દોરી-દોરડાં ઉદ્યોગ : કુદરતી કે કૃત્રિમ, શુદ્ધ કે મિશ્ર, રેસાઓને વળ ચઢાવીને સેર(strand)માં અને સેરને દોરી-દોરડાંમાં ફેરવવાનો ઉદ્યોગ. જો બનાવટ પાતળા તાર રૂપે હોય તો તેને દોરી કહે છે અને જો તે જાડી હોય તો દોરડું, રાશ, રાંઢવું, રજ્જુ એવા વિવિધ નામે ઓળખાય છે.

પરંપરાગત રીતે સૂતર અથવા ભીંડી, નારિયેળ કે શણનાં છોડાંને એકબીજા સાથે વળ આપીને વણીને લાંબાં જાડાં દોરડાં બનાવવામાં આવે છે. ભિન્ન ભિન્ન પ્રકારના રેસાઓના મિશ્રણ તેમજ વણવાની જુદી જુદી તકનીકોને કારણે દોરડાંની વિવિધ પ્રકારની હજારો જાતો ઉપલબ્ધ છે.

ઇતિહાસ : હજારો વર્ષોથી માનવજાત પેપિરસ, સૂતર, મનીલા, સીસલ અને શણ જેવા કુદરતી રેસાઓનો ઉપયોગ દોરડાં બનાવવા માટે કરતી આવી છે. આ નાના કે ટૂંકા રેસાઓને સખત  વળ આપી દોરી કે દોરડાં બનાવવામાં આવતાં. જરૂરી મજબૂતાઈ મેળવવા માટે શરૂમાં ત્રણ સેરનાં વળવાળાં દોરડાં બનાવવામાં આવતાં હતાં.

પથ્થરયુગના માનવીએ પથ્થર તથા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી બાંધકામ કર્યાના પુરાવા મળેલા છે. આ માટે ભારે પથ્થરો કે વસ્તુઓને એક સ્થળેથી બીજે સ્થળે ફેરવવાનીં મુશ્કેલીઓના ઉકેલ તરીકે દોરડાં વણવાની કળાની શોધ થઈ હોવી જોઈએ. આનો પ્રારંભ વાધરી(ચામડાની સાંકડી, લાંબી પટ્ટી)ને વણીને જાડી દોરડી બનાવવાના કસબમાંથી ઉદભવ્યો અને પછીથી વિકસ્યો છે. પાષાણયુગનાં મળી આવેલાં ઓજારો અને શસ્ત્રો તેમજ યુરોપની ગુફાઓમાંનાં પ્રાણીચિત્રો તથા કોતરણીઓ પરથી અનુમાન થઈ શકે છે કે પ્રાણીના ચામડાની પટ્ટીમાંથી કે ઝાડની ખાલમાંથી રેસા બનાવી ગૂંથીને દોરી/દોરડાં બનાવવાનું જ્ઞાન પ્રાચીન કાળના  માનવે હસ્તગત કરેલું હતું. પથ્થરયુગના અંત પહેલાં સાદડી અને ટોપલીની ગૂંથણી શરૂ થયાના પુરાવા મળે છે. આને લીધે પછીથી જાડા, વળ આપેલ દોરામાંથી દોરડાં બનાવવાની કળા વિકસી હોય એમ જણાય છે. પ્રાણીજન્ય તથા વાનસ્પતિક (રેશમના તંતુઓ, ઝાડની ખાલ કે થડ વગરના) ટૂંકા રેસાઓને ભેગા કરીને, કાંતીને કે વળ આપીને લાંબા રેસાઓ બનાવવાની જાણકારી માનવસંસ્કૃતિ આગળ વધતાં ઉપલબ્ધ થઈ.

દક્ષિણપૂર્વ એશિયામાં કાથીમાંથી જાડા દોરા તથા દોરડાં બનાવવાની વિધિ પ્રચલિત છે. હાલ પણ જ્યાં નારિયેળીનાં ઝાડ પુષ્કળ થાય છે ત્યાં તેનાં છોડાંમાંથી કાથીને વળ આપીને દોરી કે દોરડાં બનાવવાનો ગૃહઉદ્યોગ મોટા પાયા પર ચાલે છે.

ઇજિપ્તમાં દોરડાં બનાવવાની કળા તેના પિરામિડ જેટલી જૂની છે. ઈ. સ. ના આશરે 3500 વર્ષ પહેલાં ભારે પથ્થરોની શિલાઓ અને કદાવર મૂર્તિઓને ગુલામો પીઠ પર ચામડાની પટ્ટીઓ કે પેપિરસના સાંઠામાંથી બનાવેલાં મજબૂત દોરડાં વડે બાંધીને કે ખેંચીને ઊંચે ચઢાવતા હતા કે તેમની હેરફેર કરતા હતા. પિરામિડ અને કબરો ઉપર ચીતરેલાં ચિત્રો પરથી આ માલૂમ પડે છે.

