ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી
January, 2004
ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી (જ. 28 માર્ચ 1926, સોલાપુર, મહારાષ્ટ્ર, અ. 7 નવેમ્બર, 2006 મુંબઈ) : ક્રિકેટ ખેલાડી. જમોડી બૅટ્સમૅન, મધ્યમ ઝડપી અને ઑફસ્પિન-બૉલર. મહારાષ્ટ્રના સોલાપુર ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ પોલી ઉમરીગર મુંબઈ આવ્યા અને ત્યાં ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી બી.એસસી. થયા. અભ્યાસ દરમિયાન જ તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. આથી થોડા જ સમયમાં તેઓ રાષ્ટ્રીય તખ્તા પર પહોંચી ગયા.
1932થી 2003 સુધીમાં ભારતે રજૂ કરેલા મોખરાના ટેસ્ટખેલાડીઓમાં કાબેલિયતના આધારે પોલી ઉમરીગરે પહેલા દસ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. 1944-45થી રમાતી બૉમ્બે પેન્ટૅગ્યુલર મૅચમાં પારસી તરફથી હિંદુ ટીમ સામે રમી કારકિર્દીનો આરંભ કર્યા બાદ તેઓ 1948-49થી ભારતીય ટેસ્ટ-ટીમમાં સ્થાન પામ્યા. તેઓ 13 વર્ષ સુધી ટેસ્ટ-ક્રિકેટ રમ્યા, જેમાં તેમણે 59 ટેસ્ટમાં 42.22 રનની સરેરાશથી 3,631 રન નોંધાવ્યા. 1955માં ન્યૂઝીલૅન્ડ સામે તેમણે ફટકારેલા 223 રન તેમની કારકિર્દીનો સર્વોચ્ચ જુમલો રહ્યો છે. પોલીએ ટેસ્ટ કારકિર્દીમાં 12 સદીઓ અને 14 અડધી સદીઓ ફટકારેલી. વળી એક ફિલ્ડર તરીકે તેમણે 33 કૅચ પણ ઝડપ્યા છે. સૌથી વધુ રન, સૌથી વધુ સદીઓ, સૌથી વધુ કૅચ – આ ત્રણેય વિક્રમો આજે વામણા લાગે; પરંતુ એ કાળે વિરાટ હતા. સુનીલ ગાવસ્કર આજે 10,000થી વધારે રનનો વિક્રમ ધરાવે છે, પરંતુ એક સમયે ભારતનો સૌથી વધુ ટેસ્ટ-રનનો વિક્રમ પોલી ઉમરીગરના નામે હતો. એવી જ રીતે તેમની 12 સદીઓનો વિક્રમ પણ સુનીલ ગાવસ્કરે તોડ્યો. તેમણે ઝડપેલા 33 કૅચનો વિક્રમ પાછળથી એકનાથ સોલકરે તોડ્યો. સમય જતાં એ વિક્રમ સુનીલ ગાવસ્કર અને અઝહરુદ્દીનના નામે થયો; પરંતુ ઐતિહાસિક વિકાસક્રમમાં એક તબક્કે આ બધા વિક્રમ પોલી ઉમરીગરના નામે હતા.
ભારતીય ક્રિકેટમાં પોલી ઉમરીગરનું યોગદાન અજોડ છે. પોલી ઉમરીગર વિકેટની સામે રમવામાં ઘણા મજબૂત હતા અને કોઈ પણ કક્ષાના બૉલરને આસાનીથી ફટકારી શકતા હતા. સાથે સાથે તેઓ ઉપયોગી બૉલર પણ હતા, જેને કારણે તેમને 59 ટેસ્ટમાં 35 વિકેટ મળેલી.
1946માં પોલી ઉમરીગરે મુંબઈ માટે રણજી ટ્રૉફી રમવાનું શરૂ કર્યું અને નવાનગર સામે 33 રન કર્યા અને 10 રનમાં 3 વિકેટ બૉલર તરીકે ઝડપી લીધી. વચ્ચે 1950-51 અને 1951-52માં તેઓ ગુજરાત માટે પણ રણજી ટ્રૉફી રમ્યા હતા. એક સમયે તેમણે આઠ ટેસ્ટમાં ભારતીય ટીમના સુકાનીનું પદ સંભાળ્યું હતું. 1957-58થી 1962-63 – એમ સતત પાંચ વખત તેમની આગેવાની હેઠળ મુંબઈની ટીમ રણજી ટ્રૉફીમાં ચૅમ્પિયન બની. પોલી ઉમરીગરે 1962-63 પછી કપ્તાની છોડી દીધી; પરંતુ તેમણે શરૂ કરેલો ચૅમ્પિયન બનવાનો સિલસિલો મુંબઈએ સળંગ 33 વર્ષ સુધી જાળવી રાખ્યો. આમ મુંબઈ સળંગ 33 વર્ષ સુધી રણજી ટ્રૉફીમાં ચૅમ્પિયન રહ્યું.
પોલી ઉમરીગરે ભારતીય ટુકડી સાથે ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના પ્રવાસો ખેડ્યા હતા અને શ્રીલંકામાં રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટશ્રેણીમાં તો તેઓ સુકાની તરીકે પણ ગયા હતા.
પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પોલીએ 52.65ની સરેરાશથી 16,323 રન નોંધાવ્યા છે; જેમાં 50 સદીઓનો સમાવેશ થાય છે. ઉમરીગરે નવ બેવડી સદીઓ ફટકારી છે; જેમાંથી છ બેવડી સદીઓ ઇંગ્લૅન્ડમાં નોંધાવી હતી.
ક્રિકેટર તરીકે નિવૃત્ત થયા બાદ પણ ઉમરીગર ક્રિકેટ સાથે સતત સંકળાયેલા રહ્યા છે. 1967માં તેમને એમ.સી.સી.નું માનાર્હ સભ્યપદ એનાયત થયું હતું. 1978માં તેઓ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. છેલ્લે તેમણે ભારતીય ક્રિકેટ બૉર્ડના સંચાલનમંત્રી તરીકે ફરજ બજાવી હતી. 1987થી 1997 સુધી આ હોદ્દો સંભાળ્યા બાદ તેમણે સદંતર નિવૃત્તિ લઈ લીધી; જોકે મુંબઈમાં રમાતી ટેસ્ટ દરમિયાન પોલી ઉમરીગર ચોક્કસ હાજરી આપે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક દરવાજાને તેમની સ્મૃતિમાં ‘પોલી ઉમરીગર ગેટ’ નામ પણ અપાયું છે. 1962માં ‘પદ્મશ્રી’ના ખિતાબથી તેમને નવાજવામાં આવ્યા હતા.
તુષાર ત્રિવેદી