નીટેલ્સ (Gnetales)

January, 1998

નીટેલ્સ (Gnetales) : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું ગોત્ર. આ ગોત્રમાં ઍફીડ્રેસી, નીટેસી અને વેલ્વીસ્ચીએસી કુળનો સમાવેશ થાય છે.

અ : ઍફ્રીડ્રા : (1) પુંશંકુ ધરાવતી શાખા, (2) યુગ્મ નિપત્રો અને લઘુબીજાણુ પર્ણો ધરાવતો પુંશંકુ, (3) લઘુબીજાણુ ધાનીઓ ધરાવતું લઘુબીજાણુ પર્ણ. આ : ઍફીડ્રા : માદા શંકુ ધરાવતી શાખા. ઇ : નીટમ : સન્મુખ ચતુષ્ક પર્ણો અને ત્રણ પુંશંકુઓ ધરાવતી શાખા. ઈ : વેલ્વીસ્ચીઆ : બે પર્ણો વચ્ચે જોવા મળતો ખાડો.

તેનો બીજાણુજનક (sporophyte) ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી વેલ્વીસ્ચીઆમાં પ્રકાંડ સલગમ (turnip) જેવો અને અંશત: ભૂમિગત; પર્ણો સાદાં, એકાંતરિક, સમ્મુખ કે ભ્રમિરૂપ, શલ્કી કે પટ્ટી (strap) આકારનાં કે અંડાકાર કે ઉપવલયી; વેલ્વીસ્ચીઆમાં લાંબાં, કાષ્ઠમય; દ્વિતીય જલવાહક પેશીમાં જલવાહિનીઓ (vessels), તે પરિવેશિત ગર્તાકાર (bordered pitted) સ્થૂલન ધરાવતી જલવાહિનિકી(trachieds)માંથી ઉત્પન્ન થાય છે; રાળનલિકાઓનો અભાવ; પુષ્પો એકલિંગી. નીટમની કેટલીક જાતિઓ બાદ કરતાં વનસ્પતિઓ દ્વિગૃહી (dioecious), સંયુક્ત શંકુ (strobilus) સ્વરૂપે પ્રજનનાંગોનું આયોજન; નર પુષ્પો વંધ્ય પરિદલપત્રીય શલ્કો વડે ઘેરાયેલાં; બીજાણુધાનીધર (sporangiophore) કે પરાગવૃન્ત (antherophore) 1થી 8 યુક્તબીજાણુધાનીઓ (synangia) ધરાવે છે. પરાગરજ સપક્ષ (winged) હોતી નથી; અંડક વધારાનાં અંડાવરણો કે પરિદલપુંજ વડે આવરિત; અંદરનું અંડાવરણ અગ્ર છેડે લાંબી અંડકછિદ્રીય નલિકા(micropylar tube)માં પરિણમેલું; અંડકો ઊર્ધ્વમુખી (orthotropous); નીટમ અને વેલ્વીસ્ચીઆમાં માદા જન્યુજનક ચતુર્બીજાણુક (tetrasporic); પરાગનલિકા દ્વારા ફલન, પ્રાથમિક નિલંબ (primary suspensor) એકકોષી; ભ્રૂણ બે બીજપત્રો ધરાવે છે.

ત્રણેય કુળમાં એકબીજાથી જુદાં પડતાં કેટલાંક લક્ષણો નીચે મુજબ છે : ઍફીડ્રેસીમાં રન્ધ્રવિકાસ હૅપ્લોકાઇલિક (haplocheilic), જે સાયકેડેલ્સ, કૉર્ડેઇટેલ્સ, કોનીફેરેલ્સ અને જીન્કોએલ્સ ગોત્ર સાથે સામ્ય દર્શાવે છે; જ્યારે વેલ્વીસ્ચીએસી અને નીટેસીમાં સિન્ડેટોકાઇલિક (syndetocheilic), જે સાયકેડીઓડેલ્સ અને આવૃતબીજધારી-(angiosperns)ને મળતો આવે છે. ઍફીડ્રેસીનું અંડક ઉપાંગી (appendicular) હોય છે જ્યારે વેલ્વેસ્ચીએસી અને નીટેસીમાં સ્તંભિક (cauline) હોય છે. ત્રણે કુળોમાં માદા જન્યુજનકનો વિકાસ ઘણા તફાવતો દર્શાવે છે. આ કારણોથી ઈમ્સે (1952) નીટેલ્સ ગોત્રનું ત્રણ સ્વતંત્ર ગોત્રો – ઍફીડ્રેલ્સ, વેલ્વીસ્ચીએલ્સ અને નીટેલ્સમાં વિભાજન કર્યું. તે પ્રત્યેક ગોત્રમાં તેમણે એક જ કુળ અને એક જ પ્રજાતિ મૂકી. આ ગોત્રની ત્રણ પ્રજાતિઓ એફીડ્રા, વેલ્વીસ્ચીઆ અને નીટમ છે.