ગ્રીસ ઉપર ઝૅરઝૅસની ઈ. સ. પૂ. 480માં કરાયેલી ચઢાઈના હિરૉડોટસ દ્વારા કરાયેલા વર્ણન ઉપરથી દોરડાં વણવાની કળાની પ્રગતિનો ખ્યાલ આવે છે. હેલીસ્પોન્ટ નદીને ઓળંગવા માટે એકબીજીને જોડીને નાની નાની નૌકાઓનો એક પુલ બનાવવામાં આવ્યો હતો. તેમાં એક પછી એક નાની નાની દરેક નૌકાને છ-છ દોરડાંથી બાંધવામાં આવતી. આ છ દોરડાંમાં બે દોરડાં સફેદ શણનાં અને ચાર પેપિરસમાંથી બનાવેલાં હતાં. દરેક દોરડાંની લંબાઈ 24 કિમી. જેટલી હતી. શણનાં દોરડાંનું વજન દર મીટરે 57 કિગ્રા. હતું અને દોરડાંનો વ્યાસ 36 સેમી. હતો.

ભારતમાં પણ દોરડાં બનાવવાની કળાનો અને તેના ઉદ્યોગનો ઉદભવ ઈસુની પૂર્વે ચોથી સદીથી થયેલો હોવાનું જણાય છે. ભારતમાં શણ અને કાથીનાં દોરડાં વિવિધ જરૂરિયાતો પ્રમાણે બનાવવામાં આવતાં હતાં. દક્ષિણ ભારતનાં ગામડાંઓમાં હાલ પણ બે હથેળી વચ્ચે દાબીને વળ આપીને શણના રેસાઓમાંથી દોરી-દોરડાં બનાવવાનો ગૃહવ્યવસાય અસ્તિત્વમાં છે જ. આ નાના રેસાઓ-(દોરાઓ)ને ત્રાકની મદદથી ભેગા કરીને લાંબા તાર બનાવવામાં આવે છે અને ત્યારબાદ જરૂર પડ્યે દોરડાં ગૂંથવામાં આવે છે.

ચીનમાં હેન વંશના સમયમાં (ઈ. સ. પૂ. 206થી ઈ. સ. 221) રેશમના રેસાઓમાંથી બનાવેલાં દોરડાંનો ઉપયોગ રાજાના મૃતદેહોની ગાડીને ખેંચવા માટે થતો હતો. ઈ. સ. પૂ.ની અઠ્ઠાવીસમી સદી પહેલાં રાજા શેનનુન્ગે ચીનમાં શણની ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું. પહેલી સદીની શરૂઆતમાં શણનો મુખ્ય ઉપયોગ દોરડાં બનાવવામાં થવા લાગ્યો. આ પરિસ્થિતિ ઓગણીસમી સદીના મધ્ય સુધી ચાલુ રહી.

ઈ. સ. 1830માં અમેરિકામાં દોરડાં બનાવનારોઓએ અબાકા છોડના રેસાઓમાંથી દોરડાં બનાવવાનું શરૂ કર્યું. આ દોરડાં મનીલા તરીકે જાણીતાં થયાં. આ દોરડાં શણનાં દોરડાં કરતાં મજબૂત હતાં. દરિયામાં વહાણનાં કામો માટે આ દોરડાંઓ, અન્ય વપરાતાં દોરડાં કરતાં, ઘણાં જ અનુકૂળ હતાં. આમ શણની જગ્યાએ અબાકા રેસાઓનો ઉપયોગ વધતો રહ્યો. આ પ્રકારનાં દોરડાંનો ઉપયોગ ઈ. સ. 1950ના દાયકા સુધી  સતત ચાલુ રહ્યો.

ઓગણીસમી સદીની શરૂઆતમાં ધાતુના તારમાંથી બનાવેલાં દોરડાંનો ઉપયોગ થવા લાગ્યો. આવાં દોરડાં મજબૂત અને દુર્નમ્ય હોઈ તેમનો ઉપયોગ લિફ્ટમાં, ઊંટડામાં, નદીના પુલોના બે છેડાઓને ખેંચવામાં તેમજ  ઝૂલતા પુલ, રોપ-વે વગેરે બનાવવામાં થવા લાગ્યો. વહાણોમાં પણ ધાતુનાં દોરડાંનો ઉપયોગ વધ્યો.

વિલ્હેમ આલ્બર્ટે (ખાણ ખાતાના અધિકારી) 1831થી 1834 દરમિયાન ઘણાં સંશોધનો અને પ્રયોગો કરીને ધાતુના તારનાં દોરડાં બનાવ્યાં હતાં. પહેલવહેલી વખત તેમણે ખાણમાંથી માલને ખેંચીને ઊંચે ચઢાવવા માટે  આ દોરડાંનો ઉપયોગ કર્યો ત્યારે લોકોને નવાઈ લાગેલી. આ દોરડાં કિંમતમાં અને મજબૂતાઈમાં શણનાં દોરડાં કરતાં અનેક રીતે ચડિયાતાં માલૂમ પડ્યાં. આને કારણે ખાણ-ઉદ્યોગમાં તેમનો વપરાશ એકદમ વધી પડ્યો. ત્યારબાદ આ તારની સેરવાળાં દોરડાંનો ઉપયોગ રેલવેમાં તથા વધુ વજનદાર વસ્તુઓ ઊંચકવા માટે થવા લાગ્યો.

