ઉમરેઠ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું નગર. તે 22o 42′ ઉ. રે. અને 73o 07′ પૂ. રે. પર આવેલું છે. મિરાતે અહમદીમાં અમદાવાદની જમણી બાજુએ આવેલી સોનાની પાંખ તરીકે તેનું વર્ણન કરેલું છે. વસ્તી : આશરે 40 હજાર (2011 મુજબ), વિસ્તાર : 20.2 ચોકિમી. આણંદ-ગોધરા રેલમાર્ગ પર આણંદથી 23 કિમી. દૂર રેલવેસ્ટેશન છે. નડિયાદથી 29 અને ખેડાથી 45 કિમી. દૂર ઉત્તરે શેઢી નદી વહે છે. નગરની ચારે બાજુ મોટાં તળાવ છે. પ્રાચીન કાળમાં તે જૈન ધર્મ અને સંસ્કૃતિનું મથક હતું. પ્રાચીન સ્થાપત્યોમાં મીનળદેવીએ બંધાવેલી સાત માળની ભદ્રકાળી વાવ તથા અગિયારમી સદીના શિયાપ્રચારક મહમદઅલીની કબર છે. આસપાસનાં ગામો સાથે પાકા રસ્તે તેનો બસવ્યવહાર છે. અહીંથી સાડીઓ, ઘી, અનાજ, કઠોળ, તમાકુ વગેરેનો મોટો વેપાર ચાલે છે. હાથસાળ, લેથ, દળવા-ખાંડવાનાં, મમરા બનાવવાનાં, ઉપરાંત લાકડાં વહેરવાનાં, તેલ કાઢવાનાં અને કાચના અસ્તરવાળાં (glass lining) યાંત્રિક સાધનોનાં કારખાનાં પણ છે. અહીં તાર-ટપાલ તથા ટેલિફોન-સેવા, અદાલતો, પોલીસમથક, ભૂગર્ભ ગટર, દવાખાનાં, વિદ્યાલયો, સહકારી મંડળીઓ, બૅંકો તથા સેવાસમાજો છે. બહેનો માટે એક કૉલેજ પણ છે. મોટાભાગનાં ઘરોમાં પાણીનાં ટાંકાં છે. ગૃહઉદ્યોગોમાં પતરાળાં, મસાલા, પાપડ, છીંકણી વગેરે બનાવાય છે. સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશ જે. એમ. શેલત ઉપરાંત જાણીતા સાક્ષરો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને યશવંત શુક્લ અહીંના વતની હતા. અહીંથી સાત કિમી. દૂર મશહૂર યાત્રાધામ ડાકોર આવેલું છે. અહીં 60 હિંદુ મંદિરો અને 19 મુસ્લિમ ધર્મસ્થાનો આવેલાં છે. આ તાલુકાની વસ્તી 1,62,428 (2011) છે.

કૃષ્ણવદન જેટલી