પદમસી, અલેક (. 5 માર્ચ 1931; . 17 નવેમ્બર 2018) : ભારતમાં પ્રવૃત્ત અંગ્રેજી રંગભૂમિના તથા વિજ્ઞાપનક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના અગ્રણી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું. લિન્ટાસ, લંડન ખાતે ફિલ્મ ટૅક્નિકનું પ્રશિક્ષણ મેળવ્યું. 1955-57માં જે. વૉલ્ટર ટૉમ્પસન નામની વિજ્ઞાપન કંપનીના ફિલ્મ્સ-એક્ઝિક્યુટિવ તરીકે, 1969માં લિન્ટાસ લિમિટેડ નામની વિજ્ઞાપન કંપનીના ક્રિયેટિવ કન્ટ્રોલર તરીકે તથા હિન્દુસ્તાન લીવર કંપનીના માર્કેટિંગ મૅનેજર તરીકે, 1970થી 1980 દરમિયાન લિન્ટાસની મુંબઈ શાખાના જનરલ મૅનેજર અને ક્રિયેટિવ ડિરેક્ટર તરીકે તથા 1980થી લિન્ટાસ ઇન્ડિયા લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે એમણે સર્ફની લલિતાજી, હમારા બજાજનો પરિવાર, કામસૂત્રનું યુગલ, એમ. આર. એફનો મસલમૅન, ધોધ નીચે નહાતી લિરીલની યુવતી કે ચૅપ્લિન જેવા દેખાતા ચૅર બ્લોઝમના વિદૂષક જેવાં વિવિધ પાત્રો દ્વારા જાહેરાતના માધ્યમથી એ ચીજવસ્તુઓને જબરદસ્ત લોકપ્રિય બનાવી વિજ્ઞાપનક્ષેત્રે ગણનાપાત્ર ફાળો આપવા બદલ અનેક રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ પ્રાપ્ત કર્યા; જેમાં કમર્શલ આર્ટિસ્ટ્સ ગિલ્ડ ઍવૉર્ડ, તથા પ્રિક્સ નૅશનલ ઍવૉર્ડ (1984), ક્લિયો હૉલ ઑવ્ ફેમ (1986) મુખ્ય છે.

વિજ્ઞાપનક્ષેત્રની સમાંતરે પોતાની ‘થિયેટર ગ્રૂપ’ નાટ્યસંસ્થાના ઉપક્રમે વિવિધ શૈલીનાં અંગ્રેજી નાટકો ભજવી અંગ્રેજી રંગભૂમિક્ષેત્રે પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. ‘મૅન ઑવ્ લા માન્ચા’, જાણીતા અમેરિકન નાટ્યકાર ટેનિસી વિલિયમ્સકૃત ‘એ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’, પોતાની પ્રથમ કૃતિથી જ વિશ્વ રંગમંચ ઉપર છવાઈ જનાર પીટર વાઇસકૃત સાંપ્રત રંગભૂમિનું મહત્ત્વપૂર્ણ નાટક ‘Marat/Sade’ની હિન્દી રજૂઆત ‘પાગલખાના’, વેસ્ટ એન્ડ પર અત્યંત સફળ થયેલ રાઇસ-વેબરકૃત મ્યુઝિકલ નાટક ‘એવીતા’  (જેમાં પ્રસિદ્ધ પૉપગાયિકા શેરોન પ્રભાકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી), કુસ્તીના સ્વરૂપે પૅરડી અને તેમાં પણ મ્યુઝિકલ ભજવાઈ શકે એવું સિદ્ધ કરનાર નાટક ‘ટેરૅન્ટ્યુલા ટેન્ઝી’, શેક્સપિયરનું જગવિખ્યાત નાટક ‘ઑથેલો’ વગેરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલી નાટ્યકૃતિઓ સફળતાપૂર્વક ભજવવા ઉપરાંત તેમણે બૅંગાલુરુમાં રહેતા અને અંગ્રેજીમાં સહજતાથી લખી શકનાર ગુજરાતી નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા અને નૃત્યવિદ મહેશ દત્તાણીનાં અંગ્રેજી નાટકો ‘તારા’ અને ‘ફાઇનલ સૉલ્યુશન્સ’ પણ ભજવ્યાં છે. એરિયલ ડૉર્ફમૅનકૃત અંગ્રેજી નાટક ‘ડેથ ઍન્ડ ધ મેડન’ તેમણે ભજવેલી જાણીતી કૃતિ છે. જ્ઞાનપીઠ ઍવૉર્ડથી સન્માનિત મૂર્ધન્ય નાટ્યકાર ગિરીશ કર્નાડકૃત ‘તુગલક’ (મૂ. ભૂ. કબીર બેદી) અને ‘બ્રોકન ઈમેજીસ’ (મૂ. ભૂ. શબાના આઝમી)ની અંગ્રેજી ભાષામાં તેમના દ્વારા થયેલી પ્રસ્તુતિ સીમાચિહ્નરૂપ ગણાય છે. નાટ્યદિગ્દર્શનક્ષેત્રે તેમણે આપેલા અનન્ય ફાળા બદલ તેમને 1987માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ અપાયો. ‘બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ના તેઓ 1950થી સભ્ય હતા. 1950-51 દરમિયાન તેઓ વિશ્વવિખ્યાત નાટ્યતાલીમ સંસ્થા રૉયલ એકૅડમી ઑવ્ ડ્રામૅટિક આટર્સ, લંડનના સભ્ય હતા.

રિચર્ડ ઍટનબરોની જગજાણીતી ફિલ્મ ‘ગાંધી’માં તેમણે જિન્નાહની અવિસ્મરણીય ભૂમિકા ભજવી છે. સંગીત નાટક અકાદમી દ્વારા તેમને ‘રવીન્દ્રનાથ ટાગોર રત્ન’ ઍવૉર્ડ મળ્યો છે. સન 1999માં તેમની આત્મકથા ‘એ ડબલ લાઇફ’ પ્રકાશિત થઈ, જેમાં જાહેરાત અને રંગભૂમિની બેવડી કારકીર્દિની સૂક્ષ્મ છણાવટ રસપ્રદ શૈલીમાં કરવામાં આવી છે.

2000માં ભારત સરકારે પદ્મશ્રીનો ઍવૉર્ડ આપીને એમનું સન્માન કર્યું છે. મુંબઈ ઍડવર્ટાઇઝિંગ ક્લબે તેમને ‘ઍડવર્ટાઇઝિંગ મેન ઑફ ધ સેન્ચુરી’ કહ્યા છે.

મહેશ ચંપકલાલ શાહ