અમેરિકામાં સૌપ્રથમ જ્યોન એ રોબલિંગે (1806-69) ગૂંથેલી સેરવાળાં ધાતુના તારનાં દોરડાં બનાવવાનું કારખાનું નાંખ્યું. આને કારણે અમેરિકાનાં બંદરો ઉપર વપરાતાં શણનાં દોરડાંનો ઉપયોગ એકદમ ઓછો થઈ ગયો અને તેને સ્થાને ધાતુના તારનાં દોરડાં વપરાવા લાગ્યાં. શરૂઆતમાં આવાં દોરડાં 1.6 કિમી. લંબાઈનાં અને 7.6 સેમી. વ્યાસનાં બનાવવામાં આવતાં.

‘સિવિલ વૉર’ (1861–65) પછી ધાતુના તારનાં દોરડાં બનાવવાનો ઉદ્યોગ મોટા પાયે શરૂ થયો. તે પહેલાં ધાતુની પટ્ટીઓને ખેંચી લાંબી કરવામાં આવતી અને આવી ખેંચેલી લાંબી, પાતળી, પટ્ટીઓને એકઠી કરીને, એકબીજીને સમાંતર ગોઠવીને ડામરમાં રંગેલાં શણનાં દોરડાંથી બાંધીને ધાતુના તારનાં દોરડાં બનાવવામાં આવતાં. ઈ. સ. 1816માં ફિલાડેલ્ફિયાની સ્કુયીલફીલ નદી ઉપર 124 મી. લાંબા પુલને બે બાજુથી ખેંચીને લટકાવવા માટે આ પ્રકારનાં દોરડાંનો ઉપયોગ થયેલો. 1838માં બ્રિટનમાં નૌકાસૈન્યનાં લાકડાનાં જહાજોને ખેંચવા માટે પણ આવાં દોરડાંનો ઉપયોગ થયો હતો.

ઈ. સ. 1940ની આસપાસ કૃત્રિમ રેસા(melt spun synthetic fibres)ની શોધ થતાં દોરડાં બનાવવામાં તેનો ઉપયોગ એકદમ વધી ગયો. 1950ના દાયકામાં નાયલૉન દોરડાં બનાવવામાં ઉપયોગમાં લેવાતાં મનીલા દોરડાંનો ઉપયોગ ઘટવા લાગ્યો. ત્યારબાદ પૉલિઇથિલીન, પૉલિપ્રોપિલીન, પૉલિયેસ્ટર અને આરમીડ જેવા અન્ય કૃત્રિમ રેસાઓ, અસ્તિત્વમાં આવતાં તેમનો ઉપયોગ મજબૂત દોરડાં બનાવવામાં થવા લાગ્યો. આવાં દોરડાં અધિકતમ મજબૂતાઈ અને વધુ સ્થિતિસ્થાપકતાવાળાં તથા જલદી તૂટી ન જાય તેવાં હોય છે. પૉલિઇથિલીન, પૉલિપ્રોપિલીન અને પૉલિઓલિફીન જેવા રેસાઓ સસ્તા પૉલિમરોમાંથી બનાવવામાં આવે છે. આ રેસાઓના ગુણધર્મો નાયલૉન અને પૉલિયેસ્ટરના રેસાઓ કરતાં ઊતરતી કક્ષાના હોય છે.

આ પ્રકારના રેસાઓનાં ગલનબિંદુ નીચાં હોય છે તથા તે જલદીથી સરકી શકે છે. આવા રેસાઓનો ફાયદો એ છે કે તેમની ઘનતા ઓછી હોવાને કારણે આવા રેસાઓમાંથી બનાવેલાં દોરડાં પાણી પર તરી શકે છે. વળી તે કિંમતમાં પણ સસ્તાં પડે છે. આમ છતાં દરિયાઈ (વહાણ માટે) ઉપયોગમાં લેવાતાં પૉલિએમાઇડનાં દોરડાં કરતાં પૉલિયેસ્ટરમાંથી બનાવેલાં દોરડાં અનેક રીતે ચઢિયાતાં છે. પૉલિયેસ્ટરમાંથી બનાવેલાં દોરડાં અક્કડ હોવાને કારણે જ્યાં સ્થિતિસ્થાપકતા જરૂરી ન હોય ત્યાં તેનો ઉપયોગ વધુ થાય છે. જ્યાં વધારે વ્યાસવાળાં જાડાં દોરડાંની જરૂર હોય ત્યાં પૉલિયેસ્ટરનાં દોરડાં આરમીડ રેસામાંથી બનાવેલાં દોરડાં કરતાં કિંમતમાં સસ્તાં પડે છે.

‘ટેવરોન ઍરેમિક’ જેવા કૃત્રિમ રેસાઓ મળતાં ધાતુના તારમાંથી બનાવેલાં દોરડાંનું બજાર તૂટવા લાગ્યું. આ રેસાઓ ઘણા મજબૂત અને ઘટ્ટ હોય છે. જોકે કિંમતમાં તે ઘણાં જ મોંઘાં હોય છે.

દોરડાં બનાવવાની પદ્ધતિ : દોરડાં બનાવવા માટે વિવિધ પ્રકારના કુદરતી, કૃત્રિમ કે ધાતુના ટૂંકા રેસાઓનો કે તેના મિશ્રણનો ઉપયોગ થતો હોય છે. આને કારણે દોરડાંમાં જરૂરિયાત પ્રમાણે તેના

ગુણધર્મો તથા વિવિધતા લાવી શકાય છે. આવા મિશ્રણવાળાં દોરડાં ઘણાં મજબૂત હોય છે. દોરડાંની જરૂરી મજબૂતાઈ તેના ઉપર ચઢાવવામાં આવતા વળ અને દોરડાંની જાડાઈને નિયંત્રિત કરીને મેળવી શકાય છે.

બૉસ્ટનમાં 1642માં સૌપ્રથમ સ્થપાયેલી ‘રોપ-વૉક’ની પદ્ધતિથી દોરડાં બનાવવાની રીત વિશ્વમાં ઘણી જ પ્રચલિત બની છે. આ માટે ત્રણ પ્રકારનાં સાધનોની જરૂરિયાત રહે છે :

(1) દોરડાંની સેર બનાવવા માટે વળ દેવા કડીવાળા ટ્રાવેલર્સની

(2) દોરડાંને વધુ વળ આપવા માટે એક કે વધારે કડીઓ (hooks)

(3) દોરડાંને આપેલો વળ કાયમી રહે તે માટે ફોરબોર્ડ.

દોરડામાં રેસાઓની ગોઠવણી એવી રીતે થવી જોઈએ કે તેમના ટૂંકા રેસાઓ આંતરગ્રથિત (interlock) થઈ અનંત લંબાઈવાળા મજબૂત દોરડાં શક્ય બનાવે. આ માટેની સામાન્ય રીત એવી હોય છે કે તેમાં  રેસા અથવા સેરના અનેક સમૂહોને એક દિશામાં (દા. ત., જમણી બાજુ) વળ ચઢાવવામાં આવે અને તે પછી આ રીતે મળતી સેરોને સામેની (દા. ત., ડાબી બાજુની) દિશામાં વળ ચઢાવવામાં આવે. જ્યારે દોરડાંને તાણવામાં આવે ત્યારે પ્રત્યેક રેસાના વળમુક્ત (untwist) થવાના વલણ સામે સમગ્ર દોરડાંમાં ઊલટી દિશામાં વળમુક્ત થવાનું વલણ જોવા મળે છે. અમળાટ(twisting)ને કારણે આ રેસાઓ ભેગા થાય છે. અને ઘર્ષણ દ્વારા બળનું એક રેસામાંથી બીજામાં એમ સળંગ સંચરણ થાય છે.

કુદરતી રેસાઓમાંથી દોરડાંની બનાવટ : રેસાઓને કાંતીને વળ ચઢાવીને વણીને સતત લાંબાં, મજબૂત અને જાડાં દોરડાં બનાવવામાં આવે છે.

રૂને કાંતીને, વણીને દોરી કે દોરડાં બનાવવામાં આવે છે, જ્યારે વનસ્પતિજન્ય રેસાઓને તેના છોડની છાલ કાઢીને લાંબી પટ્ટી જેવી બનાવીને, વણીને વળ આપીને દોરડાં બનાવવામાં આવે છે. આ માટે મોટેભાગે તેના છોડના નાના પાતળા થડને પાણીમાં પલાળીને તેની છાલ છૂટી પાડવામાં આવે છે. ત્યારબાદ તેને ધોઈને સૂકવીને વણવામાં આવે છે. પ્રાણીઓના વાળમાંથી પણ દોરા બનાવવામાં આવે છે.

અબાકા (મનીલા) રેસા કેળની જાત(musa textilis)ના છોડમાંથી બનાવવામાં આવે છે. આ છોડ મુખ્યત્વે ફિલિપાઇન્સમાં થાય છે. સીસલ રેસાઓ રામબાણની એક જાત(agave sisalana)ના છોડમાંથી બનાવવામાં આવે છે. મહદંશે આફ્રિકા અને બ્રાઝિલમાં આની ખેતી થાય છે. મુખ્યત્વે મેક્સિકોમાં રામબાણની બીજી જાતના (agave fourcroydes) છોડમાંથી હેનિક્યૂન રેસાઓ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ પણ દોરડાં બનાવવામાં થતો હતો.

કૃત્રિમ રેસાઓમાંથી દોરડાં બનાવવાની પ્રક્રિયા : કૃત્રિમ રેસાઓમાંથી બનાવેલાં દોરડાં, કુદરતી રેસાઓમાંથી બનાવેલાં દોરડાં કરતાં મજબૂત હોય છે. ઉપરાંત તેનું સ્થિતિસ્થાપકપણું વધુ હોય છે; દા. ત., પૉલિયેસ્ટરની દોરીથી કોઈ પણ વસ્તુને બાંધતી વખતે તે દોરીને ખેંચીને વસ્તુને બાંધી શકાય છે.

