ઉલ્કા (1934) : વિખ્યાત મરાઠી લેખક વિ. સ. ખાંડેકરે આત્મકથનાત્મક શૈલીમાં લખેલી સામાજિક નવલકથા. તેના કેન્દ્રસ્થાને છે તેની નાયિકા ઉલ્કા. તે પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા એક આદર્શવાદી શિક્ષકની બુદ્ધિમાન પુત્રી છે. તે સાહિત્યરસિક, કવિતાની ચાહક અને કંઈક અંશે સ્વપ્નોમાં જીવતી, સાત્વિક મનોવૃત્તિ તથા સ્વતંત્ર વિચાર ધરાવતી યુવતી છે. ઉલ્કાને પ્રેમમાં બે વાર નિરાશા સાંપડે છે. પછી છેવટે બીજવર સાથે પરણવું પડે છે. પતિ શાળાનો શિક્ષક છે, તે અહંકારી અને વિકૃત મનોદશા ધરાવે છે. જુવાન વયમાં તે મૃત્યુ પામે છે. જીવનના આવા દાહક અનુભવથી ઉલ્કા ઘડાય છે.

ઉલ્કાના આત્મનિવેદનમાંથી તેનું વિશિષ્ટ વ્યક્તિત્વ ઘડનારાં તેનાં ધ્યેયવાદી પિતા, માતા, ફોઈ, બહેનપણીઓ ઇંદુ તથા નીરા, પ્રેમનાં સ્વપ્નોની દુનિયામાં લઈ જનાર તેના પ્રેમી વસંત અને માણિકરાવ, તેનો પતિ, તેની સાસુ અને તેના દિલમાં એક આદર્શ પુરુષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરનારો તેનો બાળમિત્ર ચંદ્રકાન્ત વગેરે પાત્રોનાં વ્યક્તિત્વ ઊપસી આવે છે.

‘પ્રેમ અને ધ્યેયપરસ્તી આ બે સામાન્ય માણસ માટે પણ શરીર પરનાં વસ્ત્રોની જેમ ઝટ કાઢી નાંખી શકાતાં નથી’ – આ વિચારપ્રવર્તક તત્વચિંતનનો પુટ કથાને આપવામાં આવ્યો છે. તેમ કરતી વેળાએ લેખકે તત્વપ્રતિપાદન પર વધુ ભાર મૂક્યો છે. લેખક ઉજ્જ્વળ ધ્યેયવાદથી પ્રેરાઈને સમાજના મધ્યમ વર્ગનાં તેમજ દલિત-પીડિતો માટે ઝઝૂમનારાં નાયક-નાયિકાઓને પોતાની કૃતિઓના કેન્દ્રમાં સ્થાપે છે. ‘જીવનની સફળતા ભોગમાં નહિ, પરંતુ ત્યાગમાં છે’ એવો સ્ફૂર્તિપ્રદ સંદેશ તે અવારનવાર આપતા રહે છે. તેનું નિદર્શન ‘ઉલ્કા’માં પણ થાય છે. સમકાલીન સમાજજીવનનું વાસ્તવિક ચિત્ર અને રાષ્ટ્રભાવનાથી રંગાયેલા વાતાવરણને કારણે પણ આ નવલકથા લોકપ્રિય નીવડેલી છે. તેનું ગુજરાતી, તમિળ તથા હિંદીમાં ભાષાંતર થયેલું છે.

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે