ફ્રૉસ્ટ, રૉબર્ટ (જ. 26 માર્ચ 1874, સાનફ્રાન્સિસ્કો, અમેરિકા; અ. 29 જાન્યુઆરી 1963, બૉસ્ટન, અમેરિકા) : જાણીતા અમેરિકન કવિ. ક્ષયની બીમારીમાં 1885માં પિતાનું અવસાન થતાં માતા મૅસેચૂસેટના સેલમ ગામમાં શિક્ષિકા બન્યાં અને રૉબર્ટ એ ગામની શાળામાં દાખલ થયા. માતાની આછીપાતળી આવકમાં ઉમેરો કરવા 12 વર્ષની વયે મોચીની દુકાનમાં અને રજાઓ દરમિયાન ખેતરોમાં દહાડિયા તરીકે કામ કરવા લાગ્યા. 1892માં લૉરેન્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસ પૂરો કરી ત્રણેક વર્ષ બાદ એ ડાર્ટમથ કૉલેજમાં જોડાયા અને બે-ત્રણ માસમાં જ કૉલેજને રામ રામ કરી આર્થિક વિટંબણા ટાળવા શાળામાં શિક્ષક બન્યા. એ ગાળામાં લૉરેન્સના એક વર્તમાનપત્ર માટે ખબરપત્રીની કામગીરી સ્વીકારી અને શાળાજીવનની પોતાની સહાધ્યાયિની એલિનર મિરિયમ વ્હાઇટ સાથે લગ્નગ્રંથિથી જોડાયા (1895).
બાવીસમે વર્ષે તેઓ અધ્યાપક બનવાની મહેચ્છા સાથે હાર્વડમાં અભ્યાસ કરવા જોડાયા તો ખરા, પણ 2 વર્ષ બાદ 1899માં હાર્વડને અલવિદા કરી. પ્રશિષ્ટ કૃતિઓના આકર્ષણ સાથે ગ્રીક અને લૅટિનની કૃતિઓ વાંચવા લાગ્યા. કવિતા પ્રત્યે અનુરાગ વધતો ગયો. દાદાએ એમને આજીવિકા નિભાવવા ન્યૂ હૅમ્પશાયરના ડેરી ગામમાં એક ખેતર ખેડવા આપ્યું. સંતર્પક ઊપજ ન થતાં એમણે એ જ ગામની પિંકર્ટન અકાદમીમાં અને પ્લિમથની ન્યૂ હૅમ્પશાયર સ્ટેટ નૅશનલ સ્કૂલમાં શિક્ષક તરીકે પણ સેવા આપી.
1912માં દાદા-દીધું ખેતર વેચીસાટી રૉબર્ટ ફ્રૉસ્ટ સપરિવાર ઇંગ્લૅંડ ઊપડ્યા. બકિંગહામશાયરના બીકન્સફિલ્ડ ગામમાં 3 વર્ષ વિતાવ્યા બાદ 1915માં અમેરિકા પાછા ફર્યા. અમેરિકા પાછા ફર્યા પછી કવનપ્રવૃત્તિને જ પોતાના જીવનની મુખ્ય નેમ બનાવી. ન્યૂ હૅમ્પશાયરના વ્હાઇટ માઉન્ટન્સ ખાતે ફ્રૅન્કોનિયામાં ખેતર ખરીદ્યું અને પાંચેક વર્ષ બાદ ત્યાં ‘ધ સેવન આર્ટ્સ’ નામક માસિકના સલાહકારમંડળમાં જોડાવાનું નિમંત્રણ મળ્યું. 1915 અને ’16માં અનુક્રમે ‘ટફટ્સ કૉલેજ’ અને હાર્વડમાં ‘ફી બીટા કૅપા’ કવિપદ આપવામાં આવ્યું. 1917માં ‘પોએટ-ઇન-રેસિડન્સ’ બનાવવામાં આવ્યા તથા 1917થી ’20 સુધી ઍમહર્સ્ટમાં અધ્યાપનકાર્ય કર્યું. 1918માં એમને માસ્ટર ઑવ્ આર્ટ્સ બનાવાયા. 1921થી ’23 સુધી મિશિગન યુનિવર્સિટીમાં ‘પોએટ-ઇન-રેસિડન્સ’ રહ્યા. ત્યાંથી ઍમહર્સ્ટમાં પાછા ફર્યા અને 1925 સુધી ત્યાં રહ્યા. 1926માં વળી પાછા મિશિગન યુનિવર્સિટીમાં જોડાયા. 1928માં એમણે ઇંગ્લડ અને પૅરિસની મુલાકાત લીધા બાદ 1936માં હાર્વડ પાછા ફર્યા.
એમના નબળા સ્વાસ્થ્યને કારણે તબીબી સલાહ અનુસાર પ્રત્યેક શિયાળામાં ફ્લૉરિડા જઈને રહેવા લાગ્યા. 1937 સુધી હાર્વડમાં રહ્યા; પણ 1938માં પત્નીનું નિધન થતાં ને એકલતા ઉત્કટ બનતાં તેઓ ઍમહર્સ્ટમાંથી રાજીનામું આપી બૉસ્ટન ચાલ્યા ગયા અને ત્રણ વર્ષ બાદ કેમ્બ્રિજમાં ઘર અને વર્મોન્ટમાં ખેતર લીધું.