સામાન્યત: કૃત્રિમ રેસાઓમાંથી દોરડાં નીચે પ્રમાણેની રીતથી બનાવવામાં આવે છે.

(1) રેસા(fibre/filament)ને વળ ચઢાવીને યાર્ન સ્વરૂપમાં લાવવા માટે તૈયાર કરવામાં આવે છે.

(2) રેસાઓને જથ્થામાં વણીને સૂતરના તારના સ્વરૂપમાં બનાવવામાં આવે છે અને તેમાંથી જાડા દોરડા(cord)ના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે.

(3) યાર્નના આવા રેસાઓના જૂથને વળ ચઢાવીને દોરડાંની સેરમાં ફેરવવામાં આવે છે.

યાર્નના રેસાઓના જૂથને વળ ચઢાવીને દોરડાંની સેરમાં ફેરવવાની પ્રક્રિયા

નાયલૉન, પૉલિયેસ્ટર અથવા પૉલિપ્રોપિલીન, જેવા પૉલિમરોના રસને એકદમ ઝીણાં કાણાંવાળી ચારણીમાંથી પસાર કરવામાં આવે છે. રેસાઓ ગરમ હોય ત્યારે ખેંચીને જરૂર પ્રમાણે બારીક બનાવવામાં આવે છે. આ ખેંચવાની પ્રક્રિયાને કારણે રસાયણોના ઘટકો અંદરોઅંદર યોગ્ય રીતે ગોઠવાય છે અને તેને કારણે દોરડાં બનાવવા માટે જરૂરી મજબૂતાઈ તે મેળવે છે. આ તારની બારીકાઈનું માપન ‘ડેનિયર’ના એકમમાં થાય છે અને તેની મજબૂતાઈને ગ્રામ/ડેનિયરમાં દર્શાવાય છે. છે. ડેનિયરવાળા 9000 મી. લાંબા નાયલૉન યાર્નનું વજન 6 ગ્રામ જેટલું થાય છે. ઓછામાં ઓછા 6.5 ગ્રામ/ડેનિયરની મજબૂતાઈવાળું નાયલૉન યાર્ન દોરડાં બનાવવા માટે યોગ્ય ગણાય છે.

પૉલિપ્રોપિલીનનું ગલનબિંદુ નીચું હોવાથી દોરડાં બનાવનાર કંપનીઓ આને રેસાના સ્વરૂપમાં મેળવે છે અને ત્યારબાદ તેમાંથી જ દોરડાં બનાવે છે. તે સ્વરૂપમાં અને ગુણધર્મોમાં ધાતુના રેસા જેવાં અને કડક હોય છે.

હેક્ઝામિથિલીન ડાયએમાઇન અને એડિપિક ઍસિડ (નાયલૉન   6,6) કે ક્રેપ્રોલેક્ટમ(નાયલૉન 6)ના મિશ્રણમાંથી બનાવેલા પૉલિમરને ‘નાયલૉન’ તરીકે વિશ્વ ઓળખે છે. ઇથિલીન ગ્લાયકોલ અને ટેરેફ્થેલિક ઍસિડની પ્રક્રિયા કરીને પૉલિયેસ્ટર રેસાઓ બનાવવામાં આવે છે. બજારમાં ડેક્રોન, ટેરિલીન વગેરે વ્યાપારિક નામોથી આ રેસાઓ તથા કાપડ પ્રચલિત છે.

કાચની વધુ મજબૂતાઈ તથા ઓછી સ્થિતિસ્થાપકતાને કારણે કાચના રેસાઓનો ઉપયોગ દોરડાં બનાવવા માટે થાય છે; પરંતુ કાચ જલદી તૂટી જાય તેવો હોવાથી તેમાંથી દોરડાં બનાવવાની પ્રક્રિયા કરતી વખતે ઘણી જ કાળજી રાખવી પડે છે. કાચના રેસાઓમાંથી બનાવેલાં દોરડાંનો ઉપયોગ કરતાં પહેલાં તેના ઉપર યોગ્ય રેઝિનનું પડ ચઢાવવામાં આવે છે. તેને કારણે આવાં દોરડાં વધુ મજબૂત બને છે.

વિવિધ પ્રકારની જરૂરિયાત અને ઉપયોગને કારણે વિશ્વમાં દોરડાંની બે લાખ ઉપરાંતની જાતો બનાવી શકાય તેમ છે.

ધાતુના તારમાંથી બનાવાતાં દોરડાં : ધાતુના તારમાંથી બનાવેલાં દોરડાં કુદરતી કે કૃત્રિમ રેસાઓમાંથી બનાવેલ દોરી કે દોરડા કરતાં ભારે, વધુ મજબૂત અને અક્કડ, પણ ઓછાં સ્થિતિસ્થાપક હોય છે. આ દોરડાં બનાવવાની વિધિ કુદરતી કે કૃત્રિમ રેસાઓમાંથી દોરડાં બનાવવાની વિધિને મળતી આવે છે.

