ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ)

January, 2024

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ) (જ. 28 સપ્ટેમ્બર 1920, સાવલી, જિ. વડોદરા અ. 6 નવેમ્બર 2011, વલસાડ) : અનુગાંધીયુગીન ગુજરાતી કવિ. માતા લલિતાબહેન. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં. વડોદરા કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. (1942) અને ગુજરાતી સાથે એમ.એ. (1945) થયા. એ દરમિયાન રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક અને થોડોક સમય ‘નભોવાણી’ના તંત્રી. 1947થી નવસારીની અને 1957થી વલસાડની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. 1968થી વલસાડમાં આચાર્ય. ત્યાંથી 1980માં નિવૃત્ત. શિક્ષણ અને સાહિત્યમાંની સાતત્યવાળી ને નોંધપાત્ર કારકિર્દીને કારણે તેમને પી. ઈ. એન.નું સભ્યપદ (1966) મળેલું. નર્મદ સુવર્ણચંદ્રક (1971), રણજિતરામ સુવર્ણચંદ્રક (1972), રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક (1976) આદિ પુરસ્કારો પણ તેમને પ્રાપ્ત થયેલા છે. 1979માં ગુજરાતીનો અધ્યાપક સંઘના પ્રમુખ અને 1991થી 1993 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.

ઉશનસ્

1940 આસપાસથી આરંભી એકધારી રીતે કાવ્યસર્જન કરનાર ઉશનસના 11 કાવ્યસંગ્રહો પ્રકાશિત થયેલા છે. ઉપરાંત આ સંગ્રહોમાંથી એમણે જ સંપાદિત કરેલા ગીતસંચય ‘કિંકિણી’ (1971) અને ભારત-પ્રવાસનાં સૉનેટોનો સંચય ‘ભારતદર્શન’ (1974) પણ પ્રગટ થયેલાં છે. સુરેશ દલાલે ઉશનસનાં સર્વ કાવ્યોમાંથી ચયન કરી ‘વીથિકા’ નામે સંગ્રહ પ્રગટ કરેલો છે.

સમકાલીન કવિતામાંથી કેટલાક પ્રભાવો ઝીલીને પણ પોતાની આગવી મુદ્રા ઉપસાવતી ગયેલી ને ગુજરાતી કવિતાના લગભગ પ્રત્યેક સ્થિત્યંતર સાથે તાલ મેળવતી રહેલી એમની કવિતા ત્રણ મહત્ત્વના વિકાસક તબક્કાઓ દર્શાવે છે. ‘પ્રસૂન’ (1955), ‘નેપથ્યે’ (1956), ‘આર્દ્રા’ (1959) અને ‘મનોમુદ્રા’ (1960) એ સંગ્રહોની પાંચમા-છઠ્ઠા દાયકાની, પહેલા તબક્કાની કવિતા ગાંધીયુગીન ભાવનાશીલતા ને ચિંતનનિષ્ઠા, કલ્પનરાગી આત્મસંવેદનનું આલેખન, બદ્ધવૃત્તોની સાધના, પ્રકૃતિ-પ્રણયાદિ વિષયો ને મુક્તક, સૉનેટ, સંવાદકાવ્યો આદિ સ્વરૂપોનું વૈવિધ્ય તથા અલંકારસઘન તત્સમ કાવ્યબાની જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ‘તૃણનો ગ્રહ’ (1964) અને ‘સ્પંદ અને છંદ’ (1968) સંગ્રહો એમની કવિતાનો બીજો તબક્કો દર્શાવે છે. આ ગાળામાં, રૂઢ બની ગયેલાં કાવ્યરૂપોમાં પણ એમણે ઉત્કૃષ્ટ કાવ્યકલાનો આવિષ્કાર કરતા રહેવાનો પડકાર ઝીલી લીધો છે. ‘અનહદની સરહદે’ સૉનેટમાળા એના ઉત્તમ નમૂનારૂપ છે. રૂઢ અલંકરણ અને તત્સમ કાવ્યબાનીમાંથી અરૂઢ કલ્પનાશક્તિ ને તરલ પદાવલી તરફનો એમનો ઝુકાવ પણ આ કવિતામાં જોઈ શકાય છે. નવીન કવિતાનાં ઉપકરણોને પણ તેઓ સફળ-અર્ધસફળપણે અજમાવતા રહ્યા છે. ‘અશ્વત્થ’ (1975), ‘રૂપના લય’ (1976), ‘વ્યાકુલ વૈષ્ણવ’ (1977), ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (1979) અને ‘શિશુલોક’ (1984) એ સંગ્રહોમાંની કવિતા સર્જક ઉશનસને ભાવના-ચિંતનના સંદર્ભોમાંથી સૃષ્ટિના આદ્ય વિસ્મયને ‘એ વિસ્મયના જ એક સ-જીવ માધ્યમ’રૂપે અવગત કરવા તરફ અને છંદ-સૉનેટાદિ કરતાં વધુ અછાન્દસ ને ગીતરચના તરફ, ઠીકઠીક સફળતાપૂર્વક, લઈ જતો ત્રીજો તબક્કો છે. ‘અશ્વત્થ’માં નિવેદનરૂપે મૂકેલું ‘કવિનું જાહેરનામું’, પહેલા બે સંગ્રહોમાંની એક્સ્ટસી નામક રચનાઓ, ‘વ્યાકુલ વૈષ્ણવ’ની ભક્તિમાધુર્યવાળી તરલ ગીતરચનાઓ તથા ‘પૃથ્વીને’માંની કેટલીક અછાન્દસ રચનાઓ એમની બદલાયેલી મુદ્રાની અર્થસઘનતાને બદલે નાદમાધુર્યને વિશેષ લક્ષ્ય કરે છે. વિષયો, સ્વરૂપો અને ઉપકરણો-પદાવલીનું વિપુલ વૈવિધ્ય એમની સમગ્ર સર્જનયાત્રામાં જોવા મળે છે છતાં ઉશનસ્ ગુજરાતી કવિતામાં વિશેષ જાણીતા રહ્યા છે વિપુલ પ્રમાણમાં સંસ્કૃત વૃત્તોને પ્રયોજનાર તરીકે, સંખ્યા-ગુણવત્તા ઉભયની દૃષ્ટિએ નોંધપાત્ર સૉનેટ રચનાર તરીકે અને એકંદરે પ્રબળ સર્ગશક્તિ ધરાવતા કવિ તરીકે. તેમની કવિતાઓ ‘સમસ્ત કવિતા’ નામે ગ્રંથરૂપે મળે છે.

અધ્યાપક તરીકેના વ્યાસંગે એમણે વિવેચન પણ લખ્યું છે. ‘બે અધ્યયનો’ (1952), ‘રૂપ અને રસ’ (1966), ‘ઉપસર્ગ’ (1973) અને ‘મૂલ્યાંકનો’(1979)માં ગ્રંથસ્થ એમના વિવેચનનાં મુખ્ય પરિમાણો છે : સિદ્ધાન્તવિવેચન, ઐતિહાસિક સાહિત્યપ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, અવલોકનો-આસ્વાદો-વિવરણો. કવિતા અને વિવેચન ઉપરાંત એમની કેટલીક નાટ્યકૃતિઓ, નિબંધો ને રેખાચિત્રો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. જેમાં ‘સદ્માતાનો ખાંચો’ (સ્મૃતિકથા), ‘વગડો’ નામે નવલકથા, ‘દક્ષિણાયન’ નામે પ્રવાસવર્ણન ઉલ્લેખનીય છે.

રમણ સોની