ઉલૂઘ બેગ મદરેસા : મધ્ય એશિયાના સમરકંદમાં તૈમૂરના સમય દરમિયાન 1417થી 1420 વચ્ચે તેના પૌત્ર ઉલૂઘ બેગે બંધાવેલું સ્થાપત્ય. સમરકંદ જૂનામાં જૂના શહેર તરીકે ઈ. પૂ. 6ઠ્ઠી સદીથી જાણીતું હતું. ઈ. પૂ. 329માં તેનો ઍલેક્ઝાન્ડર દ્વારા નાશ થયેલો. 9મી-10મી સદીમાં આરબ વિજેતાઓના સમયમાં તેનો પુન: વિકાસ થયેલો. 1924થી 1930 સુધી સમરકંદ ઉઝબેક રિપબ્લિકનની રાજધાની હતું.
1370માં સમરકંદ તૈમૂરની રાજધાની હતું. તૈમૂરના સમયમાં તે વધુ સમૃદ્ધ હતું. ત્યાંથી પ્રાચીન સ્થાપત્યના વિરલ અવશેષો પ્રાપ્ત થયા છે. ઉલૂઘ બેગ દ્વારા નિર્મિત મસ્જિદ, ખાનકાહ અને સરાઈઓમાંની એક મદરેસા જ હયાત છે. એક સો વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો આ મદરેસાના પટાંગણની આજુબાજુના બે મજલાના મકાનના ઓરડાઓમાં રહેતા. આ મદરેસાના બાંધકામ માટે અત્યંત આકર્ષક ‘બનાઈ’ પદ્ધતિ વપરાયેલ છે. ખાસ કરીને દીવાનખંડનું પ્રવેશદ્વાર, તેની બાજુની દીવાલોમાં મોટી ષટ્કોણાકાર આરસની લાદીનું જડતરકામ અને કમાનોની ઉપરના ભાગો આકર્ષક કારીગરીના નમૂના છે. એશિયાના આ ભાગમાં ભવ્ય અને શ્રેષ્ઠ સ્થાપત્યોના અવશેષો ઉપલબ્ધ થયા છે.
રવીન્દ્ર વસાવડા