લોખંડના કે શણ, મનીલા, સીસલ કે પૉલિપ્રોપિલીન મૉનોફિલામેન્ટની જાડી દોરીના અંતર્ભાગ (core) ઉપર ધાતુના તારને વળ આપી સેર બનાવવામાં  આવે છે. આવી છ સેરોને ભેગી કરી વણીને દોરડું બનાવવામાં આવે છે. અંતર્ભાગમાં જાડી દોરીને કારણે સળમાં વણાતા તાર યોગ્ય રીતે રહે છે અને દોરડાંને વાળવામાં આવે છે ત્યારે દોરડું સ્થિતિસ્થાપક રહી તૂટી જતું નથી.

દોરડાં બનાવવામાં વપરાતા તારો ગૂંચળાં (coils) રૂપે પ્રાપ્ત થતા હોય છે. આવા તારોને રીલ કે બૉબિન ઉપર ફરીથી વીંટી લેવામાં આવે છે. નવા ગૂંચળામાંના તારના છેડાઓને વણીને કે વેલ્ડિંગ કરીને સતત લંબાઈવાળા બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બધાં રીલો કે બૉબિનોને ગોળ ગોળ ફરતાં ફ્લાયર્સમાં ટેન્ડમ પંજેટીની સમાંતર ગોઠવવામાં આવે છે. જેને કારણે વિવિધ તારો ભેગા કરીને વળ આપી શકાય છે. આ વળ આપેલી સેરોને ચુસ્ત રીતે ભેગી કરીને વળ આપી શકાય છે. તેને ચુસ્ત રીતે રીલ ઉપર વીંટી લેવામાં આવે છે. આમ, ચુસ્ત રીતે રીલ કે બૉબિન ઉપર વીંટેલી સેરોને એકબીજીની નજદીક લાવવામાં આવે છે અને છ છ સેરોને ભેગી કરીને વળ આપી દોરડાંમાં ફેરવવામાં આવે છે. આ દોરડાંને મશીન દ્વારા ખેંચીને મોટા રીલ ઉપર ધીરે ધીરે વીંટાળી દેવામાં આવે છે અને જરૂરી ઉપયોગમાં લેવામાં આવે છે.

સેરના વ્યાસનો આધાર કેટલી જાડાઈના કેટલા તારોની સેર બનાવવાની છે તેના ઉપર રહે છે. અલબત્ત, જાડા તારમાંથી બનાવેલી સેર અને તેમાંથી બનાવેલાં દોરડાં ઘસારા સામે વધુ પ્રતિરોધક હોય છે.

ધાતુના તાર મજબૂત, ટકાઉ તથા સ્થિતિસ્થાપકપ્રતિરોધ હોવાને કારણે કેબલોમાં આનો ઉપયોગ વધવા લાગ્યો છે. કેબલોના નવા નવા ઉપયોગ પણ શોધાવા લાગ્યા છે.

દોરડાંના ગુણધર્મો : દોરડાંના ઉપયોગ પ્રમાણે વિવિધ ગુણધર્મો અને વણાટ (texture) ધરાવતાં દોરડાં બનાવવામાં આવે છે. આ વણાટ અને ગુણધર્મો દોરડાં બનાવવામાં વપરાયેલા દોરા અને તાર ઉપર આધાર રાખે છે. રંગ, બારીકાઈ, મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને ર્દઢતા (દુર્નમ્યતા, stiffness) જેવા ગુણધર્મો દરેકના જુદા જુદા હોય છે. નટ જે દોરડાંનો ઉપયોગ કરે છે તેમાં મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા વધુ હોવી જોઈએ. તેનો રંગ કોઈ પણ હોય તો ચાલે. રૂના સૂતરમાંથી બનાવેલાં દોરડાં ભીંડી, કાથી કે શણમાંથી બનાવેલાં દોરડાં કરતાં પોચાં, કમજોર પણ ખેંચી શકાય તેવાં હોય છે. શણમાંથી બનાવેલાં દોરડાં કરતાં મનીલામાંથી બનાવેલાં દોરડાં વધુ મજબૂત હોય છે.

વપરાશને લીધે દોરડાંને ઘસારો પડે છે. આ ઉપરાંત વાતાવરણ (ભેજ, તાપ વગેરે)ની અસરને કારણે તેમાં વિકૃતિ આવે છે. આથી દોરડાંના ઉપયોગી આયુષ્યનો આધાર તેનો ક્યાં અને કેવા પ્રકારનાં કાર્યો માટે ઉપયોગ થાય છે તેના ઉપર રહે છે. વાતાવરણને કારણે સતત અતિશય ભારે વજન ખેંચાતું રહેવાને કારણે, દોરડાંની સપાટી ઉપર પડતા ઘસારાને લીધે, તેમજ અન્ય વિવિધ કારણોને લઈને દોરડાંનો ધીરે ધીરે હ્રાસ થાય છે. કુદરતી રેસાઓમાંથી બનાવેલાં દોરડાં જલદીથી નાશ પામે છે. જ્યારે કૃત્રિમ રેસાઓમાંથી બનાવેલાં દોરડાં, સૂર્યના તાપની, લિફ્ટ જેવાં સાધનોમાં થતા ખેંચાણની તેમજ રસાયણોની અસરને કારણે ધીમે ધીમે નાશ પામે છે. આથી દોરડાંનો ઉપયોગ કરનારે આ બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે.

