બેકર, ડેવિડ (Baker, David) (જ. 6 ઑક્ટોબર 1962, સિઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન (પરિકલન અથવા ગાણિતિક પ્રોટીનરચના) માટે 2024નો રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર વિજ્ઞાની. બીજો અર્ધભાગ ડેમિસ હસાબિસ તથા જ્હૉન જમ્પરને સંયુક્ત રીતે પ્રોટીનની રચના(માળખા)ના અનુમાન માટે એનાયત થયો હતો.
ડેવિડ બેકર અમેરિકન જીવ-રસાયણશાસ્ત્રી છે, જેમણે પ્રોટીનની રચના તથા તેના ત્રિ-પારિમાણિક માળખાના અનુમાન માટે કાર્યપદ્ધતિઓ વિકસાવીને પાયો નાખ્યો. તેમનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. પિતા ભૌતિકશાસ્ત્રી તથા માતા ભૂસ્તરશાસ્ત્રી (geophysicist) હતાં. 1984માં ડેવિડ બેકરે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જીવવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. તેઓએ રૅન્ડી શેકમૅનની પ્રયોગશાળામાં મુખ્યત્વે યિસ્ટ(yeast)માં થતા પ્રોટીનના વહન તથા હેરફેર પર કામ કર્યું અને 1989માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી જીવ-રસાયણશાસ્ત્ર(biochemistry)માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન ફ્રાન્સિસ્કોમાં જીવ-ભૌતિકશાસ્ત્ર(biophysics)માં સંશોધનો કર્યાં. 1993માં તેઓ યુનિવર્સિટી ઑવ્ વૉશિંગ્ટન સ્કૂલ ઑવ્ મેડિસિનમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. ઈ. સ. 2000માં તેઓ હોવર્ડ હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધક તરીકે રહ્યા. 2009માં તેઓ અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સીસના ફેલો તરીકે ચૂંટાયા.
ડેવિડ બેકર મૂળભૂત રીતે પ્રોટીનના માળખા અને ડિઝાઇન(રચના)ની ગાણિતિક અથવા કલન પદ્ધતિઓ માટે જાણીતા હોવા છતાં તેમણે કાર્યશીલ પ્રાયોગિક જીવ-રસાયણશાસ્ત્રમાં પણ સંશોધનો કર્યાં છે. પ્રોટીનના માળખાના અનુમાન માટે ડેવિડ બેકરના જૂથ દ્વારા આલ્ગોરિધમ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોટીનની રચના માટે પણ તેમનું જૂથ કાર્યરત છે તથા તેમના દ્વારા કરવામાં આવેલી Top7 નામે પ્રથમ કૃત્રિમ પ્રોટીનની રચના નોંધપાત્ર છે. તેમણે લગભગ 600 સંશોધન-પત્રો પ્રકાશિત કર્યાં છે.
2002માં તેમને ઓવરટન ઇનામ, 2008માં જીવ-ભૌતિકશાસ્ત્રમાં સૅકલર ઇન્ટરનેશનલ ઇનામ તથા 2022માં વિલી ઇનામ પ્રાપ્ત થયાં. 2004માં ફાઇનમૅન ઇનામ (નૅનોટૅકનૉલૉજી) તથા 2021માં લાઇફ સાયન્સીસનું બ્રેકથ્રૂ ઇનામ પ્રાપ્ત થયાં.
પૂરવી ઝવેરી