નાનકી, ગુલામરસૂલ (. 1900, શ્રીનગર) : કાશ્મીરી લેખક. માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. મૅટ્રિક થઈ શાળા છોડી અને ત્યાં જ શિક્ષણવિભાગમાં શિક્ષકની નોકરી સ્વીકારી. તે પછી ત્યાં જ કૉલેજમાં પ્રવેશ લઈ અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને બી.એ. થયા. ત્યાંના શિક્ષણવિભાગ તરફથી પ્રગટ થતા ‘તૈલિમી નાદીદ’ સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું. 1948માં આકાશવાણીમાં જોડાયા અને ત્યાંથી નિવૃત્ત થયા પછી કાશ્મીરી અઠવાડિક ‘ચમન’નું તંત્રીપદ સ્વીકાર્યું. એમણે કાશ્મીરી કવિતાના બધા પ્રકાર ખેડ્યા છે અને ‘રુબાઈ’ કાવ્યપ્રકારમાં એમણે અજોડ સિદ્ધિ મેળવી છે. એમણે કાશ્મીરની પ્રજાના ભાવોના નિરૂપણ માટે ફારસીની પ્રશિષ્ટ કાવ્યરીતિ અપનાવી છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘નમરૂદનામા’ 1964માં પ્રગટ થયો. એમણે કાશ્મીરી કવિ ગની કાશ્મીરી વિશે ફારસીમાં પુસ્તક લખ્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા