

ક્યોટોમાં આવેલ નીજો કિલ્લો બંધાવાની શરૂઆત 1602માં ટોકુગાવા ઈયાસુએ કરેલી. તેમાં ખાસ કરીને મહેલોનું આયોજન થયું છે, તેની ફરતા બગીચા અને ખાઈની સરહદ રચાયેલી છે. સમગ્ર આયોજન સ્થાપત્યની દૃષ્ટિએ એક સીમિત (modular) માળખાથી થયેલું છે. તેમાં નીનોમારુ (રહેણાક) અને હોનમારુ (કિલ્લો) એમ બે ભાગ રચાયેલા છે. રહેણાક વિસ્તારને ચતુષ્કોણ વિભાગોમાં વહેંચવામાં આવેલો છે. બે એકબીજા સાથે જોડાયેલા હતા. પ્રથમ પ્રવેશખંડ, ત્યારબાદ સ્વાગત-કક્ષ, ત્યારબાદ ખાનગી રહેણાક વગેરે રચાયેલાં. આ સમગ્ર રચનાની લંબાઈ આશરે 120 મી. હતી અને બાંધકામની દૃષ્ટિએ ભારે વજનદાર સામગ્રી વાપરવાને બદલે લાકડા અને કાગળ જેવી વજનમાં હલકી સામગ્રી વડે ઇમારત રચાયેલી છે. જાપાનની પ્રચલિત કાત્સુરાની ઇમ્પીરિયલ વિલાની રચના પણ આને આધારે થયેલી છે.

આકૃતિ 2 : નીજો કિલ્લો : હોનમારુનો નકશો. નીજો કિલ્લો ક્યોટો, સર્વગ્રાહી નકશો. તેમાં બેવડી ખાઈઓ 1 : 4000 માપમાં સીધી રેખાઓ દ્વારા દર્શાવી છે. (ક)થી (ઙ) આકૃતિ 1 પ્રમાણે છે. (ચ) નિનોમારુ એટલે કે નિવાસ મહેલનું સંકુલ, (છ) હોન-મારુ એટલે મૂળ કિલ્લા ઉપર મિનારો હતો. તે આગમાં નાશ પામ્યો અને પછી તેનું પુનર્નિર્માણ થયું નહિ.

રવીન્દ્ર વસાવડા