નાનજી, પ્રાણલાલ દેવકરણ (જ. 11 જૂન 1894, પોરબંદર; અ. 22 જુલાઈ 1956, મુંબઈ) : જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા.
તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા.
દેવકરણ નાનજીના પરિવાર દ્વારા દેવકરણ નાનજી બૅન્કિંગ કંપનીની સ્થાપના 26 મે, 1938ના રોજ કરવામાં આવી, જે ડિસેમ્બર, 1939થી ‘દેના બૅન્ક’ તરીકે જાણીતી બની. 1 એપ્રિલ, 2019થી દેના બૅન્કને બૅન્ક ઑફ બરોડામાં સમાવવામાં આવી. તેમના નેતૃત્વ હેઠળ 1946માં ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તેમણે 1944-45 અને 1952-53માં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું.
તેઓ સારા ફોટોગ્રાફર હતા. 1941-42 દરમિયાન તેઓ ફોટોગ્રાફિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના પ્રમુખપદે રહ્યા હતા. સ્વદેશી ચળવળને વેગ આપવા તેમણે સ્વદેશી લીગ ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને પોરબંદર રાજ્યના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય વિદ્યાભવનની શૈક્ષણિક સંસ્થાઓના સહસ્થાપક હતા.
તેમણે કરેલાં કાર્યો બદલ પોરબંદર રાજ્ય દ્વારા રાજભૂષણ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા તેમને બૉમ્બે સિટી માટે જસ્ટિસ ઑવ્ ધ પીસ અને માનદ પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા. 1977માં ભારતીય વિદ્યાભવનની ધ ભવન્સ કૉલેજ ઑવ્ કમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટનું નામ ‘ભવન્સ પ્રાણલાલ દેવકરણ નાનજી કૉલેજ ઑવ્ માસ કમ્યુનિકેશન’ કરવામાં આવ્યું છે. તેમની યાદમાં ‘પ્રાણલાલ દેવકરણ નાનજી પુરસ્કાર’ આપવામાં આવે છે.
અનિલ રાવલ