ઉલૂઘખાન (જ. ?; અ. 1301) : ગુજરાતવિજેતા સુલતાન અલાઉદ્દીન-(ઈ. સ. 1296-1316)નો ભાઈ. મૂળ નામ અલમાસ બેગ. અલાઉદ્દીને ગાદીએ આવીને તેને ઉલૂઘખાનનો ખિતાબ અને સાયાના (પંજાબ) પ્રદેશનું ગવર્નરપદ આપ્યું. તે જ વર્ષમાં સુલતાનના આદેશથી તેણે મરહૂમ સુલતાન જલાલુદ્દીનના પુત્રોને મુલતાન જઈને જેર કર્યા હતા અને તેમને બંદી બનાવી દિલ્હી લાવ્યો હતો. મૉંગોલો, રણથમ્ભોરના રાજા હમ્મીરદેવ વગેરે સાથેની લડાઈઓમાં તેણે આગેવાની લીધી હતી. ઈ.સ. 1299માં ગુજરાતના રાજા કર્ણદેવ વાઘેલાને સખ્ત હાર આપીને ગુજરાત જીત્યું. ઠેઠ સોમનાથ સુધીનો પ્રદેશ કબજે કરીને સોમનાથમાં તેણે એક મસ્જિદ બંધાવી હતી. રણથંભોરથી દિલ્હી પાછા ફરતી વખતે રસ્તામાં 1301માં મૃત્યુ પામ્યો.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