ઉવએસપદ (ઉપદેશપદ) (આઠમી સદી) : ઉપદેશલક્ષી સાહિત્યની પ્રાકૃત રચના. પ્રાકૃત કથાસાહિત્યમાં કેટલાક એવા ગ્રંથ પણ લખાયા છે, જે હકીકતમાં ધર્મોપદેશ માટે છે, છતાં તેમાં મળતી કથાઓ તે ગ્રંથોને મનોરંજક બનાવી દે છે. ‘ઉપદેશપદ’ એવી જ ઔપદેશિક કથાસાહિત્યની રચના છે. તેની રચના યાકિનીમહત્તરાના ધર્મપુત્ર અને ‘વિરહાંક’ પદથી પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ દ્વારા થઈ હતી. આ કૃતિની કુલ 1,039 ગાથાઓમાં 70 લઘુકથાઓ મનોરંજક શૈલીમાં રજૂ થઈ છે. તેના ઉપર મુનિ ચન્દ્રસૂરિએ વિ.સં. 1174માં ‘સુખબોધિની’ નામની ટીકા લખી છે. આ ટીકામાં ઉપદેશપદની મૂલકથાઓ વિસ્તાર પામી છે. આ ઉપદેશપદ ટીકા સહિત મુક્તિકમલ જૈન મોહનલાલ દ્વારા વડોદરાથી સંવત 1923 અને 1925માં બે ભાગમાં પ્રકાશિત થયેલું છે.
ઉપદેશપદની 3 કથાઓ ઘટનાપ્રધાન છે અને 19 કથાઓ ચરિત્રપ્રધાન છે. 5 કથાઓમાં ભાવના અને વૃત્તિની પ્રધાનતા છે અને 2 કથાઓ વ્યંગપ્રધાન છે. બુદ્ધિના ચમત્કારથી સંબંધિત 9 કથાઓ ઉપલબ્ધ છે, જ્યારે 5 કથાઓ મનોરંજનપ્રધાન છે. બાકી રહેલી કથાઓમાં નીતિ-ઉપદેશનું પ્રાધાન્ય છે.
ગ્રંથના પ્રારંભમાં મનુષ્યજન્મની દુર્લભતાનું પ્રતિપાદન કરનાર ધાન્યનું ઉદાહરણ આપ્યું છે. ધાન્યના દાણાઓમાં થોડીક સરસવ ભેળવવામાં આવે અને પછી કોઈ દુર્બલ, રોગી અને વૃદ્ધા નારીને સરસવના દાણાને ધાન્યના દાણાથી અલગ કરવાનું કહેવામાં આવે તો જેવી રીતે તે વૃદ્ધા માટે આ અત્યંત કઠિન બને તેવી જ રીતે અનેક યોનિઓમાં ભ્રમણ કરનાર પ્રાણીને માટે મનુષ્યજન્મની પ્રાપ્તિ દુર્લભ છે. ગ્રંથની બધી કથાઓ અર્થપૂર્ણ તેમજ મનોરંજક છે. તેમાં ઉખાણાં, પ્રશ્નોત્તર, સુભાષિત વગેરે મળે છે. ઉપદેશપદની એક ગાથામાં ધર્માદિની વ્યાખ્યા આપતાં કહ્યું છે : ધર્મ શું છે ? જીવદયા; સુખ શું છે ? આરોગ્ય; સ્નેહ શું છે ? સદભાવ; પાંડિત્ય શું છે ? હિત-અહિતનો વિવેક.
આ કથાઓ લઘુ છે છતાં પણ તેમાં કથાતત્વ પર્યાપ્ત માત્રામાં છે. ધર્મ, નીતિ અને સદાચારની પ્રતિષ્ઠા કરવામાં ઉપદેશપદ પૂર્ણત: સક્ષમ છે.
પ્રેમસુમન જૈન