ઉવટ (ઈ. અગિયારમી સદી)

January, 2004

ઉવટ (ઈ. અગિયારમી સદી) : શુક્લ યજુર્વેદના સુપ્રસિદ્ધ ભાષ્યકાર. તેઓ વજ્રટના પુત્ર હતા અને ઉજ્જયિનીમાં રહીને તેમણે રાજા ભોજના સમયમાં (વિ. સં. 1100) યજુર્વેદ પર ભાષ્યની રચના કરી હતી. (आनन्दपुरवास्तव्यवज्रटस्य च सूनुना । उवटेन कृतं भाष्यमुज्जयिन्यां स्थितेन तु ।।)

તેઓ નાગર બ્રાહ્મણ અને આનંદપુર એટલે હાલના વડનગરના વતની હતા. આ ઉવટના ભાષ્યનું મુદ્રણ કોલકાતા, બનારસ દિલ્હીથી – 1971માં અને મુંબઈથી 1929માં થયું છે. એના ભાષ્યની સાથે મહીધરનું ભાષ્ય પણ મુંબઈથી છપાયું છે અને ક્યાંક ચોકસાઈના અભાવે મહીધરના ભાષ્યને પણ ઉવટનું ભાષ્ય માની છાપી નાખ્યું હોય તેવું બન્યું છે.

ઉવટ બહુશ્રુત વિદ્વાન હતા અને તેઓ પ્રાચીન ભારતીય યજ્ઞપરંપરાના સારા જાણકાર હતા. તેઓએ ઋગ્વેદ પર પણ ભાષ્ય રચ્યું હતું એવું સંશોધન કરવાનો પ્રયત્ન થયો છે, પણ હજુ સિદ્ધ થયું નથી. કાત્યાયનની સર્વાનુક્રમણી પર ઉવટે રચેલા ભાષ્યની હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. વળી ઉવટે ઋકપ્રાતિશાખ્ય પર પણ ભાષ્ય રચ્યાનું મનાય છે.

ગૌતમ પટેલ