ટુડુ, જમુના

September, 2023

ટુડુ, જમુના (જ. 19 ડિસેમ્બર 1980 રાયરંગપુર, મયુરભંજ, ઓડિશા) : લેડી ટારઝન તરીકે જાણીતા પર્યાવરણીય કાર્યકર્તા.

પિતા બગરાઈ મુર્મુ અને માતા બોબીશ્રી મુર્મુ. જીવનસાથી માનસિંહ ટુડુ. 1998માં લગ્ન પછી જમુનાએ એક દિવસ જોયું કે ગામ પાસેના જંગલમાં જંગલ માફિયાઓ આડેધડ વૃક્ષો કાપી રહ્યા હતા. જંગલની હાલત જોઈને જમુનાએ વૃક્ષોને બચાવવાનું નક્કી કર્યું. જમુનાએ ગામલોકોને માફિયાઓને ઝાડ કાપતાં અટકાવવા માટે કહ્યું, પરંતુ કોઈએ સહકાર આપ્યો નહીં. જમુનાએ ચાર મહિલાઓ સાથે મળીને જંગલને કપાતાં બચાવવા માટે જંગલ માફિયાઓ સાથે લડાઈ કરી અને જંગલ બચાવવાનું અભિયાન શરૂ કર્યું. ઘરનું કામ પતાવીને જમુના તેમની સ્ત્રી સાથીઓ સાથે જંગલમાં જતાં અને જંગલ માફિયાઓને જંગલમાંથી ભગાડતાં.

માફિયાઓએ તેમનું ઘર તબાહ કર્યું. તેમના ગામ નજીકના સ્ટેશન પર લાકડાની દાણચોરી રોકવા જમુના, તેમનાં પતિ અને સમિતિના સભ્યોએ લાકડા માફિયાઓનો સામનો કર્યો. માફિયાઓએ તેમના પર ભારે પથ્થરમારો કર્યો. તેમના પતિ માનસિંહને ઈજાઓ થઈ. તેમના પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો, પરંતુ જમુનાએ હાર ન માની અને જંગલને બચાવવા માટે મક્કમ રહ્યાં.

2004માં તેમણે ‘વન સુરક્ષા સમિતિ’ની સ્થાપના કરી, જેમાં ગામની 60 મહિલાઓ જોડાઈ. હવે 300 મહિલાઓનું જૂથ છે, જેને તે ‘ફોરેસ્ટ મેનેજમેન્ટ ડિફેન્સ કમિટી’ કહે છે. આ સંસ્થા ઝારખંડમાં વૃક્ષોને ગેરકાયદેસર કાપતાં અટકાવે છે. ઝારખંડમાં ટિમ્બર માફિયા અને નક્સલવાદીઓ સામે લડવા બદલ લોકો તેમને ‘લેડી ટારઝન’ કહે છે. તેમણે 50 હેક્ટર જંગલને વિનાશથી બચાવ્યું અને પુનઃવનીકરણ માટે પ્રયત્નો કર્યાં છે. તેમણે 10,000 મહિલાઓને એકત્ર કરી અને તેમને વૃક્ષો અને વન્યજીવોની સુરક્ષા માટે પ્રેરિત કરી.

આ અભિયાનમાં શરૂઆતમાં જ્યાં માત્ર પાંચ-છ મહિલાઓ તેમની સાથે હતી. હવે આખું ગામ તેમની સાથે છે. આ તમામ મહિલાઓ જંગલોમાં પેટ્રોલિંગ કરીને વૃક્ષો અને છોડને બચાવવાનો પ્રયાસ કરે છે. જમુના અને તેની ટીમ પોતાનો જીવ જોખમમાં મૂકીને વૃક્ષોનું રક્ષણ કરે છે. ઝારખંડ આર્મ્ડ પોલીસ તેમની સાથે જંગલની સુરક્ષામાં કામ કરે છે. જમુનાએ મહિલા સશક્તિકરણની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે.

આજે ગામના લોકો છોકરાના જન્મ પર 18 વૃક્ષો અને છોકરીઓના લગ્ન પર 10 વૃક્ષો વાવે છે. તેમણે રક્ષાબંધન પર મહિલાઓને ઝાડને રાખડી બાંધવા માટે પ્રોત્સાહિત કર્યાં. વિશ્વ પર્યાવરણ દિવસે ‘વન સુરક્ષા સમિતિ’ વૃક્ષોનું પૂજન કરે છે અને રોપા લગાવે છે.

જંગલો અને પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણમાં નોંધપાત્ર કાર્ય માટે જમુનાને 2014માં ફિલિપ્સ બ્રેવરી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 2016માં તેમનો દેશની પ્રથમ 100 મહિલાઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 2017માં વિમેન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ઍવૉર્ડ અને 2019માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલે પર્યાવરણ યોદ્ધા જમુના ટુડુની કપ્તાની હેઠળ ધનુષ અને તીરધારી ‘વન સુરક્ષા સમિતિ’ની મહિલા બ્રિગેડની પ્રેરણાદાયી તસવીરો બહાર પાડી હતી. તેમને પુરસ્કારોમાંથી જે પણ નાણાં મળ્યાં છે તે તેમના ગામના વિકાસમાં આપી દીધાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં જમુના ટુડુની લાકડા માફિયાઓ અને નક્સલવાદીઓ સામે લડવાની હિંમત માટે પ્રશંસા કરી તેમનાં કાર્યને બિરદાવ્યું હતું.

અનિલ રાવલ