એમણે કાવ્યસર્જનનો આરંભ ઍડગર ઍલન પૉની સંગીતમયતા અને એમર્સનની ચિંતનમયતાની અસર નીચે કરેલો. એમની પ્રથમ કાવ્યરચના હતી એક ઉમરાવને લગતું દીર્ઘ કથાકાવ્ય. લૉરેન્સ હાઈસ્કૂલના મુખપત્રમાં તે પ્રકટ થયેલું. ત્યારપછી એમનું ઊર્મિકાવ્ય ‘માઇ બટરફ્લાઇ : ઍન એલિજી’ ન્યૂયૉર્કના ત્યારે જાણીતા સામયિક ‘ધી ઇન્ડિપેન્ડન્ટ’ના પ્રથમ પાને પ્રકાશિત થયું. રૉબર્ટની વય ત્યારે વીસની. કવિ પોરસાયા. એક પછી એક કાવ્યો ઉક્ત સામયિકમાં પ્રકટ થવા લાગ્યાં, પરંતુ અમેરિકામાં ત્યારે રૉબર્ટ ફ્રૉસ્ટનો કવિ તરીકે સ્વીકાર-સત્કાર ન થયો. આખરે ઇંગ્લડ જઈ 1913ના એપ્રિલમાં પ્રથમ કાવ્યસંગ્રહ ‘અ બૉયઝ વિલ’ પ્રકટ કર્યો. 1914ના મેમાં બીજો કાવ્યસંગ્રહ ‘નૉર્થ ઑવ્ બૉસ્ટન’ પ્રકટ થયો. છેક ચાળીસમે વર્ષે એમનો કવિ તરીકે સ્વીકાર થયો! 1912માં એ અમેરિકાથી ઇંગ્લૅંડ આવ્યા ત્યારે કવિ તરીકે અજ્ઞાત-અસ્વીકૃત હતા તો 1915માં અમેરિકા પાછા ફર્યા ત્યારે કવિ તરીકે સુખ્યાત-સુસ્વીકૃત હતા. 1916માં ‘માઉન્ટેન ઇન્ટરવલ’, 1923માં ‘ન્યૂ હૅમ્પશાયર’, 1928માં ‘વેસ્ટ-રનિંગ બ્રૂક’, 1930માં ‘કલેક્ટેડ પોએમ્સ’, 1936માં ‘અ ફર્ધર રૅન્જ’, 1939માં સંવર્ધિત ‘કલેક્ટેડ પોએમ્સ’, 1942માં ‘અ વિટ્નેસ ટ્રી’, 1945માં ‘અ માસ્ક ઑવ્ રીઝન’ અને 1947માં ‘સ્ટીપલ બ્રુશ’ કાવ્યસંગ્રહો પ્રકટ થયા. 1947માં બ્લૅન્ક વર્સમાં લખાયેલું એમનું નાટક ‘અ માસ્ક ઑવ્ મર્સી’ પ્રકટ થયું. 1949માં કવિને પોતાને સંઘરવાલાયક જણાયેલાં 304 કાવ્યોનો સંગ્રહ ‘કમ્પ્લીટ પોએમ્સ ઑવ્ રૉબર્ટ ફ્રૉસ્ટ – 1949’ પ્રકટ થયો. 1962માં એમનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘ઇન ધ ક્લિયરિંગ’ પ્રકટ થયો હતો. એમના બે પત્રસંચયો પણ પ્રકટ થયેલા છે.
કવિ તરીકેની એમની સિદ્ધિએ એમને ચાર વાર પુલિત્ઝર પારિતોષિકના હકદાર બનાવેલા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આટર્સ ઍન્ડ લેટર્સ તરફથી અને 1958માં પોએટ્રી સોસાયટી ઑવ્ અમેરિકા તરફથી સુવર્ણચન્દ્રકો એનાયત થયેલા. 1963ની પાંચમી જાન્યુઆરીએ તેમને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી તરફથી બૉલિંગ્ટન પારિતોષિક અપાયાની જાહેરાત થયેલી અને ‘સૌથી મહાન વિદ્યમાન અમેરિકન કવિ’ તરીકે બિરદાવાયેલા. કોલમ્બિયા, ડાર્ટમથ, યેલ, હાર્વડ, કેમ્બ્રિજ, ઑક્સફર્ડ આદિ કૉલેજો–યુનિવર્સિટીઓએ એમને માનાર્હ ઉપાધિઓથી નવાજેલા.
પોતાની કવિતામાં ન્યૂ ઇંગ્લડની પ્રકૃતિ અને પ્રાણને ધબકતાં કરનાર, આધુનિક લેખકોમાં સરલતામાં ગહનતા પ્રકટાવનાર, કાવ્યમાં વસ્તુગત અને આકૃતિગત સૌંદર્ય દાખવનાર, વિષયવૈવિધ્યના નિરૂપણ અને નિર્વહણમાં આગવી સૂઝ અને સામર્થ્ય પ્રતીત કરાવનાર પ્રજ્ઞાના આ કવિ રૉબર્ટ ફ્રૉસ્ટની કાવ્યસંપત્તિ વિશ્વ સમક્ષ અમેરિકન કવિતાસાહિત્યનો અમર વારસો બની રહી છે. જગતની સાર્થકતા સાધવા માટેની એકાંતપ્રેમી વ્યક્તિની ખોજ એ તેમની બધી જ કૃતિઓનો પ્રમુખ વિષય રહ્યો છે.
ધીરુ પરીખ