ફ્લક્શિયોનલ સંયોજનો (fluxional compounds)

March, 1999

ફ્લક્શિયોનલ સંયોજનો (fluxional compounds) : બંધારણીય પ્રવાહિતા ધરાવતાં સંયોજનો. એકસરખાં (equivalent) બંધારણ ધરાવતા અણુઓમાંના ઘટક પરમાણુઓના આંતરવિનિમય (interchange) દ્વારા ઝડપી અંતરણુક પુનર્વિન્યાસને કારણે વિવિધ સંરચના દર્શાવતાં સંયોજનો. આવાં સંયોજનોનું વિશિષ્ટ બંધારણ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે નિયત રહે છે. નાભિકીય ચુંબકીય સંસ્પંદન (nuclear magnetic resonance) સ્પેક્ટ્રમિતિ દ્વારા આવાં સંયોજનોનો 0.5થી 10,000 પ્રતિ સેકંડ સુધીનો વિનિમયદર પારખી શકાય છે.

કાર્બનિક સંયોજનો : આવા સંયોજનનું સાદું ઉદાહરણ કોષ પુનર્વિન્યાસ દ્વારા મળતું 1, 5–હેક્ઝાડાઇન છે.

આનો પ્રક્રિયાવેગ અતિશય ધીમો છે. અન્ય ઉદાહરણો નીચે સારણીમાં દર્શાવ્યાં છે.

સારણી 1 : ફ્લક્શિયોનલ સંયોજનોનાં ઉદાહરણો

હાઈપોસ્ટ્રોફીન (શ્રોડર 1974)

બાઇસાઇક્લો (5, 1, 0) ઓક્ટા2, 5ડાઇન (ડોઅરિંગ 1963)

બુલવાલીન (ડોઅરિંગ તથા રૉથ)

એવાં ઘણાં ઉદાહરણો જાણીતાં છે જેમાં આણ્વીય કંપનો અથવા આંતર આણ્વીય પુનર્વિન્યાસ અણુને એકકેન્દ્રીય વિન્યાસમાંથી બીજા વિન્યાસમાં ફેરવે. જો આવી પ્રક્રિયાઓ કોઈ રાસાયણિક કે ભૌતિક રીત દ્વારા માપી શકાય એટલી ધીમી હોય તો તેમને અવકાશ-ર્દઢ (stereochemically rigid) રચનાઓ કહે છે. બે કે વધુ સંરચનાઓ રાસાયણિક રીતે એકસરખી હોય પણ તેમની અવકાશીય રચના અર્દઢ (સતત ઝડપી પરિવર્તનશીલ) હોય તો તેમને ફ્લક્શિયોનલ અણુઓ કહેવાય.

આ પ્રકારના ફ્લક્શિયોનલ અણુઓનું સમતોલન સંસ્પંદન તરીકે માનવાનું નથી તથા તે સંરૂપીય ફેરફારો તરીકે પણ માનવાનું નથી. ફ્લક્શિયોનલ અણુઓના આંતરફેરફારોમાં રાસાયણિક બંધો તૂટે છે તથા બને છે, જ્યારે સંરૂપીય ફેરફારોમાં કોઈ (નવા) બંધ બનતા કે તૂટતા નથી હોતા.

કાર્બ-ધાત્વીય રસાયણમાં અનેક ફ્લક્શિયોનલ અણુઓ જોવા મળે છે જેનું ખૂબ જાણીતું ઉદાહરણ Feના સાઇક્લોપેન્ટાડાઇનાઇલ તથા સાઇક્લોઑક્ટાટેટ્રાઇન સાથેનાં સંકીર્ણ સંયોજનો છે.

સાઇક્લોપેન્ટાડાઇનાઇલ આયર્ન સંકીર્ણ

સાઇક્લોઑક્ટાટેટ્રાઇન આયર્ન સંકીર્ણ

અકાર્બનિક રચનાઓ : અકાર્બનિક સંરચનાઓ પણ ફ્લક્શિયોનલ ઘટના બતાવે છે. પંચ-સવર્ગ સહસંયોજક સંકીર્ણોની અનેકવિધ સંરચનાઓ આનાં ઉદાહરણો છે. આવી સંરચનાઓની કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન વર્ણપટ દ્વારા ખૂબ માહિતી મળે છે.

PF5ની રચનાઓ

જ. પો. ત્રિવેદી