દોમિયે, ઓનોર વિક્ટોરિન [Domier, Honore Victorin] (જ. 1808; અ. 1879) : ફ્રેન્ચ ચિત્રકાર. જ્યારે ફ્રાંસ અને પશ્ચિમ યુરોપમાં રાજાશાહી આથમી રહી હતી અને લોકશાહી અને ઉદ્યોગીકરણનો ઉદય થઈ રહ્યો હતો એ અરસામાં માનવીની વેદનાને વાચા આપનાર ચિત્રો આલેખવા માટે તેમને ખ્યાતિ મળી. તેઓ લોકશાહીના તરફદાર હતા એ હકીકત તેમનાં તૈલચિત્રો તથા છાપાં માટેનાં લિથોગ્રાફ અને એેચિંગ પ્રિન્ટોમાં જોઈ શકાય છે.

દોમિયેનો મુખ્ય રસ કટાક્ષ છે. નવશ્રીમંતો, વકીલો, ન્યાયાધીશો, રાજકારણીઓ વગેરે પર તેમણે તીક્ષ્ણ અને વેધક વ્યંગ્યપૂર્ણ પ્રિન્ટો અને તૈલચિત્રો બનાવ્યાં. તેમની પ્રિન્ટો રોજિંદાં છાપાંમાં છપાતી અને તેમાં શબ્દો પણ સમાવેશ પામતા. આથી તે પૂર્ણત: આજના કાર્ટૂનની ગરજ સારતી. દોમિયે રોમૅન્ટિક યુગના કલાકાર હતા. યુરોપમાં ‘રોમૅન્ટિક’ શબ્દ રાજાશાહીના અસ્ત અને લોકશાહીના ઉદય સાથે સંકળાયેલો છે. આ સમયે કલાનાં જૂનાં મૂલ્યોનો ધ્વંસ થયો અને આધુનિક કલાનાં પ્રથમ લક્ષણો પ્રગટ્યાં. આધુનિક કલાનાં લક્ષણોમાં એક એ ગણાવી શકાય કે કલાકાર હવે કોઈ શ્રીમંત ઘરાકનું નહિ પણ જનસમાજનું રંજન કરે છે. આ વાત દોમિયે માટે પણ પૂરેપૂરી સાચી છે. દોમિયે પોતે દિલથી લોકશાહીનું સમર્થન કરનાર તથા જનસામાન્યની યાતના અને પીડામાં ભાગ પડાવનાર કલાકાર હતા. દોમિયેની આર્થિક સ્થિતિ સહેજ પણ સારી ન કહી શકાય. તેમની કલા ‘કલા ખાતર કલા’ ન હતી પણ હેતુલક્ષી હતી. તેમનાં ઘણાં કાર્ટૂનોએ ફ્રાંસના સત્તાવાળાઓને ઉશ્કેર્યા હતા, તથા તેમને તેઓ આંખમાં કણાની માફક ખૂંચતા હતા. તેમનાં કાર્ટૂનોની કેન્દ્રીય આકૃતિ હતી ફ્રાંસનો એક સામાન્ય નાગરિક.

ગોયા, જેરિકો [Gericault] અને દેલાક્રવા [Delacroix] જેવા રોમૅન્ટિક ચિત્રકારોની માફક જ દોમિયેની ભાષા વાસ્તવિક (realist) હતી. ગોયાની માફક દોમિયેનાં તૈલચિત્રોમાં એક આમ આદમી માટે અનહદ અનુકંપા અને સહૃદયતા પ્રકટ થાય છે. દાખલા તરીકે એક ચિત્રનો વિષય છે ‘ધોબણ’. શાસ્ત્રીય રિનેસન્સ કે બરૉક શૈલીનાં ચિત્રોમાં આ વિષય પોતે જ હાસ્યાસ્પદ ઠરે. દોમિયેનાં તૈલચિત્રોમાં વકીલો, જજ, અસીલો, કારકુનો કોર્ટમાં ને કોર્ટ બહાર ચક્કર મારતા, થોથાં ઉથલાવતા, ઝઘડતા અને ચર્ચા કરતા માલૂમ પડે છે. આ બધાં પાત્રો કોઈ સરકસના જાંગલાની માફક પોતાના પર હાસ્ય ઉપજાવનારા બની રહે છે. હકીકતમાં આ ઠઠ્ઠાચિત્રો જ છે. માનવમાત્રની વામનતા દોમિયેએ ઉઘાડી પાડી છે. અહીં રિનેસન્સ અને બરૉકની લેશમાત્ર અસર દેખાતી નથી. રંગોના જાડા સ્તર વડે કરેલાં આ ચિત્રોમાં છાયા-પ્રકાશની અદભુત અસરો જોવા મળે છે. ઘણે ઠેકાણે રંગોની મેળવણી પણ નથી કરી અને તેના અલગ અલગ ધબ્બાની અસર રહેવા દીધી છે. દોમિયેનાં તૈલચિત્રોની સંખ્યા તેના લિથોગ્રાફ અને એચિંગની સરખામણીમાં ઘણી ઓછી છે. આ માટે તેની નબળી આર્થિક સ્થિતિ પણ જવાબદાર હતી.

દોમિયેનું એક ચિત્ર છે ‘ગાનારાં’. ગળું ફાડીને–ચીસો પાડીને શાસ્ત્રીય ગાયન કરતી સ્ત્રીઓ દેખાવમાં કેટલી બેહૂદી, કદરૂપી અને હાસ્યાસ્પદ દેખાય છે તેનું વેધક ચિત્રણ અહીં છે. હકીકતમાં દોમિયેના રોમૅન્ટિક વલણમાં ઠંડો-ક્રૂર વાસ્તવવાદ ભળેલો હતો. તેથી જ તે વિષયથી યોગ્ય અંતર રાખીને વિષય પર ક્રૂર કટાક્ષ કરી શકતો; પરંતુ ચિત્ર ’થર્ડ કલાસના ડબ્બાના મુસાફરો’માં પીડિત જનસામાન્ય તરફ તેની પૂરી કરુણા અને અનુકંપા પ્રદર્શિત થાય છે. ગરીબો માટે આટલો બધો પ્રેમ હોવા છતાં તેનાં ચિત્રોમાં કોઈ વેવલાઈ દેખાતી નથી. છતાં, માનવીના અન્યો પ્રત્યેના ઘાતકી વર્તન અને અન્યાયથી ઊભી થતી કરુણ પરિસ્થિતિના પડઘા તેનાં ચિત્રોમાંથી સંભળાય છે. ભૂખરા અને કથ્થાઈ રંગોની એક અદભુત શ્રેણી તેનાં ચિત્રોમાં જોવા મળે છે. દોમિયેએ કાંસાનાં શિલ્પ પણ બનાવ્યાં છે. તેમાં પણ આ વલણ જોઈ શકાય છે.

અમિતાભ મડિયા