જ્યારે દોરડાંને તાણવામાં આવે છે ત્યારે તે સતત ખેંચાય છે. આ ક્રિયા અમુક હદ સુધી જ શક્ય છે. છેવટે એક સમય એવો આવે છે કે તે તૂટી જાય છે. આને દોરડાંની તૂટ-શકિત (breaking-strength) કહે છે. તૂટ-શક્તિનો આધાર દોરડાંને આપેલા વળ અને ખેંચવાના વજન ઉપર છે. 12.7 મિમી. વ્યાસનાં દોરડાંઓના તુલનાત્મક ગુણધર્મો સારણી 1માં આપ્યા છે.

 

 

 

 

રેસાઓ/તાર

તૂટબિંદુ

(ટકાવારીમાં)

તૂટ-શકિત

(કિગ્રા.માં)

એક મી.નું

વજન

આશરે

દોરડાંના

ખેંચાવાથી

(કિગ્રા.માં)

1.

 

 

 

 

કુદરતી રેસાઓ

(ત્રણ સેર, વળ આપેલ)

મનીલા

સીસલ

સૂતર (રૂ)

1203

962

658

0.112

0.112

0.109

13

13

17

2.

 

 

 

 

 

કૃત્રિમ રેસાઓ

(ત્રણ સેર, વળ આપેલ)

 
નાયલૉન

પોલિયેસ્ટર

પૉલિપ્રોપિલીન

2906

2906

1907

0.097

0.119

0.070

45

30

35

3.

 

 

 

 

 

 

 

 

તારનાં દોરડાં (6 X 9)

સામાન્ય ઢોળ ચડાવ્યા

વગરનાં, ફાયબર કોર)

લોખંડ

માઇલ્ડ (નરમ) સ્ટીલ

પ્લાવ

ફૉસ્ફર બ્રૉન્ઝ

સ્ટેનલેસ સ્ટીલ

(કાટપ્રતિરોધક સ્ટીલ)

3814

7718

8535

4186

10351

0.60

0.60

0.60

0.67

0.69

0.5

0.5

0.5

0.5

0.5

દુનિયાભરના દેશોમાં વિવિધ પ્રકારનાં દોરડાં અંગેનાં માનકો (standards) પ્રસિદ્ધ થયેલાં છે. ભારતમાં પણ વિવિધ ઉપયોગો માટે વપરાતાં જુદાં જુદાં પ્રકારનાં દોરડાંને લગતા તથા તેની ચકાસણીને લગતા લગભગ 70 જેટલાં માનકો ‘ભારતીય માનક સંસ્થા’(ISI)એ તૈયાર કરીને પ્રસિદ્ધ કરેલાં છે.

ભારત દર વર્ષે રૂ. 25થી 30 કરોડનાં વિવિધ પ્રકારનાં દોરડાંની નિકાસ કરે છે, જ્યારે રૂપિયા ત્રણેક કરોડનાં દોરડાંની આયાત કરે છે.

દોરડાંના ઉપયોગો : દોરી-દોરડાંના ઉપયોગો અસંખ્ય અને અનેક પ્રકારના છે. ભારે વસ્તુને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે કે ફેરવવા માટે યોગ્ય પ્રકારનાં દોરડાંનો ઉપયોગ એ સામાન્ય બાબત છે. સામાન્ય રીતે દોરીનો ઉપયોગ કપડાં થેલા વગેરે સીવવામાં, પૅકિંગમાં, પતંગ ચગાવવામાં, વગેરેમાં થાય છે. જ્યારે વિવિધ પ્રકારનાં દોરડાંનો ઉપયોગ કૂવામાંથી પાણી કાઢવામાં, રમતગમતમાં, ટ્રાફિકની વ્યવસ્થા જાળવવામાં, વિદ્યુતકામમાં, ટેલિફોનના કામમાં, વાડ બનાવવામાં, વગેરેમાં થાય છે.

રેશમની દોરીનો ઉપયોગ સોના-ચાંદી વગેરેનાં ઘરેણાંમાં થાય છે; દા. ત., હાર કે બ્રેસલેટમાં મોતી વગેરે પરોવવા માટે સોના-ચાંદી જેવી ધાતુના તાર અથવા માનવસર્જિત રેસાઓનો  ઉપયોગ ભરતકામમાં થાય છે. કીમતી સાડીઓના ભરતકામમાં સોના કે ચાંદીના તાર વધુ વપરાય છે.