એફીડ્રાની 40 જાતિ નોંધાઈ છે તે પૈકી છ જાતિઓ ભારતમાંથી મળી આવે છે. તે શુષ્કોદભિદ પ્રકારની, ક્ષુપ અને કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે. તે ગુજરાતમાં બેટ દ્વારકા, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મળી આવે છે.

વેલ્વીસ્ચીઆ

વેલ્વીસ્ચીઆની શોધ ઍંગોલા અને દક્ષિણ પશ્ચિમ આફ્રિકાના તટીય પ્રદેશોમાંથી વેલ્વીસ્ચે કરી હતી. તેથી આ પ્રજાતિનું નામ વેલ્વીસ્ચીઆ રાખવામાં આવ્યું છે. તેની એક જ જાતિ થાય છે. તે અત્યંત શુષ્ક, ખડકાળ રણપ્રદેશમાં ઊગે છે. તેનું પ્રકાંડ કુંઠિત, ભૂમિગત; અને પર્ણો 15 સેમી.થી 20 સે.મી. લાંબાં, દ્વિશાખી અને ચર્મિલ હોય છે. પર્ણનાં કદ તથા લંબાઈને લીધે આ વનસ્પતિને અજાયબ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.

નીટમ

નીટમ 40 જાતિઓ ધરાવે છે. તે વિષુવવૃત્તીય સદાહરિત જંગલોમાં મહાકાય-આરોહી કાષ્ઠમય લતા તરીકે નૈસર્ગિક રીતે ઊગે છે. તેની 20 જાતિ વિષુવવૃત્તીય એશિયા અને પાંચ જાતિ ભારતમાં નોંધાઈ છે. નીટમની જુદી જુદી જાતિઓનું પ્રાપ્તિસ્થાન નીચે પ્રમાણે છે :

નીટમ ઉલા : પશ્ચિમ ઘાટ, ખંડાલા, લોનાવાલા, માથેરાન, મહાબળેશ્વર, કેરળ તથા નીલગિરિ, આંધ્ર અને ઓરિસાનાં જંગલો.

નીટમ કૉન્ટ્રાક્ટમ : નીલગિરિ, ઊટી, કુનૂરનાં જંગલો.

નીટમ નેમોન : આસામ, નાગા-પર્વતમાળા અને પૂર્વ હિમાલયનાં તળેટીનાં જંગલો.

નીટમ મોન્ટેનમ : આસામ, સિક્કિમ, ઓરિસાનાં જંગલો.

નીટમ લેટીફોલીઅમ : આંદામાન-નિકોબાર ટાપુ.

ઉદવિકાસની દૃષ્ટિએ નીટેલ્સ ગોત્રને અનાવૃત બીજધારીઓમાં સૌથી ઉચ્ચ કક્ષાનું ગોત્ર ગણવામાં આવે છે. આ ગોત્રની નીટમ પ્રજાતિ આવૃતબીજધારી સાથે સામ્ય દર્શાવતાં ઘણાં લક્ષણો ધરાવે છે. તે આ પ્રમાણે છે : નીટમનાં પર્ણોનો જાલાકાર શિરાવિન્યાસ; જલવાહક પેશીમાં જલવાહિનીની હાજરી; પ્રરોહાગ્રમાં ત્વચા (tunica) અને કાય(corpus)નું સ્પષ્ટ આયોજન; અંડકછિદ્રીય નલિકા (micropylar tube) પરાગવાહિની સમકક્ષ; માદા જન્યુજનકનો ચતુર્બીજાણુક વિકાસ; ફલન પૂર્વે તે અંશત: કોશિકીય (cellular) અને ફલન બાદ સંપૂર્ણપણે કોષિકીય બને; યુગ્મનજ દ્વારા મુક્ત કોષકેન્દ્ર (free nuclear) નિર્માણ થતું નથી અને દ્વિદળી ભ્રૂણ.

આ લક્ષણો સમાંતર ઉદવિકાસનો નિર્દેશ કરે છે; પરંતુ કોઈ ગાઢ સંબંધ દર્શાવતાં નથી.

જૈમિન વિ. જોશી