પદાર્થચિત્ર : નાની નાની અને નજીવી જણાતી ચીજવસ્તુઓને એકલી કે સમૂહમાં આલેખવાનો એક ખાસ પશ્ચિમી ચિત્રપ્રકાર. પ્રાચીન વિશ્વમાં ગ્રીક અને રોમન કલાઓમાં પદાર્થચિત્રો મળી આવે છે અને તે ક્યારેક મોટાં મોઝેક સ્વરૂપે હોય છે. તે પછી મધ્યયુગની બાઇઝૅન્ટાઇન, રોમનેસ્ક, પ્રારંભિક ખ્રિસ્તી અને ગૉથિક શૈલીની કલાઓમાં પદાર્થચિત્ર લોપ પામ્યું. સોળમી સદીમાં પદાર્થચિત્રની પુન:સ્થાપના કરવામાં ડચ ચિત્રકારોએ પહેલ કરી અને આ ચિત્રો ‘સ્ટેલેવન’ કહેવાતાં. માત્ર ફળ-ફૂલનાં ચિત્રો કે સવારના નાસ્તાની વાનીઓ, છીપલાં, કાચ અને ચાંદી તથા તાંબાનાં પાત્રોનાં ચિત્રોને ‘ઓંટબીટ’ (breakfast piece) કહેતા. આ પ્રકારનાં ચિત્રોનું મુખ્ય કેન્દ્ર હતું હાર્લેમ તથા તેના પ્રણેતા ચિત્રકારો હતા ક્લાએઝ અને હેડા. ચિત્રિત સામગ્રીનો ભવ્ય ભભકાસભર દેખાવ આ ચિત્રોનું આખરી ધ્યેય હતું.

પદાર્થચિત્રનો બીજો પ્રકાર છે ‘વનીતાસ’. તેમાં ચિત્રિત પદાર્થો પ્રતીકાત્મક રીતે ગર્ભિત ધાર્મિક અર્થોનો સંકેત કરે છે. એમાં મનુષ્યના દુન્યવી જીવનની તુચ્છતા અને ક્ષણભંગુરતા દર્શાવાય છે. આ ચિત્રોમાં રેત-ઘડિયાળોમાં સરી જતી રેતી, ખોપરીઓ, અરીસા, પતંગિયાં, પુષ્પો અને પીગળીને ખલાસ થતી જતી મીણબતીઓ વડે આ ભાવ પ્રત્યક્ષ શૈલીથી દર્શાવાતો. આ શૈલી હોલૅન્ડના ઉટ્રૅખ્ત નગરમાં અને પછી લંડનમાં ચિત્રકાર જાન ડાવીડ્ઝ હીમ દ્વારા વિકાસ પામી. તે સંત જેરોમની ‘મેમેન્ટો મોરી’ની રજૂઆતમાંથી ઊતરી આવી હોય તે શક્ય છે. ‘મેમેન્ટો મોરી’ – ચિત્રશૈલીની રજૂઆતમાં સંત જેરોમને ક્ષણભંગુર ચીજવસ્તુઓથી ઘેરાયેલા બતાવવામાં આવે છે.

‘વનીતાસ’ શૈલીપ્રકાર કરુણ વાતાવરણ ઊભું કરતો હોવાથી ‘મેલેન્કોલિયા’ પણ કહેવાય છે. પ્રતીક-શૈલીનાં પદાર્થચિત્રોમાં ખ્રિસ્તી ધર્મનાં ગૂઢ પ્રતીકોનો ઉપયોગ થતો હોઈ તે સમજવામાં મુશ્કેલ બને છે. દાખલા તરીકે ખોપરી એ માનવજીવનની ક્ષણભંગુરતા અને નાશવંત પ્રકૃતિનું પ્રતીક છે. માતા વર્જિન મેરી, અને અન્ય સંતોના મૂર્તિવિધાન, હોલી ટ્રિનિટી, પૅશન અને યૂકેરિસ્ટ સૂચવતા પદાર્થો તથા બ્રેડ, પાણી અને દારૂ આ ચિત્રોમાં આલેખાયેલાં જોવા મળે છે.

પુષ્પચિત્રો ઘણી વાર પ્રતીક-શૈલીનાં પદાર્થચિત્રોથી અલગ તારવવાં મુશ્કેલ બને છે. આ ચિત્રોમાં આલેખેલાં પુષ્પો વિવિધ ઋતુઓનાં પ્રતીક બને છે અને વરસની ચોક્કસ ઋતુ સૂચવે છે.

આ ઉપરાંત રાચરચીલું અને રસોડાની વિવિધ સામગ્રી, માંસના ટુકડા અને અન્ય ઘરવખરી દર્શાવતાં પદાર્થચિત્રોની પણ આગવી પરંપરા છે. આ પરંપરામાં આયેર્ટસન, બ્યૂકેલિયર અને બેસાનો મુખ્ય ચિત્રકારો છે. સૌપ્રથમ પુષ્પચિત્ર જર્મન ચિત્રકાર લજર ટૉમ ટિંગ દ્વારા સોળમી સદીમાં થયું. ઇટાલીમાં પદાર્થચિત્રના વિકાસમાં સૌથી મહત્ત્વનો ફાળો કારાવાજિયોનો છે. તેમાં ફળોની અને માછલીઓની ટોપલીઓ મુખ્ય ચિત્રવિષયો છે.

સ્પેનના ગોયા જેવા રંગદર્શી ચિત્રકારની પીંછી ‘પ્લક્ડ ટર્કી’ ચિત્રમાં પંખીના મડદાને પણ નાટકીય ઢબે ચીતરી દર્શક પર મૃત્યુની આઘાતજનક છાપ છોડી જાય છે. સ્પેનના ઝુર્બારાન, સાન્ચેઝ કોટાન અને મેલેન્ડેઝ ચિત્રકારો પણ નાટ્યાત્મક અભિવ્યક્તિ વડે પદાર્થચિત્રને જીવંત બનાવી શક્યા હતા. ફ્રાંસમાં અઢારમી સદીમાં સૌથી મહત્ત્વનો પદાર્થચિત્રકાર શાર્દાં છે. આ ઉપરાંત મોઇલોં, સ્ટોસ્કોપ અને ઑડ્રીનો ફાળો પણ નોંધપાત્ર છે.

આધુનિક કલાકારોમાં સેઝાન, માતીસ, પિકાસો, બ્રાક, ડેરેઇન, માને વગેરે ચિત્રકારોએ પદાર્થચિત્ર કર્યાં છે. આધુનિક ભારતીય ચિત્રકળામાં 1940ની આસપાસ બેન્દ્રે અને સૂઝાએ પદાર્થચિત્રમાં સૌપ્રથમ સર્જનાત્મક ચિત્રણ કર્યું.

સ્વાતંત્ર્ય પછીની કલામાં કલાકારોએ પોતીકી શૈલીમાં પદાર્થચિત્રો કર્યાં. તેમાં મકબૂલ ફિદા હુસેન, જ્યોતિ ભટ્ટ, વિનોદ શાહ, ગાડે અને ગાયતોંડે ઉલ્લેખનીય છે.

અમિતાભ મડિયા