ઉલૂઘ બેગ વેધશાળા : મધ્ય એશિયાના સમરકંદમાં તૈમૂરના પુત્ર ઉલૂઘ બેગે 1428માં બંધાવેલી વેધશાળા. ટિમુરિડ શહેરની ઉત્તરે એક ખડકાળ વિસ્તારમાં બાંધવામાં આવેલી આ વેધશાળાથી ઉલૂઘ બેગ તેના ખગોળશાસ્ત્રના કાર્ય માટે સૌથી વધુ પંકાયેલ છે. તેણે ખગોળવેત્તા ટૉલેમીની ઘણી ભૂલો શોધી બતાવેલી. આ વેધશાળા અંદરની બાજુએ ષટ્કોણાકાર અને બહારથી ગોળાકાર બાંધકામવાળી છે. તેના કેન્દ્રમાં રહેલા ખાડાના ભાગને જોડતી પગથીઓ વર્તુલના ખૂણાના અંશમાપ સાથે મેળવેલી હતી. એક વિશાળ વર્તુલ અને કંપાસની મદદથી સૂર્ય, ચંદ્ર અને ગ્રહો તથા તારાઓના ભ્રમણનો
અભ્યાસ થઈ શકતો તેમજ તેની ગણતરી પણ નોંધી શકાતી. આ રચનાને ફરતી ગોળાકાર જગ્યામાં ત્રણ મજલાઓમાં નિર્મિત ઓરડાઓમાં કર્મચારીઓ માટે અને સાધનસામગ્રી સાચવવા વ્યવસ્થા કરવામાં આવેલી હતી. બધી જ દીવાલો પર ભીંતચિત્રો દ્વારા જ્ઞાત માહિતી અને બ્રહ્માંડની રચના તથા તેની સમજણનો ચિતાર અપાયેલ હતો.
રવીન્દ્ર વસાવડા