પદવિન્યાસ (વાસ્તુપુરુષમંડલ) : મંદિરનિર્માણ માટેની પ્રયોજિત ભૂમિને જુદાં જુદાં પદો(plots)માં વિભાજિત કરવાની પદ્ધતિ. માનસાર પ્રમાણે આવી ભૂમિને પદોમાં વિભાજિત કરવાની 32 પદ્ધતિઓ છે. પ્રયોજિત ભૂમિ પર આઠ આડી રેખાઓને છેદતી આઠ ઊભી સમાંતર રેખાઓ દોરવામાં આવે તો 8 × 8 = 64 પદવાળો પરમ શાયિક વાસ્તુ પદ વિન્યાસ બને છે. આ રીતે 49, 81, 100, 1000 પદ ધરાવતા વાસ્તુપુરુષમંડલ રચી શકાય.
દરેક પદના એક અધિષ્ઠાતા દેવ હોય છે જેને પદદેવતા કહે છે. કેન્દ્રસ્થાનનો સ્વામી બ્રહ્મા હોય છે, તેથી તે ભાગને બ્રહ્મપદ કહેવામાં આવે છે. બ્રહ્માનાં ચાર પદ હોય છે. કેટલાક દેવને બે, એક અને અર્ધ પદ હોય છે. ‘સમરાંગણ સૂત્રધાર’ પ્રમાણે પ્રત્યેક વાસ્તુપદ વિન્યાસમાં કુલ 45 દેવો હોય છે. સ્ટેલા ક્રેમરીશે મહારાષ્ટ્રના અંબરનાથ મંદિરનો સમરાંગણ સૂત્રધારમાં નિર્દિષ્ટ વાસ્તુપુરુષમંડલને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કર્યો છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના માઇકલ ડબલ્યૂ. મેઇસ્ટરે વાસ્તુપુરુષમંડલને કેન્દ્રમાં રાખીને મંદિરોનો અભ્યાસ કર્યો છે. તેઓના મત પ્રમાણે મધ્ય ભારતના ઈ. સ.ની 7મીથી 11મી સદી સુધીનાં મંદિરો 64 પદ ધરાવતા વાસ્તુપુરુષમંડલ પ્રમાણે બાંધવામાં આવ્યાં છે. તેમણે બિહારના શાહબાદ જિલ્લાના મુંડેશ્વરી સ્થળના શિવમંદિરનો આ દૃષ્ટિએ અભ્યાસ કર્યો છે.
અષ્ટકોણીય તલરછંદ અને ગર્ભગૃહ ધરાવતુ 8 × 8 = 64 પદવાળા વાસ્તુપુરુષને બદલે 12 × 12 = 144 પદવાળા વાસ્તુ પુરુષ મંડલ પ્રમાણે બાંધવામાં આવ્યું છે. રતન પારિમુએ ગુજરાતના સોલંકીકાલીન સૂણકના નીલકંઠના મંદિરને 64 પદ ધરાવતું હોવાનું જણાવ્યું છે. ગર્ભગૃહ અને મંડપનો સમચોરસ 12 ફૂટનો હોવાથી 12 ફૂટ ÷ 8 = 18 ઇંચનો એક પદ થાય છે.
થોમસ પરમાર