દોમ્મરાજુ, ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ) : સૌથી યુવાન વિશ્વ ચેસ ચૅમ્પિયન.

પિતા રજનીકાંત ઇએનટી સર્જન અને માતા પહ્મ માઇક્રોબાયૉલૉજિસ્ટ. ગુકેશને ચેસ ચૅમ્પિયન બનાવવા પિતાએ 2018માં પોતાનું ક્લિનિક બંધ કરી ડૉક્ટરની કારકિર્દી છોડી દીધી છે. પરિવારની આજીવિકાનો એક માત્ર આધાર માતાની આવક. તેથી મિત્રોની પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા હતા. ચેન્નાઈની વેલમાલા સીબીએસઈ સ્કૂલમાં અભ્યાસ કરતા ગુકેશે સાત વર્ષની વયે ચેસ શીખવાનું શરૂ કર્યું હતું. પછી 2015માં એશિયન સ્કૂલ ચેસ ચૅમ્પિયનશિપ અને અંડર-12 અંતર્ગત અંડર-9 કૅટેગરીમાં 2018માં વર્લ્ડ યંગ ચેસ ચૅમ્પિયનનો ખિતાબ જીત્યો. અંડર-12 વ્યક્તિગત રેપિડ અને બ્લિટ્ઝ, અંડર-12 ટીમ રેપિડ અને બ્લિટ્ઝ તથા અંડર-12 વ્યક્તિગત ક્લાસિક ફૉર્મેટમાં 2018માં એશિયન યૂથ ચેસ ચૅમ્પિયનશિપમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. માર્ચ, 2018માં ફ્રાંસમાં 34મી ઓપન દા કેપલે લા ગ્રાન્ડ ચેસ ટુર્નામેન્ટમાં સમાપન પર ગુકેશ આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યા. સર્ગેઇ કર્યાકિનને હરાવીને ગુકેશ ઇતિહાસમાં સૌથી ઓછી વયનો ગ્રાન્ડમાસ્ટર બનવાની અણી પર હતો, પરંતુ એક મહિનાથી ઓછા સમયમાં આ રેકૉર્ડ બનાવવાથી ચૂકી ગયો. 12 વર્ષ, 7 મહિના અને 17 દિવસની વયે 15 જાન્યુઆરી, 2019ના રોજ ઇતિહાસમાં બીજો સૌથી નાની વયનો ગ્રાન્ડમાસ્ટર બન્યો. 2019 સુધી ગુકેશ દુનિયાનો સૌથી ઓછી વયનો ગ્રાન્ડમાસ્ટર અને ભારતનો અત્યાર સુધીનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે.

ગુકેશની પ્રતિભાને સૌપ્રથમ તેની સ્કૂલના કોચ ભાસ્કરે ઓળખી. ત્યારબાદ ગુકેશે વિજયાનંદનું માર્ગદર્શન  મેળવ્યું. સવારે દરરોજ ગુકેશ ChessBase India વેબસાઇટ પર વિવિધ લેખનો અભ્યાસ કરતો અને રાત્રે સૂતા અગાઉ થોડી ઝડપી ઑનલાઇન રમત પણ રમતો. દરરોજ શાળામાં અભ્યાસ સિવાય 6થી 8 કલાક ગુકેશ ચેસ માટે ફાળવે છે. ગુકેશ શરૂઆતથી જ પૂર્વ વિશ્વ ચેસ ચૅમ્પિયન અને ભારતીય મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદનો પ્રશંસક છે. છેલ્લાં એક-બે વર્ષથી વિશ્વનાથન આનંદ પણ ગુકેશને નિયમિત રીતે માર્ગદર્શન આપે છે.

સામાન્ય રીતે શાંત રહેનાર ગુકેશને તેના હરીફ લિરેને સાતમા અને આઠમા રાઉન્ડમાં હેરાન કર્યો હતો. નવમા રાઉન્ડને અંતે ગુકેશ ખૂબ જ નિરાશ  થઈ ગયો હતો. તેણે પોતાના ડર અંગે તેમના કોચ ગજેવસ્કીને જણાવ્યું. તેથી  ગજેવસ્કી રેસ્ટ ડે પર ગુકેશને સિંગાપોરના દરિયાકિનારે લઈ ગયા. જ્યાં તેઓ સ્કવૉશ રમ્યા અને એ ટૅકનિક તેમને કામ આવી.

ચેન્નાઈના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે સિંગાપોરમાં સેન્ટોસા ટાપુ પર 12 ડિસેમ્બર, 2024ના રોજ ચીનના ડિંગ લિરેનને હરાવીને સૌથી યુવાન વિશ્વ ચેસ ચૅમ્પિયન બનવાનો વિક્રમ કર્યો. 18 વર્ષ, 8 મહિના અને 14 દિવસની ઉંમરે વિશ્વ ચેસ ચૅમ્પિયન બનીને ગુકેશે 9 નવેમ્બર, 1985ના રોજ 22 વર્ષ, 6 મહિના અને 27 દિવસની ઉંમરે સૌથી નાની વયે વિશ્વ ચેસ ચૅમ્પિયન બનેલા ગેરી કાસ્પારોવનો લગભગ ચાર દાયકાથી અતૂટ વિક્રમ તોડી નાખ્યો. વિશ્વનાથન આનંદ પછી આ ખિતાબ જીતનાર બીજા ભારતીય અને દુનિયાનો 18મો વિશ્વ ચેસ ચૅમ્પિયન. વળી એશિયાનો ફક્ત ત્રીજો વિશ્વ ચૅમ્પિયન. એશિયામાંથી પ્રથમ વિશ્વ ચેસ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ હતા અને બીજા ચૅમ્પિયન ડિંગ લિરેન હતા.

ચેસમાં ખેલાડીના માનસિક કૌશલ્યની સૌથી વધુ કસોટી થાય છે. દક્ષિણ આફ્રિકાના પેડી એપ્ટન 2024ની શરૂઆતથી ગુકેશના માનસિક કન્ડિશનિંગ કોચ. અગાઉ એપ્ટને 2008થી 2011 સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે આ જ ભૂમિકા ભજવી હતી અને વર્ષ 2011માં ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વકપ જીતી હતી.

ગુકેશની રમતશૈલી આક્રમક નથી, પરંતુ તે મોટા ભાગે સામેના ખેલાડીની ચાલને બરોબર સમજીને તેને પોતાની જ ચાલમાં ફસાવી દે છે. ગુકેશના માર્ગદર્શક આનંદ તેની સફળતા માટે ‘અસાધારણ રીતે ગણતરી કરીને ચાલ ચાલવાની ક્ષમતા’ને ગણાવે છે. કાર્લ્સનનું કહેવું છે કે, ‘ગુકેશની રમત સંપૂર્ણપણે તર્કબદ્ધ છે, તે બહુ ઓછી ભૂલો કરે છે, જે તેને કોઈ પણ સ્થિતિમાં અતિ ખતરનાક વિરોધી ખેલાડી બનાવે છે.’ વળી આનંદ સહિત વિશ્વના પૂર્વ મહાન ચેસ ખેલાડીઓ ગુકેશની રમતશૈલીને પૂર્વ વિશ્વ ચૅમ્પિયન એનાટોલી કાર્પોવની ‘ઍનાકૉન્ડા શૈલી’ જેવી ગણાવે છે.

ઍનાકૉન્ડા શૈલી એટલે એવી શૈલી, જેમાં આ પ્રકારની શૈલીને અનુસરતા ખેલાડીની ચાલનો વિરોધી ખેલાડીઓ સામનો કરી શક્યા નથી.

કેયૂર કોટક