ધાતુના તારનાં દોરડાંઓનો ઉપયોગ મોટેભાગે ગરગડીની મદદથી ભારે વસ્તુને ખેંચવા કે ખેંચીને ઊંચે ચઢાવવા માટે થાય છે. આમ, ખાણમાંની ખોદેલી વસ્તુને ઉપર લઈ જવામાં, લિફ્ટને ઊંચે-નીચે લઈ જવામાં, પુલો બનાવવામાં તેમજ ઊંટડા, વહાણ વગેરેમાં લોખંડની કે અન્ય મિશ્ર ધાતુઓમાંથી બનાવેલાં દોરડાંનો ઉપયોગ થાય છે. દરિયાઈ કાર્યમાં વપરાતાં દોરડાં ઉપર ઢોળ ચઢાવેલો હોય છે, જેથી તેને કાટ લાગે નહિ. તાંબા અને ઍલ્યુમિનિયમ જેવી ધાતુનાં દોરડાં વિદ્યુતના વહન માટે, ટેલિફોનમાં અને વીજળીનાં સાધનો માટે વપરાય છે. ઝૂલતા પુલ માટે લોખંડનાં દોરડાં વપરાય છે.

વજન વહન કરવાની જરૂરિયાત પ્રમાણે દોરડાંના ઉપયોગને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય :

(1) પ્રસંગોપાત્ત, ઓછું વજન ફેરવવાનું હોય તે માટે વપરાતાં દોરડાં; દા. ત., વહાણની બાજુ પર સલામતી માટે લગાડવામાં આવતાં દોરડાં, ઝોળીવાળા હીંચકા માટે વપરાતાં દોરડાં, ટ્રાફિક રોકવા આડ ઊભી કરવા માટે વપરાતાં દોરડાં વગેરે.

(2) વારંવાર અથવા કાયમી ઓછા વજનની હેરફેર માટે વપરાતાં દોરડાં; દા. ત., એન્ટેનાનું દોરડું.

(3) પ્રસંગોપાત્ત, વધુ વજન ખેંચવા માટે વપરાતાં દોરડાં; દા. ત., બગડેલાં વાહનોને ખેંચીને બીજા સ્થળે ફેરવવાના કાર્ય માટે વપરાતાં દોરડાં.

(4) વારંવાર અથવા કાયમી વધારે વજનની હેરફેર માટે વપરાતાં દોરડાં; દા. ત., મોટી મોટી જાહેરાતના હોર્ડિંગો(બોર્ડ)ને ખેંચીને બાંધવા માટે વપરાતાં દોરડાં, પુલોના બે છેડાઓને ખેંચીને રાખવા માટે વપરાતાં દોરડાં વગેરે.

વિવિધ પ્રકારનાં દોરડાંના જુદા જુદા ગુણધર્મોને કારણે દોરડાંના ઉપભોક્તાઓને આજે ઘણા પર્યાયો પ્રાપ્ત છે; દા. ત., દરિયામાં વહાણ માટે પહેલાં વધુ વળ આપેલાં મનીલા દોરડાંઓનો ખૂબ ઉપયોગ થતો હતો; પરંતુ હવે નાયલૉન કે પૉલિપ્રોપિલીનમાંથી બનાવેલાં દોરડાંનો ઉપયોગ વધુ થાય છે, કારણ કે આ પ્રકારનાં દોરડાં વધુ મજબૂત અને વજનમાં હલકાં હોય છે. પર્વતારોહણ કરનાર વ્યક્તિઓ નાયલૉનમાંથી બનાવેલાં દોરડાંનો ઉપયોગ કરે છે, કારણ કે આવાં દોરડાંમાં મજબૂતાઈ તથા ર્દઢતા હોય છે. માછીમારીની જાળ (fishnet) માટે પણ નાયલૉનના દોરા વપરાય છે.

ધાતુશાસ્ત્રનાં વધુ ને વધુ સંશોધનોને કારણે ધાતુનાં તારનાં દોરડાં બનાવવાના ઉદ્યોગમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. તારનાં દોરડાં બનાવનાર ઔદ્યોગિક સાહસો વધુ ને વધુ મજબૂતાઈવાળાં દોરડાં બનાવવા લાગ્યાં છે. દરિયાઈ સેવાઓ માટે ઉપયોગમાં લેવાતાં ધાતુનાં દોરડાંમાં કાટ જલદી લાગી જાય છે અને તે વધુ ખવાઈ જવાની શક્યતા રહે છે. આને કારણે વહાણો અથવા અન્ય દરિયાઈ સેવાઓ માટે વપરાતાં દોરડાંને ખાસ કરીને કાટપ્રતિરોધક બનાવવામાં આવે છે. તેથી તેવાં દોરડાં ફૉસ્ફર બ્રૉન્ઝ અને સ્ટેનલેસ સ્ટીલના તારોમાંથી બનાવવામાં આવે છે.

ઈ. સ. 2009–10માં દેશમાં આશરે 4600 કરોડની કિંમતના ધાતુના તાર અને દોરડાંનું વેચાણ કરવામાં આવ્યું હતું. તેમાંથી આશરે 3.94 કરોડની નિકાસ કરવામાં આવી હતી.

પ્રવીણ શાહ