બેકર, ગૅરી સ્ટૅન્લે

January, 2000

બેકર, ગૅરી સ્ટૅન્લે (જ. 2 ડિસેમ્બર 1930, પૉટ્સવિલે, પેનસિલ્વાનિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : અર્થશાસ્ત્ર માટેના 1992ના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ 1951માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી બી.એ., 1953માં શિકાગો યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. તથા બે વર્ષ બાદ 1955માં તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. ત્યારબાદ તેમણે અધ્યાપન અને સંશોધનક્ષેત્રે મહત્વનાં સ્થાનોએ કામ કર્યું છે; દા.ત.; શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના એસોશિયેટ પ્રોફેસર (1955–57), કોલંબિયા યુનિવર્સિટીમાં તે જ પદ પર ત્રણ વર્ષ (1957–60), ત્યારબાદ આઠ વર્ષ તે જ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર (1960–68), બે વર્ષ આર્થર લેહમન પ્રોફેસર (1968–70) અને 1983થી શિકાગો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પૂર્ણ સમયના પ્રોફેસર. 1969–70ના એક વર્ષ માટે શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ફૉર્ડ ફાઉન્ડેશનના અન્વયે મુલાકાતી પ્રોફેસર તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. વળી તેમણે 1973માં સ્ટૅનફોર્ડ, કોલંબિયાની હૂવર ઇન્સ્ટિટ્યૂટના ડોમેસ્ટિક એડ્વાઇઝરી બૉર્ડના એસોશિયેટ સભ્ય, 1980માં શિકાગો ખાતેના નૅશનલ ઓપિનિયન રિસર્ચ સેન્ટરમાં એસોશિયેટ, 1987માં અમેરિકન એન્ટરપ્રાઇઝેસ ઇન્સ્ટિટ્યૂટની એકૅડેમિક એડ્વાઇઝરી બોર્ડના સભ્ય જેવાં પદો પર સફળ કામગીરી બજાવી છે. 1972–78ના ગાળામાં નૅશનલ બ્યૂરો ઑવ્ ઈકોનૉમિક રિસર્ચના  ‘સેન્ટર ફૉર ઈકોનૉમિક એનાલિસિસ ઍન્ડ હ્યૂમન બિહેવિયર’ના રિસર્ચ પૉલિસી એડ્વાઇઝર તરીકે, 1957–79ના ગાળામાં સીનિયર રિસર્ચ એસોશિયેટ તથા સલાહકાર સમિતિના સભ્ય તરીકે તથા 1988માં જાપાનની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિસ્કલ ઍન્ડ મૉનિટરી ઇન્સ્ટિટ્યૂટના એસોશિયેટ સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી છે.

ગૅરી સ્ટૅન્લે બેકર

અર્થશાસ્ત્રના ક્ષેત્રે તેમણે કરેલ સંશોધનનો સાર એ છે કે અર્થશાસ્ત્ર એ માત્ર કિંમત-નિર્ધારણ અને બજાર સાથે સંકળાયેલી ઘટનાઓના વિશ્લેષણ સાથે જ નહિ; પરંતુ તેનાથી વિશેષ વ્યક્તિઓ દ્વારા રોજિંદા વ્યવહારમાં કરવામાં આવતી સર્વસામાન્ય પસંદગીઓ તથા જટિલ ગણાય તેવી સંસ્થાગત લેવડદેવડ(business)માં ઉદભવતી પસંદગીઓના વિશ્લેષણ સાથે પણ સંબંધ ધરાવે છે. બેકર માને છે કે આ બધા જ પ્રકારની પસંદગીઓ દરમિયાન દરેક આર્થિક ઘટકનું, પછી તે વ્યક્તિ હોય કે પેઢી, તેમનું વર્તન તર્કશુદ્ધ હોય છે. જ્યારે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ ફુગાવો, બેકારી, આર્થિક વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, પેઢી અને ઉદ્યોગ જેવા વિષયો પર આજ દિન સુધી પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા છે ત્યારે બેકરે લગ્ન અને છૂટાછેડા, ગુનેગારી અને સજા, શિક્ષણ, આર્થિક ભેદભાવ, પ્રજનનશક્તિ (fertility) જેવા બિનઆર્થિક ગણાતા છતાં વૈવિધ્યપૂર્ણ વિષયો પર સંશોધન કર્યું છે. તેમણે આર્થિક સિદ્ધાંતોને આધારે એ વિષયોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના આધારે કેટલાંક મહત્વનાં અને પાયાનાં તારણો પણ રજૂ કર્યાં છે. તેમનું વિશ્લેષણ મહત્તમ લાભની વિભાવના, બજારની સમતુલા તથા સ્થિર પસંદગીઓની ધારણાઓ પર રચાયેલું છે. તેથી જ તેમનાં પ્રયુક્ત સંશોધનોનો પ્રભાવ વસ્તીશાસ્ત્ર, ગુનાનું શાસ્ત્ર કે અપરાધચિકિત્સા જેવાં ક્ષેત્રો સુધી પ્રસર્યો છે.

