ઉલ્લુર (જ. 6 જૂન 1877 ત્રાવણકોર, કેરાલા અ. 15 જૂન 1949 તિરુવનંતપુરમ્) : અર્વાચીન મલયાળમ કવિત્રિપુટીમાંના એક. બીજા બે આસાન અને વલ્લાથોલ. આખું નામ ઉલ્લુર એસ. પરમેશ્વર આયર. સામાન્ય રીતે એમનો પરિચય મલયાળમના વિદ્વાન કવિ તરીકે આપવામાં આવે છે. તેમનામાં સર્જકતા જેટલી જ વિદ્વત્તા હતી. મલયાળમ ઉપરાંત તમિળ, અંગ્રેજી અને સંસ્કૃતના પણ તેઓ પ્રખર વિદ્વાન હતા. એમ કહેવાય છે કે એમને આખું મહાભારત કંઠસ્થ હતું. ભારતીય સંસ્કૃતિ માટે તે હંમેશાં ગૌરવ લેતા. તેઓ વાચકને ઉદાત્ત પ્રેરણા આપે તેવી શિષ્ટ પરંપરાના સમર્થક હતા. કશાક ઉચ્ચ પ્રયોજન વિના એક પણ શબ્દ ન લખે તેવી વિરલ કોટિના એ લેખક હતા.

કવિતાનો તેમજ અન્ય તમામ માનવપ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃતિનો ક્ષિતિજવિસ્તાર કરવા સાથે માનવચિત્તને ઉદાત્ત બનાવવાનો હોવો જોઈએ એમ તે માનતા. સરકારી નોકરીને કારણે મુક્તતાથી લખી શકતા નહિ. માતૃભૂમિની પરતંત્રદશાથી દિલ દાઝતું હોવાથી તેમની કવિતામાંથી દેશભક્તિનો અવાજ સ્પષ્ટ નીકળી શકતો નથી. આથી તો પ્રાચીન વસ્તુ તરફ વળેલા અને ભૂતકાલીન ગૌરવને મુકાબલે વર્તમાન અવદશાનું સૂચન કરતા.

પચીસ કાવ્યસંગ્રહો, દશ નિબંધસંગ્રહો, એક નાટક અને ઓગણીસ સર્ગનું એક મહાકાવ્ય – એટલી સાહિત્યસમૃદ્ધિ ઉપરાંત સાત ગ્રંથોમાં એમણે મલયાળમ સાહિત્યનો ઇતિહાસ લખ્યો છે. હજુ સુધી મલયાળમ સાહિત્યનો આટલો પ્રમાણભૂત ને વિગતપૂર્ણ ઇતિહાસ લખાયો નથી. લખવા માટે એમણે 40 વર્ષ સુધી સતત પરિશ્રમ કરેલો. તે પ્રગટ થયા પછી તરત જ તેમનું અવસાન થયેલું. સાતમા ગ્રંથનું છેલ્લું પ્રકરણ એમણે મૃત્યુશય્યા ઉપરથી લખેલું.

અક્કવુર નારાયણન્