તેમને જેરૂસલેમની હિબ્રૂ યુનિવર્સિટી (1985), નૉક્સ કૉલેજ (1985), યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇ (1988) તથા સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક (1990) જેવી શિક્ષણસંસ્થાઓએ ડૉક્ટરેટની માનાર્હ પદવીઓ એનાયત કરી છે. તે ઉપરાંત પણ તેમને અન્ય ઘણાં માનસન્માન અને ઍવૉર્ડો મળ્યાં છે; જેમાં શિકાગો યુનિવર્સિટી એલમ્ની એસોસિયેશનનો એચીવમેન્ટ ઍવૉર્ડ (1968), ફ્રૅન્ક ઈ. સિડમન ડિસ્ટિંગવિશ્ડ્ ઍવૉર્ડ ઇન પોલિટિકલ ઇકૉનોમી (1985), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થ ઍન્ડ હાઇજિન મેરિટ એવૉર્ડ (1986) તથા જૉહન આર. કૉમન્સ એવૉર્ડ-(1987)નો સમાવેશ થાય છે.

તેઓ નૅશનલ એસોસિયેશન ઑવ્ સોશિયૉલોજી, નૅશનલ એસોસિયેશન ઑવ્ ઈકોનૉમિક્સ, અમેરિકન ફિલૉસોફી સોસાયટી, યુનિયન ફૉર સાયન્ટિફિક સ્ટડી ઑવ્ પૉપ્યુલેશન જેવી સંસ્થાઓના સક્રિય સભ્ય છે. તેઓ શિકાગો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ‘બિઝનેસ વીક’ સાપ્તાહિકના નિયમિત કટારલેખક છે.

તેમના નોંધપાત્ર ગ્રંથો અને સંશોધનલેખો આ પ્રમાણે છે : ‘ધ ઈકોનૉમિક્સ ઑવ્ ડિસ્ક્રિમિનેશન’ (1957), ‘હ્યૂમન કૅપિટલ : એ થિયરેટિકલ ઍન્ડ એમ્પિરિકલ એનૅલિસિસ વિથ સ્પેશ્યલ રેફરન્સ ટુ એજ્યુકેશન’ (1964), ‘અ થિયરી ઑવ્ ધી ઍલોકેશન ઑવ્ ટાઇમ’ (1965), ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ : ઍન ઈકોનૉમિક એપ્રોચ’ (1968), ‘ઑન ધ ઇન્ટર્ઍક્શન બિટ્વીન ક્વૉન્ટિટી ઍન્ડ ક્વૉલિટી ઑવ્ ચિલ્ડ્રન’ (એચ. જી. લ્યૂઇસ સાથે) (1973), ‘એ થિયરી ઑવ્ મૅરેજ’ (1974), ‘ઍન ઈકોનૉમિક એનૅલિસિસ ઑવ્ મૅરિટલ ઇન્સ્ટેબિલિટી’ (ઈ. એમ. લૅન્ડ્ઝ અને આર .ટી. માઇકેલ સાથે) (1977), ‘અ ટ્રીટાઇઝ ઑન ધ ફૅમિલી’ (1981), ‘હ્યૂમન કૅપિટલ, એફર્ટ ઍન્ડ ધ સેક્સ્યુઅલ ડિવિઝન ઑવ્ લેબર’ (1985) તથા ‘હ્યૂમન કૅપિટલ ઍન્ડ ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑવ્ ફૅમિલિઝ’ (એન. ટૉમ્સ સાથે).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે